નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમ (INDIAN CRICKET TEAM)ના ઇંગ્લેન્ડ પ્રવાસ (ENGLAND VISIT) માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ એક ફુલપ્રુફ પ્લાન બનાવ્યો છે અને તે અનુસાર ભારતીય ટીમના ખેલાડીઓ મુંબઇ (MUMBAI)માં ભેગા થાય તે પહેલા તેમના ઘરે જ તમામનો ત્રણવાર આરટી-પીસીઆર (RT-PCR) કોરોના ટેસ્ટ કરવાનું બીસીસીઆઇએ આયોજન કર્યું છે.
બીસીસીઆઇએ ટીમ ઇન્ડિયાના ઇંગ્લેન્ડ પ્રવાસ માટે એક રોડમેપ તૈયાર કર્યો છે. સૂત્રોએ માહિતી આપી હતી કે 19મી મેએ ભારતીય ટીમના ખેલાડીઓ મુંબઇમાં ભેગા થાય તે પહેલા આ ત્રણ ટેસ્ટ કરવામાં આવશે. ભારતીય ટીમ 2 જૂને ઇંગ્લેન્ડ રવાના થાય તે પહેલા તેમણે મુંબઇમાં 14 દિવસનો ક્વોરેન્ટીન પીરિયડ ગાળવાનો છે. સૂત્રોએ કહ્યું હતું કે ઇંગ્લેન્ડ રવાના થતાં પહેલા ટીમમાં સામેલ તમામ ખેલાડીઓએ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લઇ લીધો છે અને બીજો ડોઝ તેમને ઇંગ્લેન્ડમાં અપાશે. ભારતીય ક્રિકેટરોના વેક્સીનેશન બાબતે બીસીસીઆઇના એક અધિકારીએ કહ્યું હતું કે બીજા ડોઝ મામલે બીસીસીઆઇ અને ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ સાથે વાતચીત થઇ છે. જો તેના માટે ઇંગ્લેન્ડની સરકાર દ્વારા મંજૂરી નહીં મળે તો અમે ભારતથી કોરોના વેક્સીનનો બીજો ડોઝ લઇે જશું.
ભારતીય ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસમાં 18થી 22 જૂન દરમિયાન સાઉધેમ્પ્ટનમાં ન્યુઝીલેન્ડની સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમશે. તે પછી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન પાંચ ટેસ્ટની સીરિઝ રમાશે. બીસીસીઆઇ દ્વારા ઇંગ્લેન્ડ પ્રવાસ માટે 20 સભ્યોની ટીમ જાહેર કરવામાં આવી છે.