આજકાલ સમાચારપત્રમાં, સોશ્યલ મીડિયામાં તેમ જ જ્યાં જુવો ત્યાં એક વાત ઘણાના મુખે સાંભળવા મળે છે,કે નેતા અભણ ન હોવા જોઈએ,નેતા બનવા માટે પરીક્ષા હોવી જોઈએ,મિનિમમ કવોલિફિકેશન હોવું જોઈએ ત્યારે મને વિચાર આવ્યો કે આ મુદ્દે પણ લખી શકાય તેમ છે.પહેલી વાત તો એ કે આપણા કેટલા નેતા નથી ભણેલા? આપણા કેટલા મંત્રી ડીગ્રી વગરના છે? વિધાનસભા કે લોકસભામાં આપણા કરતાં કંઈક વધુ ભાષાનું જ્ઞાન ધરાવતા લોકોની કોઈ જ કમી નથી.બીજી વાત એ કે,આવા એક કે બે નેતા અભણ કે અંગૂઠા છાપ હોય પણ ખરા.એમાં ના નથી,પણ એને નેતા બનાવીને લોકસભા કે વિધાનસભામાં મોકલવાવાળી બુદ્ધિશાળી જનતામાં તો બધા જ ભણેલા જ હોય છે ને! વોટ આપતી વખતે આપણું આ ડહાપણ ક્યાં જાય છે? આગ લાગે ત્યારે જ કૂવો ખોદવાની આપણી આ માનસિકતા ક્યારે બદલાશે? વોટ આપતી વખતે તો આપણે કેટલું બધું રિસર્ચ કરીએ છીએ કેમ?નેતા મારી જાતિનો છે કે કેમ?મારા સમાજનો છે કે કેમ? મારા પક્ષનો છે કે કેમ? મારા વિસ્તારનો છે કે કેમ? મારા પક્ષમાં પણ મારા જૂથનો છે કે કેમ? મારા ધર્મનો છે કે કેમ?
આ રિસર્ચમાં તો ક્યાંય જ્યુકેશન,ક્રિમિનલ રેકોર્ડ,ઉંમર,કેટલી અને કોની સેવા કરી છે,કે પછી સૌથી મુખ્ય વાત સ્વભાવ કેવો છે? નેતા કેમ બને છે? સાચે જ સેવા કરવા કે પછી પોતાની સંપત્તિ,પોતાની વગ વધારવા કે પછી પોતે કરેલાં ખોટાં કામોને ઢાંકી દેવા? આવું તો કોઈ જોતું જ નથી.નેતા તો અભણ હોય છે. પણ,શું વોટ આપનારા આપણે એના કરતાં વધુ અભણ કે મૂર્ખ નથી? હવે વાત કરું ડીગ્રીની તો શું આ બધા ડીગ્રીવાળા ડોકટર્સ,એન્જીનીયર્સ,અધિકારીઓ,શિક્ષકો,ચપરાશીઓ શું ડીગ્રી લઇ લીધી એટલે દૂધે ધોવાઈ ગયા? કેટલી ડીગ્રીઓ તો રૂપિયા આપીને મળી જાય છે આ દેશમાં.હકીકતમાં આપણે બધા જ સ્વાર્થી અને ડરપોક બની ગયા છીએ.જ્યાં સુધી એક-એક માણસ પોતાની નૈતિક જવાબદારી નહીં સમજે અને પોતે જ્યાં અને જે ક્ષેત્રમાં છે ત્યાં નીતિ અને સાફ નિયતથી કામ નહિ કરે અને જ્યાં સુધી કુદરતના કાનૂનથી નહીં ડરે ત્યાં સુધી કોઈ પણ ડીગ્રી તમને બચાવી શકે નહિ.ઉપરથી મારો આજ સુધીનો અનુભવ કહે છે કે જેમ જેમ એજ્યુકેશન વધ્યું તેમ તેમ અનીતિઓ પણ વધી જ છે.એક અભણ માણસ દેશને એટલું નુકસાન નથી જ પહોંચાડી રહ્યો જેટલું એક કહેવાતો એજ્યુકેટેડ વ્યક્તિ પહોંચાડી રહ્યો છે.
સુરત- કિશોર પટેલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.