Gujarat

રૂપાણીએ સૌરાષ્ટ્રના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યુ

સૌરાષ્ટ્રમાં તા.૧૭ અને ૧૮મી મેના રોજ ત્રાટકેલા તાઉતે વાવાઝોડાથી થયેલા નુકસાનની જાત માહિતી મેળવવા ગુરૂવારે સીએમ વિજય રૂપાણીએ ગીર સોમનાથ, અમરેલી અને દિવ- ઉના, જાફરાબાદ, રાજુલાના અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યુ હતું. આ ઉપરાંત રૂપાણીએ ઉના ખાતે વિવિધ ગામોની પણ મુલાકત લીધી હતી.

રૂપાણીએ ગુરૂવારે સવારે ગાંધીનગરથી હવાઇ માર્ગે ઉનાના ગરાળ ગામે પહોંચતા સુધી માર્ગમાં આવતા ગામો-વિસ્તારોમાં તાઉતે વાવાઝોડાએ સર્જેલી વિકટ સ્થિતિ અને નુકસાનીનું હવાઇ નિરીક્ષણ પણ કર્યુ હતું. ઉનાના ગરાળ ગામે આ વાવાઝોડાથી લોકોના મકાનો, ખેતીવાડીને ખુબ જ નુકસાન થયું હોવાથી રૂપાણીએ ગરાળના મહિલા સરપંચ મોંઘીબહેન અને ગ્રામજનો પાસેથી ખેતી-બાગાયતી પાકો તેમજ મકાનોને થયેલા નુકસાનની વિગત મેળવી હતી. આ સમયે મુખ્યમંત્રી સાથે તેમના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર હાજર હતા. તેમનણે નુકસાનીના સર્વેની કામગીરી તાત્કાલિક હાથ ધરીને ગ્રામજનોને નિયમાનુસારની રાહત આપવાની ખાતરી આપી હતી.

મુખ્યમંત્રીએ ઉના પ્રાંત અધિકારીની કચેરીમાં જિલ્લા તંત્રના અધિકારીઓ, અગ્રણીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને સમગ્ર સ્થિતિની તલસ્પર્શી વિગતો મેળવી હતી. વીજળી, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના પુરવઠાને અસર પહોંચી છે તે તત્કાલ નિવારીને આ પુરવઠો સમયમર્યાદામાં પૂર્વવત કરી દેવા પણ સૂચનાઓ આપી હતી. વાવાઝોડાને લીધે ગીર સોમનાથ જિલ્લાના 170 ગામોમાં પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. જેના માટે જનરેટર મૂકીને 24 કલાક યુદ્ધના ઘોરણે કામગીરી હાથ ઘરી તમામ ગામોની પાણીની જરૂરિયાત પૂરી કરી દેવામાં આવી છે. હવે માત્ર 64 ગામોમાં પાણી પહોચાડવાની કામગીરી ચાલી રહી છે. જે આવતીકાલ શુક્રવાર સાંજ સુધીમાં પુરી કરી દેવા બેઠકમાં મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

જાફરાબાદ-રાજૂલાના કોવાયા – પીપરીકાંઠા ગામોના સાગરખેડૂ-માછીમારોને મુખ્યમંત્રી મળ્યા
ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ત્રાટકેલા તાઉતે વાવાઝોડાએ સર્જેલી વિકટ સ્થિતિનો તાગ મુખ્યમંત્રીએ મેળવ્યો હતો. તેઓ અમેરલીના કોવાયા અને પીંપરીકાંઠા ગામો, રાજુલાના કોવાયા અને જાફરાબાદના પીપરીકાંઠા ગામોમાં જઇને સાગરખેડૂ-માછીમાર પરિવારો, ગ્રામજનોને મળ્યા હતા. તેમણે અસરગ્રસ્ત ગ્રામજનોના તૂટી ગયેલા – પડી ગયેલા મકાનો અને બોટસ વગેરેની વિગતો સ્થળ પર જઇને મેળવી હતી. મોટાભાગના માછીમાર પરિવારોની બોટસને આ વાવાઝોડાએ મોટું નુકશાન કર્યુ છે. આવી વિકટ સ્થિતિમાં સાગરખેડૂ-માછીમારોની આજિવીકા માટે રાજ્ય સરકાર તેમને કેશડોલ રૂપે ત્વરિત સહાય આપશે. એટલું જ નહિ, જે કાચા મકાનોને નુકશાન થયું છે તેમને પણ નિયમાનુસાર યોગ્ય મદદ-સહાય તંત્ર દ્વારા ચુકવાશે.

