SURAT

સ્પાઇસ જેટ બાદ હવે ઈન્ડીગોની ફ્લાઈટમાં ઘટાડો, હવે આ દિવસોમાં જ ઉડાન ભરશે

સુરત: (Surat) સુરત સહિત દેશભરમાં કેટલાક શહેરોમાં કોરોના વકરતા એરલાઇન્સ કંપનીઓ દ્વારા ફ્લાઇટ (Flight) બંધ કરવામાં આવી રહી છે. સ્પાઈસ જેટ બાદ સુરત એરપોર્ટ (Surat Airport) પર ઈન્ડીગોએ (Indigo) ઓપરેશન્સમાં ઘટાડો કર્યો છે. દેશના અનેક રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિ પ્રવર્તી રહી હોય મુસાફરીમાં ઘટાડો નોંધાયો છે, જેના પગલે વિવિધ એરલાઈન્સ દ્વારા ફ્લાઈટ્સમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે.

  • ઈન્ડીગોએ બેંગ્લોર-સુરતની ફ્લાઈટ અઠવાડિયાના ત્રણ દિવસ પુરતી સીમિત કરી
  • હવે આ ફ્લાઈટ રવિ, સોમ અને ગુરુવારે જ ઉડાન ભરશે
  • શહેરમાં કોરોના વકરતાં સ્પાઇસ જેટ બાદ હવે ઈન્ડીગોની ફ્લાઈટમાં ઘટાડો

વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપના સંજય જૈને જણાવ્યું હતું કે, ઈન્ડીગોએ બેંગ્લોર-સુરતની ફ્લાઈટ અઠવાડિયાના ત્રણ દિવસ પુરતી સીમિત કરી છે. હવે આ ફ્લાઈટ રવિ, સોમ અને ગુરુવારે જ ઉડાન ભરશે. દિલ્હી-સુરતની ડેઈલી મોર્નિંગ ફ્લાઈટ હવે મંગળ, ગુરુ અને શનિવારે, જ્યારે દિલ્હી-સુરતની સાંજની ડેઈલી ફ્લાઈટ રવિ, સોમ, બુધ તથા શુક્રવારે ચાલશે. આ સિવાયની તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. આ નવું શિડ્યૂલ 10મેથી 31મી મે સુધી અમલમાં રહેશે. ઉલ્લેખનીય છે કે સુરતમાં કાપડ ઉદ્યોગ સહિત અન્ય કેટલાક ઉદ્યોગો બંધ હોવાથી વેપારી પ્રવૃતિઓમાં ઘટાડો થતા વેપારીઓની અવરજવરમાં ઘટાડો થયો છે.

એલએન્ડટી 22 યુનિટ ઓક્સિજન જનરેટર્સ દેશભરમાં વિવિધ હોસ્પિટલને દાન કરશે

સુરત: ભારતમાં કોવિડ 19ની બીજી લહેર ચાલી રહી છે અને હાલના તબક્કે દેશભરમાં ઓક્સિજનની ખેંચ વર્તાઇ રહી છે, ત્યારે એલએન્ડટીએ દેશમાં મેડિકલ-ગ્રેડના ઓક્સિજનની માગ પૂર્ણ કરવા માટે લાંબા ગાળાના સોલ્યુશન માટે કામગીરી શરૂ કરી છે. એલએન્ડટી ટૂંક સમયમાં ભારતમાં વિવિધ હોસ્પિટલોમાં જ્યાં ઓક્સિજનની ખેંચ સૌથી વધુ છે 22 ઓક્સિજન જનરેટર્સ પ્રદાન કરવાનું શરૂ કરશે. આ એકમો વાતાવરણમાંથી ઓક્સિજનને ખેંચીને પછી એને મેડિકલ-ગ્રેડના ઓક્સિજનમાં પરિવર્તિત કરશે અને હોસ્પિટલમાં અગાઉથી ઉપસ્થિત પાઇપમાં પમ્પ કરશે. નવ ઉપકરણના પહેલા જથ્થાના પાર્ટ્સ 9 મેના રોજ ભારત પહોંચશે. ત્યારબાદ એને 15 મે સુધી હોસ્પિટલોને પ્રદાન કરવામાં આવશે, જેને સૌથી વધુ જરૂર છે અને બલ્ક ઓક્સિજનનો પુરવઠો મેળવવા જરૂરી માળખું નથી. એલએન્ડટીના સીઇઓ અને એમડીએસ એન સુબ્રમન્યને કહ્યું હતું કે, આ અભૂતપૂર્વ સ્થિતિ છે અને અમને ઓક્સિજનની અતિ જરૂરિયાત ઊભી થવાનું બહુ દુઃખ છે. માનવીય જીવન સૌથી વધુ મહત્વપૂર્ણ છે અને એલએન્ડટી દેશની સેવા કરવા કટિબદ્ધ છે. ભારત અને વિદેશમાં અમારી ટીમો છેલ્લાં થોડા દિવસથી ઓક્સિજન જનરટેર્સ અને પીએસએ યુનિટનું એસેમ્બલ કરવા અન્ય ઘટકો ખરીદવા સતત કાર્યરત છે. સંયુક્તપણે આપણે કોવિડ-19ની સમસ્યામાંથી બહાર આવીશું.

Most Popular

To Top