વ્યારા: મહારાષ્ટ્રનાં શીરપુરથી સુરત તરફ જતી શ્રી હરી ટ્રાવેલ્સની લક્ઝરી બસ નં. જી.જે. ૨૬. ટી. ૫૩૧૪ને રાત્રીનાં ૩ વાગ્યાનાં અરસામાં સોનગઢ આરટીઓ ચેક્પોસ્ટ પર પોલીસે અટકાવી તલાશી લેતા ૨૭ જેટલા પેસેન્જર મળી આવ્યા હતા. જેઓ પૈકીનાં એકેય પાસે આરટીપીસીઆર રિપોર્ટ ન હતા, મોટાભાગનાં લોકોએ માસ્ક સુધ્ધાએ પહેર્યુ ન હતું. આરટીપીસીઆર રિપોર્ટ વિના મહારાષ્ટથી ગુજરાતમાં પ્રવેશી શકાય નહી, છતાં આ ૨૭ જેટલા પેસેંજરો ભરી ગુજરાતમાં પ્રવેશી હતી. પોલીસે ગૃહ વિભાગનાં જાહેરનામાનો ભંગ બદલ ડ્રાઇવર- ક્લીનર સામે કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અન્ય એક ટ્રાવેલ્સ નં. જીજે ૧૯ યુ ૩૪૪૨માં પણ પેસેંજરો વચ્ચે સોશિયલ ડિસ્ટેન્સ નહીં જાળવી કોરોના સંક્રમણ વધુ પ્રસરે તેવું કૃત્ય આચર્યાનું જણાઇ આવ્યું હતું. આ ટ્રાવેલ્સનાં પેસેંજરો પાસે પણ આરટીપીસીઆર રિપોર્ટ ન હતા તેમજ મોટાભાગનાં મુસાફરોએ માસ્ક પણ પહેર્યુ ન હતું. છતાં આ બન્ને બસોનાં મુસાફરો વિરુધ્ધ કોઇ કાર્યવાહી કરી હોય તેવું જણાતું નથી, કે પોલીસ ફરિયાદમાં પણ તેનો કોઇ ઉલ્લેખ કર્યો નથી.
આ ડ્રાઇવર અને ક્લીનર વિરૂધ્ધ કાર્યવાહી થઇ
વ્યારા: લકઝરી બસ જી.જે. ૨૬. ટી. ૫૩૧૪માં કોવિડનાં જાહેરનામાનાં ઉલ્લંઘન બદલ ડ્રાઇવર વિરેંદ્ર કિશોરભાઇ સોનવણે (રહે. ડાભુણીગામ, તા. ચોપડા, જી. જલગાંવ (મહારાષ્ટ્ર) અને ક્લિનર કિર્તીધર સંજયભાઇ પાટીલ (રહે. નિલગીરી સર્કલ, રંગીલાનગર, સુરત) અને ટ્રાવેલ્સનો માલિક અનિલ સાહેબરાવ મહાજન (રહે. આસપાસ નગર, ઉધના લિંબાયત, સુરત) વિરૂધ્ધ તેમજ લકઝરી બસ જી.જે. ૧૯ યુ. ૩૪૪૨નાં ડ્રાઇવર અને ક્લીનર સામે ફોજદારી કાર્યવાહી થયાનું પોલીસ ચોપડે નોંધાયું છે.