Dakshin Gujarat

ભરુચ જિલ્લામાં 112 દિવસમાં ફક્ત 3.17 લાખ લોકોને જ વેક્સિન: 12.26 લાખ લોકોને ક્યારે અપાશે વેક્સિન?

ભરૂચ: (Bharuch) કોરોના મહામારી સામે હાલ કોરોના વેક્સિનેશન (Vaccination) ગોકળગતિએ ચાલી રહ્યું છે. ભરૂચમાં 7.66 લાખ લોકો 18થી 44 વર્ષની વય મર્યાદામાં આવે છે. જોકે તેમના માટે આરોગ્ય વિભાગ દ્વારા ભરૂચ, અંકલેશ્વરમાં 4-4 અને આમોદ, જંબુસરમાં 1-1 સેન્ટરો મળીને માત્ર 10 સેન્ટરો શરૂ કરાયા છે. તેની સામે અત્યાર સુધી 8 દિવસમાં માત્ર 1 % જેટલા લોકોને જ વેક્સિનેટ કરાયા છે. હાલ આ સેન્ટરોમાં (Centers) વધારો થાય તેવી શક્યતા નથી. ભરૂચ જિલ્લાના અન્ય 5 તાલુકાના યુવાનો વેક્સિન લેવા ઉત્સુક છે પરંતુ તેમને માટે કોઇ સુવિધા હાલ પુરતી નથી. જો આ જ ગતિએ વેક્સિનેશન પ્રક્રિયા ચાલશે તો 7.66 લાખ યુવા સહિત કુલ 12.26 લાખ જિલ્લાના લોકોને વેક્સિનેટ કરવા 432 દિવસ એટલે કે સવા વર્ષ જેટલો સમય લાગી શકે છે.

અત્યાર સુધીમાં 112 દિવસમાં 3,17,996 જેટલા લોકોએ વેક્સિન લીધી છે. હાલ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના 45 વર્ષથી વધુના નાગરિકોમાં વેક્સિન લેવા માટે જાગૃતતા ઓછી છે. જેના કારણે આ વયના વર્ગમાં પણ ટાર્ગેટ મુજબ વેક્સિનેશન થઇ રહ્યું નથી. ખાસ કરીને તંત્ર તરફથી વેક્સિનેસન પ્રક્રિયા પણ ઓવરઓલ ધીમી ચાલી રહી છે. ઉપરાંત બીજો ડોઝ લેનારા નાગરિકોની સંખ્યા પણ ઘણી ઓછી છે.

16 જાન્યુઆરીથી ભરૂચ જિલ્લામાં પણ પ્રારંભે 3 સેન્ટર ખાતેથી વેક્સિનેશન ડ્રાઇવ શરૂ કરાઇ હતી. પહેલા લોકો વેક્સિનને લઈ ભયભીત હતા, જોકે સેકન્ડ વેવ સાથે વેક્સિન કારગત હોવાનું ફલિત થતા રસી મુકાવવા ડોટ શરૂ થઈ ગઈ હતી. જે બાદ જિલ્લામાં 267 વેક્સિન સેન્ટરો કાર્યરત કરી દેવાયા હતા. હવે વેક્સિનનો પૂરતો જથ્થો મળી રહ્યો નહિ હોવાની સમસ્યાને લઈ સેન્ટરો બહાર કતારો તો લાગે છે પણ ડોઝ ઓછા હોવાથી તમામનું રસીકરણ રોજે રોજ થઈ શકતું નથી.

1 દિવસમાં માત્ર 1000 યુવાઓને વેક્સિનની ક્ષમતા
ભરૂચ, અંકલેશ્વર, આમોદ અને જંબુસર થઈ હાલ 18થી 44 વર્ષના નાગરિકો માટેને વેક્સિનેશન સેન્ટર્સ 10 છે તેમાં વધારો થાય તેવી શક્યતા નથી. વેક્સિનેશન માટે ઓનલાઇન કો-વિન વેબસાઇટ પર 18થી 44 વર્ષના યુવાનોએ રજિસ્ટ્રેશન કરવુ ફરજિયાત છે. જોકે આ રજિસ્ટ્રેશન માત્ર 1 દિવસ અગાઉ જ કરી શકાય છે. જેના કારણે ભરૂચના યુવાઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આરોગ્ય વિભાગ મુજબ ભરૂચમાં 18થી 44 વર્ષના માત્ર 1 હજાર યુવાનોને પ્રતિદિન વેક્સિનેટ કરી શકાય તેવી ક્ષમતા છે. જોકે આ સંખ્યામાં વધારો થાય તેવી શક્યતાઓ નહિવત છે. ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં પડતી તકલીફોની ફરિયાદ પણ લોકો કરી શકતા નથી. રજીસ્ટ્રેશનની તમામ પ્રક્રિયા ઓનલાઇન હોવાથી સ્થાનિક અધિકારીઓ તેમાં કોઇ બલદાવ કરી શકતા નથી

ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીનું વેક્સિનેશન

  • – 20854 આરોગ્યકર્મીઓને – 2 ડોઝ
  • – 54699 ફ્રન્ટલાઇનર – 2 ડોઝ
  • – 2, 28, 433 સિનિયર સિટીઝન
  • – 8336 યુવાઓ 18થી 44 વર્ષ
  • – 79514 વય 60 વર્ષથી ઉપરના
  • – 1, 13, 059 લોકો 45થી 60 વર્ષના
  • – 30, 271 લોકો 30થી 45 વય
  • – 17, 415 લોકો 18થી 30 વર્ષ ઉંમર
  • – 2, 40, 281ને પ્રથમ ડોઝ, 77, 715ને બીજો ડોઝ
  • – 1, 33, 093 પુરૂષ, 1, 07, 159 મહિલા, 29 થર્ડ જેન્ડર
  • – 19755 કોવેકશીન, 2, 78, 241 કોવિશિલ્ડ

3.17 લાખમાંથી માત્ર 70ને જ રસી બાદ પ્રતિકૂળ અસર
ભરૂચ જિલ્લામાં 122 દિવસમાં 3, 17, 996 લોકોને કોરોના વેકસીનના ડોઝ અપાયા છે. જેની સામાન્ય, મધ્યમથી વધુ પ્રતિકૂળ અસરની ટકાવારી માત્ર 0.022 % જોવા મળી છે. એટલે કે વેક્સિન લીધા બાદ 70 લોકોને જ તેની સામાન્ય, મધ્યમ કે વધુ પ્રતિકૂળ અસર થઈ છે. જ્યારે 3,17,926 લોકોને વેક્સિને મહત્તમ કવચ પ્રદાન કર્યું છે.

Most Popular

To Top