National

વાવાઝોડાની અસર શરૂ: દરિયો ગાંડોતૂર બન્યો, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાઓ પર ઉંચા મોજા ઉછળ્યાં, ભારે વરસાદ

રાજકોટ: (Rajkot) જેની ભય સાથે રાહ જોવાતી હતી તેવું તૌકતે વાવાઝોડું (Cyclone) રાત્રે આઠેક વાગ્યાના સુમારે સૌરાષ્ટ્રના દરિયાકિનારા નજીક પહોંચી ગયું હતું. રાત્રે 8 કલાકે વાવાઝોડું દિવથી માત્ર 30 જ કિ.મી. દૂર હતું પરંતુ તેની ભારે અસર વર્તાવા માંડી હતી. જેમાં દરિયામાં જોરદાર મોજાની સાથે ભારે પવન સાથે આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ (Rain) પણ પડ્યો હતો. તૌકતે વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રે શરૂ થઈ જવા પામી હતી. દ્વારકા, પોરબંદર, સોમનાથ, અમરેલી, જાફરાબાદ, ભાવનગર વિગેરે જગ્યાએ જોરદાર પવન સાથે દરિયાના જોરદાર મોજા ઉછળવા (Strong waves rise) માંડ્યાં હતાં. વાવાઝોડાને કારણે સોમનાથમાં પણ આઠથી નવ ફૂટ મોજા ઉછળી રહ્યા છે. આ ઉપરાંત અમરેલી અને જાફરાબાદમાં બોટ તણાયાના પણ રાત્રે અહેવાલો મળ્યાં હતાં. દ્વારકામાં પણ દરિયામાં ઉંચા મોજા ઉછળ્યાં હતાં. દીવમાં વીજપુરવઠો તકેદારીરૂપે બંધ કરવામાં આવ્યો છે. સાથે સાથે રાજકોટનું એરપોર્ટ આગામી તારીખ 19 સુધી બંધ કરવામાં આવ્યું છે

તૌકતે વાવાઝોડુ (Cyclone) હાલમાં દરિયામાં 215 કિમી પ્રતિ કલાકની ઝડપે ધૂમરી ખાવા સાથે ફરી રહયુ છે એટલુ જ નહીં પ્રતિ કલાકના ૧૩0થી વધુ કિમીની ઝડપે દિવ-વેરાવળ (Diu Veraval) તરફ આગળ વધી રહયુ છે ત્યારે તે જયારે ત્રાટકશે ત્યારે તેની ઝડપ પ્રતિ કલાક ૧૮૦થી ૧૯૦ કિમીની રહેશે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે તૌકતે વાવાઝોડાની આ અત્યંત ગંભીર પરિસ્થિતિ છે અને વાવાઝોડું 180 થી 190 કિમીની ઝડપે ત્રાટકી શકે છે. ગીર સોમનાથના દરિયાકાંઠે (coast of Somnath) ટકરાવાની દહેશત વચ્‍ચે વેરાવળ-સોમનાથના દરિયામાં સાંજથી વાવાઝોડાની અસર વર્તાતી જોવા મળી રહી છે. વાવાઝોડાની અસરના પગલે દરિયો ગાંડોતૂર બનતા ત્રણ મીટર ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. જેથી દરિયાકિનારા પર તંત્ર દ્રારા સર્તકતાના ભાગરૂપે એનડીઆરએફ (NDRF) ની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.

આજે સાંજના પાંચેક વાગ્‍યા બાદ વાવાઝોડાની આહટના પગલે વેરાવળ-સોમનાથાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. વેરાવળ-સોમનાથનો દરિયો ગાંડોતૂર બની રહ્યો હોય તેમ ત્રણ મીટર જેટલા મહાકાય મોજા ઉછળવા લાગ્‍યા છે.  જેમ જેમ તે આગળ વધી રહ્યું છે તેમ તેમ તે વધુ પ્રભાવી બનતું જાય છે. હાલ વાવાઝોડાની અસર દરિયાઇ વિસ્તારમાં જોવા મળી રહી છે. જેમાં સોમનાથ, વેરાવળ, નવસારી, પોરબંદર, વલસાડ અને દિવ સહિતના તમામ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. 3 મીટર જેટલી ઊંચાઈના મોજા ઉછળી રહ્યાં છે. જેમાં સૌથી વધુ અસર દિવના દરિયામાં જોવા મળી રહી છે. સાથેજ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

17મીએ બપોર સુધીમાં દરિયાકાંઠાના જિલ્લાઓમાં કિનારાથી 10 કિમી સુધીના વિસ્તારમાં રહેતા આશરે 1.50 લાખ નાગરિકોનું 930 જેટલાં શેલ્ટર હોમમાં સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. તેમણે કહયું હતું કે વાવાઝોડું ગુજરાતને ટકરાયા બાદની પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે પણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. વાવાઝોડાના પગલે વરસાદના કારણે ઊભી થનારી મુશ્કેલીઓને નિવારવા માટે સમગ્ર તંત્ર સજ્જ છે અને જરૂર પડ્યે રેસ્કયુ ઓપરેશન માટેની તમામ તૈયારીઓ અત્યારથી જ કરી લેવામાં આવી છે. આ માટે 3 રિઝર્વ ટીમ સહિત NDRFની 44 ટીમ તથા SDRFની 10 ટીમ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. આ ઉપરાંત, ફોરેસ્ટ વિભાગની 262 તેમજ માર્ગ અને મકાન વિભાગની 262 ટીમ તૈનાત કરવામાં આવી છે.

કયા જિલ્લાઓને અસર થશે?
આ વાવાઝોડાની સૌથી વધુ અસર પશ્ચિમ ગુજરાતના પોરબંદર, જુનાગઢ, ગિરસોમનાથ, અમરેલી, ભાવનગર અને દેવભૂમિ દ્વારકામાં થવાની શકયતા છે. આ ઉપરાંત, નજીકના બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, આણંદ, દક્ષિણ અમદાવાદ સહિતના જિલ્લાઓમાં પણ અસર થવાની શકયતા દર્શાવાઈ છે. જ્યારે વલસાડ તથા નવસારી જિલ્લાઓમાં વાવાઝોડાના પગલે વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

Most Popular

To Top