કોરોના વાઇરસ ( corona virus) ના કારણે વિટામિન સી ( vitamin c ) રાતોરાત ફેમસ થઈ ગયું. કેમિસ્ટની દુકાનની વિટામિન સીની ગોળીઓ ધરાવતી શેલ્ફ ટપોટપ ખાલી થવા માંડી. લોકોને એમ થયું કે વિટામિન સીની ગોળીઓ જાદુઈ જડીબુટ્ટી છે અને કોરોનાથી બચાવી લેશે. વળી, બાળકો ગોળીનો ટેસ્ટ ખાટોમીઠો હોવાને કારણે આખો દિવસ ચોકલેટ પિપરમિટની માફક ચગળવા માંડ્યાં. તો આવો આ અંકે જાણીએ કે વિટામિન સીની આપણા શરીરમાં કેટલી જરૂરિયાત છે અને વધુ પડતું વિટામિન સી લેવાથી શા ફાયદા / ગેરફાયદા થઈ શકે?
આપણે સૌ જાણીએ છીએ કે વિટામિન સી આપણા શરીરને રોગપ્રતિકારકશક્તિ પ્રદાન કરે છે. આ ઉપરાંત હાડકાંની શક્તિ માટે પણ વિટામિન સી જરૂરી છે .ગર્ભમાં વિકસતા બાળકના મગજના વિકાસ માટે પણ ગર્ભવતી સ્ત્રી વિટામીન સી પર્યાપ્ત માત્રામાં લે તે જરૂરી છે.
વિટામિન સી એ ‘વોટર સોલ્યુબલ ‘ વિટામિન છે અર્થાત આપણા શરીરના પ્રવાહીમાં દ્રાવ્ય છે. NIN ( ન્યૂટ્રીશન સોસાયટી ઓફ ઇન્ડિયા) મુજબ દિવસ દરમ્યાન એક પુખ્ત વ્યક્તિને ૬૦થી ૯૦ મિગ્રા વિટામિન સીની જરૂરિયાત હોય છે.
વિટામિન સી આપણા શરીરના પ્રવાહીમાં ભળે છે અને શરીરના અલગ અલગ અંગોમાં એ પ્રવાહી મારફત જ પહોંચે છે.જરૂરિયાત કરતાં વધુ વિટામિન સી પેશાબ દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે. વધારાના વિટામિન સીનો શરીરમાં સંગ્રહ થઈ શકતો નથી. જરૂરિયાત જેટલું વિટામિન સી આપણે ફળો અને શાકભાજીઓ દ્વારા મેળવી જ લેતાં હોઈએ છીએ પણ આજકાલ કોરોનાથી બચવા અને ઇમ્યુનિટી વધારવા માટે લોકો આડેધડ વિટામિન સીના સપ્લીમેન્ટ્સ નું સેવન કરતાં નજરે ચડે છે. તો આવો જાણીએ વિટામિન સીનો અતિરેક કઈ રીતે જોખમી પુરવાર થઈ શકે!
પાચનતંત્રની સિસ્ટમ ખોરવી શકે :-
દિવસ દરમ્યાન ૨૦૦૦ મિ. ગ્રા.થી વધુ વિટામિન સી લેવામાં આવે તો તે પાચનતંત્ર પર ભારણ કરી શકે છે. એસિડિટી, ઝાડા અને ઊલ્ટી થઈ શરીરમાં ડિહાઇડ્રેશનની પરિસ્થિતિ ઉદભવી શકે છે.
આયર્નનું વધુ પડતું અધિશોષણ :-
વિટામિન સીનું મુખ્ય કાર્ય શરીરમાં આયર્નનું અધિશોષણ કરવાનું છે. જો ૧૦૦ મિ.ગ્રા.થી વધુ વિટામિન સી એક સાથે લેવામાં આવે અને હિમોગ્લોબીન વધારવા માટે આયર્નની દવાઓ પણ ચાલુ હોય તો એવા સંજોગોમાં વધુ પડતાં આયર્નનું અધિશોષણ શરીરના અંગોમાં થાય છે. વધુ પડતાં આયર્નના જમા થવાને કારણે લિવર, થાઈરોઈડ ગ્રંથિ, બરોળ (સ્પ્લીન) જેવાં અંગો બરડ બને છે અને એમની કાર્યપ્રણાલી ખોરવાય છે.
કિડનીને નુકસાન કરી શકે :-
વધુ પડતાં વિટામિન સીના સપ્લિમેન્ટ્સ કિડનીમાં ‘ઓક્ઝેલેટ’ની માત્રા વધારે છે જે કિડનીમાં પથરી સ્વરૂપે જમા થાય છે.
હૃદય પર ભારણ :-
વધુ પડતાં વિટામિન સીને કારણે વધુ પડતાં આયર્નનું પ્રમાણ લોહીમાં ભળે છે. વધુ આયર્નવાળા લોહીના પરિભ્રમણ માટે હૃદયને વધુ પડતું કાર્ય કરવું પડે છે અને હૃદય પર ભારણ આવે છે.
મોટે ભાગે ખાદ્યપદાર્થોમાંથી મળતાં વિટામિન સીનો ક્યારેય ઓવર ડોઝ નથી થતો કારણ કે ખોરાક દ્વારા જરૂરિયાત પૂરતું જ વિટામિન સી મેળવી શકાય છે પરંતુ કોરોના જેવા સ્પેશ્યલ સંજોગોમાં રોગપ્રતિકારકશક્તિ વધારવા માટે સપ્લિમેન્ટ્સ સ્વરૂપે જ્યારે લેવામાં આવે છે ત્યારે તેનો અતિરેક થવાની શક્યતા વધી જાય છે.
વિટામિન સી સપ્લીમેન્ટસ વધુમાં વધુ કેટલા લઈ શકાય?
એક પુખ્ત વયનો પુરુષ દિવસ દરમ્યાન વધુમાં વધુ ૯૦ મિ. ગ્રા. અને સ્ત્રી દિવસ દરમ્યાન વધુમાં વધુ ૭૫ મિ ગ્રામ જેટલું વિટામિન સી લઈ શકે. એનાથી વધુ લેવામાં આવતું સપ્લિમેન્ટ જોખમી સાબિત થઈ શકે
નોંધ :- રાંધવાની ક્રિયા દરમ્યાન ખોરાકનું વિટામિન સી ઘટવાની સંભાવના રહેલી છે. બને ત્યાં સુધી દિવસના બે વાર વિટામિન સી ધરાવતાં ફળોનું સેવન કરવું.