Business

કોરોનાની બીજી લહેરના છેલ્લા 20 દિવસમાં સુરતના કાપડ ઉદ્યોગને 19000 કરોડનું નુકશાન

કામદારોના પલાયનને લીધે વિવિંગ, પ્રોસેસિંગ, ડાઇંગ, ટેક્સ્યુરાઇઝિંગ, બીમીંગ, વોર્પિંગ, સાઇઝિંગ અને એમ્બ્રોઇડરી સહિતના સેક્ટરોને મોટો ફટકો પડ્યો

સુરત: સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના ઇતિહાસમાં સૌથી મોટુ નુકશાન કોરોના સંક્રમણની બીજી લહેરમાં થયુ છે. ભૂતકાળમાં સુરતના પૂર, પ્લેગ, કોમી રમખાણો અને જીએસટી આંદોલન દરમિયાન જેટલું નુકશાન થયું ન હતું તેનાથી અનેક ગણું નુકશાન કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં થયુ છે. ખાસ કરીને કોરોનાની બીજી લહેરના છેલ્લા 20 દિવસોમાં સુરતના કાપડ ઉદ્યોગને 19000 કરોડનું નુકશાન થયુ છે. ઉદ્યોગકારો એવુ કારણ રજૂ કરી રહ્યા છે કે કોરોનાની બીજી લહેરમાં સુરતનું આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેસી જતા કામદારોએ વતનની વાટ પકડી હતી. કામદારોના પલાયનને લીધે વિવિંગ, પ્રોસેસિંગ, ડાઇંગ, ટેક્સ્યુરાઇઝિંગ, બીમીંગ, વોર્પિંગ, સાઇઝિંગ અને એમ્બ્રોઇડરી તેમજ નેરો ફેબ્રિક્સ સહિતના સેક્ટરોને મોટો ફટકો પડ્યો છે. કાપડ માર્કેટો બંધ રહેતા વિવિંગ અને પ્રોસેસિંગ એકમોને તાળા લાગ્યા છે. તે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોને વિશ્વાસમાં લીધા વિના 28 એપ્રિલ 2021થી અઘોષિત લોકડાઉન લાગુ કરતા આખો ઉદ્યોગ બેસી ગયો છે.

435000 કર્મચારીઓ પોતાના વતનમાં જતા રહ્યા
એક અંદાજ પ્રમાણે ટેક્સટાઇલ ટ્રેડિંગને 15000 કરોડ, યાર્ન મેન્યુફેક્ચરિંગને 2000 કરોડ, વિવિંગ સેક્ટરને 1200 કરોડ, એમ્બ્રોઇડરીને 400 કરોડ, ડાઇંગ પ્રોસેસિંગ યુનિટોને 400 કરોડ, સાઇઝિંગ-બીમીંગ-વોર્પિંગ 150 કરોડ સહિત 19000 કરોડથી વધુનું નુકશાન થયુ છે. સચિન, પાંડેસરા અને વેડ-કતારગામની જીઆઈડીસીઓ મળીને છેલ્લાં 20 દિવસમાં 1200 કરોડ રૂપિયાનું નુકસાન ગયું છે. માત્ર આ ઈન્ડસ્ટ્રીઓમાં 30થી 40 ટકા જેટલું જ પ્રોડક્શન કામ થઈ રહ્યું છે. કારણકે, ત્રણેય ઈન્ડસ્ટ્રી મળીને 435000 કર્મચારીઓ પોતાના વતનમાં જતા રહ્યા છે, મિનિ લોકડાઉન ખુલ્યા બાદ આ જીઆઈડીસીઓને ઉભી થતાં દોઢ મહિનાનો સમય લાગશે.

  • કાપડ ઉદ્યોગના કયા સેક્ટરને કેટલું નુકશાન થયું ?
  • ટેક્સટાઇલ ટ્રેડિંગને 15000 કરોડ
  • યાર્ન મેન્યુફેક્ચરિંગને 2000 કરોડ
  • વિવિંગ સેક્ટરને 1200 કરોડ
  • એમ્બ્રોઇડરીને 400 કરોડ
  • ડાઇંગ પ્રોસેસિંગ યુનિટોને 400 કરોડ
  • સાઇઝિંગ-બીમીંગ-વોર્પિંગને 150 કરોડ

Most Popular

To Top