સુરત: (Surat) સુરતમાં વેક્સિનના પૂરતા જથ્થાને અભાવે વેક્સિનેશનમાં (Vaccination) ભારે ધાંધિયા ચાલી રહ્યાં છે. અત્યાર સુધી લોકો ફરિયાદો કરતાં હતાં પરંતુ હવે મનપાના કોર્પોરેટરો દ્વારા પણ બળાપો કાઢવામાં આવી રહ્યું છે. સોમવારે મેયર દ્વારા બોલાવવામાં આવેલી અઠવા ઝોનની સંકલન બેઠકમાં કોર્પોરેટરો દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. કોર્પોરેટરોએ (Corporators) કહ્યું હતું કે વેક્સિનેશન સઘન કરાવો, રજિસ્ટ્રેશન થતું નથી તેનો પણ ઉપાય કરો. તંત્ર દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવે જેથી સામાન્ય માણસને પરેશાન ન થાય. કેટલાક કોર્પોરેટરોએ તો વેક્સિનેશનમાં ગોબાાચારીની પણ વાત જણાવી હતી.
- મેયરની આગેવાનીમાં મળેલી અઠવા ઝોનની સંકલન મીટિંગમાં કોર્પોરેટરો દ્વારા બળાપો કાઢવામાં આવ્યો
- વેક્સિનેશનમાં ગોબાચારી પણ કરવામાં આવી રહી છે, રજિસ્ટ્રેશન થતું નથી, તંત્ર દ્વારા આયોજનો કરવામાં આવે
શહેરમાં કોવિડની સાથે સાથે અન્ય પ્રાથમિક સુવિધાના કામો તેમજ કોઈ પણ ફરીયાદોને લઈ પદાધિકારીઓ સાથે અધિકારીઓ તેમજ ઝોનના કોર્પોરેટરો સાથે રાખી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. મેયર હેમાલી બોઘાવાલાની અધ્યક્ષતામાં સોમવારે અઠવા ઝોનની સંકલન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અઠવા ઝોનના તમામ અધિકારીઓ, મનપા કમિશનર, પદાધિકારીઓ, કોર્પોરેટરો હાજર રહ્યા હતા. જેમાં ખાસ કરીને વેક્સિનેશનમાં થતી ગોબાચારીના બાબતે કોર્પોરેટરોએ રજુઆત કરી હતી.
અઠવા ઝોનમાં હાલમાં કોવિડનું સંક્રમણ ખુબ વધારે છે. જેથી વધુમાં વધુ લોકો ઝડપથી વેક્સિનેશન કરાવે તે અગત્યનું છે. પરંતુ વેક્સિનનો જથ્થો ઓછો હોય, વેક્સિનેશનમાં પણ ઢીલાશ આવી છે. અઠવા ઝોનની સંકલન મીટીંગમાં ઘણા કોર્પોરેટરોએ ફરીયાદ કરી હતી કે, વેક્સીનેશન ઘણુ ઓછુ થાય છે, લોકોને સમયસર વેક્સીન મળી રહી નથી. લોકોના રજીસ્ટ્રેશન થતા નથી તેવી ફરીયાદો કરી હતી. તેમજ અન્ય ગટરની, પાણી તેમજ રોડ-રસ્તાની ફરીયાદો કોર્પોરેટરોએ કરી હતી.
અન્ય ઝોનની પણ મીટિંગ શિડ્યુઅલ કરાઈ
કોરોનાની બીજી લહેરમાંથી શહેર પસાર થઈ ચુક્યું છે જેથી તંત્રએ પણ હવે રાહતનો શ્વાસ લીધો છે. જેથી હવે અન્ય કામગીરીઓ થાય તે માટે ઝોન સાથે મીટિંગનો દૌર શાસકો દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. જેની શરૂઆત અઠવા ઝોનથી કરી દેવામાં આવી છે. હવે તબક્કાવાર અન્ય ઝોનની મીટિંગ પણ કરવામાં આવશે. આવતીકાલે રાંદેર ઝોનની મીટિંગ થશે તેમ મેયરે જણાવ્યું હતું.