વડોદરા,: રેલવે સ્ટેશનના 6-7 યાર્ડમાં ઉભી રહેલી ખાલી મેમુ ટ્રેનમાં વહેલી સવારે રહસ્મય સંજોગોમાં ભીષણ આગ ફાટી નિકળતા ત્રણ ડબ્બા સળગીને ખાખ થઈ ગયા હતા. એક કલાક સુધી ફાયર બ્રિગેડના લાશ્કરોએ પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લીધી હતી. રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ તુરંત ઘટનાસ્થળે ઘસી આવીને ભેદી સંજોગોમાં લાગેલી આગ અંગે તપાસ હાથ ધરીને એફએસએલની મદદ લીધી હતી.
વડોદરા રેલવે સ્ટેશન પર એક માસમાં બીજી દુર્ઘટના સર્જાતી ઉચ્ચ અધિકારીઓ સહિતનું તંત્ર હચમચી ઉઠ્યું છે. પરોઢીયે પોણા છ વાગે 6-7 નંબરના યાર્ડમાં ઉભીલી મેમુ ટ્રેનમાં ભેદી સંજોગોમાં ભીષણ આગ ફાટી િનકળી હતી. પવનના કારણે જોતજોતામાં લબકારા મારી આગની પ્રચંડ જવાળાઓ ફેલાઈ રહી હતી. ટ્રેનના ડ્રાઈવર બ્રિજેશચંદ્રએ તુરંત કંટ્રોલમાં જાણ કરતા ઉચ્ચ અધિકારીઓ, રેલવે પોલીસ અને ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે ઘસી આવ્યો હતો. ફાયર બ્રિગેડના લાશ્કરો બચાવ કામગીરી હાથ ધરે તે પુર્વ તો આગની જવાળાઓએ ત્રણ ડબ્બાને લપેટમાં લેતા ધ બર્નીંગ ટ્રેન જેવા દ્રશ્યો સર્જાયાં હતાં.
ફાયર બ્રિગેડના ત્રણ બંબાઓ દ્વારા અિવરત પાણીનો મારો ચલાવવાના ભારે જહેમત બાદ આશરે એક કલાકે આગ કાબુમાં આવી હતી. જો કે ત્યાં સુધીમાં જો ભીષણ આગમાં ત્રણ ડબ્બા સળગીને ખાખ થઈ ગયા હતાં. આગ કાબુમાં આવ્યા બાદ ઉચ્ચ અિધકારીઓ તુરંત આગ કઈ રીતે લાગી તે દિશામાં તપાસાર્થે દોડધામ મચાવી હતી.
જો કે પ્રાથમિક તપાસમાં સચોટ કારણ જાણવા ના મળતા રેલવે તંત્રએ ઘટના સંદર્ભે એફએસએલની મદદ માંગતા ટીમ છોડી આવી હતી. અને ઝીપવટભરી તપાસ હાથ ધરી હતી. પ્રચંડ આગે ત્રણ ડબ્બાની તમામ ચીટ, પંખા, લાઈટો ભસ્મીભૂત કરી નાખતા લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાનું તંત્રએ જણાવ્યું હતું. જો કે નુકશાનીનો ચોક્કસ આંકડો સંપૂર્ણ તપાસ બાદ જ જાણવા મળશે. આકસ્મિક આગની તપાસાર્થે સાંજે પણ એફએસએલની ટીમે મુલાકાત લઈને સળગી ગયેલા ડબ્બામાંથી આગનું કારણ જાણવા પ્રયાસ હાથ ધર્યા હતા.
આગની તપાસ માટે તાત્કાલિક કમિટી રચાઈ
રેલવે ગરનાળામાં કચરો સળગાવવાથી લાગેલ પ્રચંડ આગમાં રેલવે સ્ટેશનના સંકુલમાં વ્યાપક નુકશાન થતા હાલ સમારકામ ચાલુ છે. તેના ટુંકા ગાળામાં વધુ એક દુર્ઘટના સર્જાતા ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલીક તપાસ કમીટી રચીને તપાસના આદેશ આપી દીધા હતા. રેલવે વિભાગે ખાખ થયેલા ત્રણે ડબ્બા એન્જીનથી અલગ કરી અન્ય ટ્રેક પર ખસેડ્યા હતાં.
તંત્ર દ્વારા ત્વરીત મુખ્ય વીજપ્રવાહ બંધ કરાયો
બાન્દ્રાથી હરીદ્વાર જતી દહેરાદુન એકસપ્રેસ ટ્રેનનું સ્ટેશન પર રોકાણ થયું હતું. જો કે મુસાફરોથી ખિચોખીચ ભરેલી ટ્રેનને કોઈ અસરના પડશે તેવી સલામતીના અર્થે તંત્રએ તુરંત મુખ્ય લાઈનનો વીજપ્રવાહ બંધ કરી દીધો હતો. જો કે એક જ કલાકમાં આગ કાબુમાં આવી જતા રેલ વ્યવહારને કોઈ જ અસર પહોંચી ન હતી.
અસામાજીકોના અટક-ચાળાથી આગ લાગી?
ટ્રેકની નજીક નવાયાર્ડ વિસ્તારમાં અસામાજીકો અનેક ગોરખધંધા આચરે છે. રાત્રી સમયે દારૂ, જુગાર રમવા ખાલી ડબ્બાનો ઉપયોગ કરતા તત્વોએ બીડી સીગરેટ સળગાવતા પણ આગ ફાટી નિકળવાની શક્યતા નકારી શકાય તેમ નથી. રેલવે પોલીસે ખાલી ટ્રેનો પાસે સતત પેટ્રોલીંગ આદરીને આવા તત્વોને પગ પેસારો સદંતર બંધ કરાવ્યું છે.