સૌરાષ્ટ્રના ચાર વાવાઝોડા અસરગ્રસ્ત જિલ્લાઓમાં અધિક મુખ્ય સચિવોને જવાબદારી સોંપતા મુખ્યમંત્રી
ગુજરાતમાં ફૂંકાયેલા વાવાઝોડા તાઉ-તે બાદની સ્થિતિમાં રાહત કામગીરી સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરૂવારે ચાર આઇએએસ અધિકારીઓને જિલ્લાઓની જવાબદારી સોંપી છે. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં અધિક મુખ્ય સચિવ અને શ્રમ રોજગાર વિભાગનો હવાલો સંભાળતા વિપુલ મિત્રા, ભાવનગરમાં શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, જૂનાગઢમાં સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની તથા અમરેલીમાં સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલને જવાબદારી સોંપાય છે.

આ ચારેય અધિકારીઓ તાત્કાલીક તેમને સોંપાયેલા જિલ્લાની મુલાકાત લેશે અને ખાસ કરીને કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા જે પ્રથમ રાહત પેકેજ જાહેર કરાયું છે તેના અમલ માટેની કાર્યવાહી કરશે. જ્યારે જિલ્લા કલેકટર દ્વારા મહેસુલ વિભાગની ટીમ હાલ ખેતી અને બાગાયત સહિતનું જે નુકશાન થયું છે તથા કાચા-પાકા મકાનો પડી ગયા છે અથવા તો નુકશાન થયું છે તે ઉપરાંત માલ ઢોરના થયેલા નુકશાન અંગે પણ ચાલી રહેલા સર્વેમાં સુપર વિઝન કરશે અને તેનો રિપોર્ટ તાત્કાલિક ગાંધીનગર પહોંચતો કરશે. જેના પરથી રાહતના ધોરણો નક્કી કરીને તાત્કાલિક જે તે વિસ્તારમાં રાહતો મોકલી શકાશે.

તાઉતેથી રાજ્યમાં થયેલા નુકસાન અંગે તાત્કાલિક સર્વે કરાવી-સહાય ચૂકવવા કોંગ્રેસનો મુખ્યમંત્રીને પત્ર
તાઉતે વાવાઝોડાને કારણે ગુજરાતમાં ભારે તારાજી સર્જાઇ છે. વાવાઝોડાથી ઘણા જિલ્લાઓ અને ખાસ કરીને દરિયાઈ તટવાળા જિલ્લાઓમાં ખૂબ નુકસાન થયું છે. તેવામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં બાગાયતી- ઉનાળુ પાક, માછીમારોને થયેલા નુકસાન, રસ્તાઓનું નુકસાન વગેરે અંગે તાત્કાલિક સર્વે કરાવવા તેમજ ખોરવાયેલો વીજપુરવઠો તાત્કાલિક પૂર્વવત કરાવવા માટે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાની મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી માંગણી કરી છે. તેમણે રાજ્યમાં કાચા-પાકા મકાનોનું નુકસાની વળતર, સ્‍થળાંતર કરેલા લોકોને કેશડોલ્‍સ તેમજ માનવ અને પશુ મૃત્‍યુ સહાય-વળતર તાત્કાલિક ચૂકવવા રજૂઆત કરી હતી.

Most Popular

To Top