SURAT

વેક્સિનેશન : રજીસ્ટ્રેશનમાં ધાંધીયા, લાંબી લાઈનો પણ વેક્સિન નથી

surat : સુરતમાં કોરોના ( corona) નો હાહાકાર ચરમસીમાએ છે. અત્યાર સુધીમાં 97 હજારથી વધુ લોકો કોરોનાની ચપેટમાં આવી ચૂકયા છે. જયારે 1470 લોકો કોરોનાના ખપ્પરમાં હોમાઇ ગયા છે. અનેક પરિવારનો માળો કોરોનાએ વીંખી નાંખ્યો છે. ત્યારે હવે કોરોના સામે લડવા માટે વેક્સિન ( vaccine) એકમાત્ર હથિયાર છે. લોકો હવે વેક્સિન મુકાવવા જાગૃત થયા છે એજ સમયે વેક્સિનનો પુરવઠો આપવામાં સરકાર નિષ્ફળ રહેવાને કારણે અંધાધુંધી જેવો માહોલ છે.

શહેરમાં કામધંધા ચાલુ રાખવા માંગતા લોકો માટે વેક્સિન મુકાવ્યાનું સર્ટી ફરજીયાત બનાવાયું છે. પરંતુ હાલમાં વેક્સિનની અછત સર્જાતા રોજના માત્ર સાત આઠ હજાર લોકોને જ વેક્સિન મુકવામાં આવી રહી છે. તેથી લોકોમાં ભારે રોષની લાગણી છે. સૌથી ખરાબ વાત તો એ છે કે એક બાજુ સરકાર કોરોના સામે લડવા માટે લોકોને વહેલી તકે વેક્સિન મુકાવી લેવા અપીલ કરી રહી છે. તો બીજી બાજુ વેક્સિનેશ માટે રજીસ્ટ્રેશન જ કરવું દોહ્યલું થઇ પડ્યું છે. ખાસ કરીને 18 વર્ષથી 44 વર્ષના લોકોને વેક્સિન મુકવા માટે સરકારી પોર્ટલ ( goverment portel) પર ઓનલાઇન ( online) રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત હોય, બે-બે દિવસ સુધી પ્રયત્ન કરવા છતાં રજિસ્ટ્રેશન થઇ શકતું નથી. વેક્સિન લેવા માંગતા લોકો વેક્સિન મુકાવી શકતા નથી. તેથી સરકારની વેક્સિનેશન ( vaccination) માટેની અપીલ વાંઝણી સાબિત થઇ રહી છે.

કોરોનાની બે લહેર આવી ગઈ છે અને આગામી દિવસોમાં ત્રીજી લહેર આવે તેવી આગાહ ખુદ સરકાર દ્વારા કરવામાં આવી છે. ત્યારે તંત્ર પાસે કોરોનાની વેક્સિનનો જથ્થો જ ઘટી રહ્યો છે. સુરતમાં બે દિવસ સુધી વેક્સિનેશનની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. જો આ રીતે જ વેક્સિનેશનના મામલે ધાંધીયા ચાલતાં રહ્યાં તો કોરોનાની ત્રીજી અને ચોથી લહેર પણ આવી જશે અને વેક્સિનેશનની કામગીરી પુરી નહીં થાય. સરવાળે લોકો કોરોનાનો ભોગ બનતાં જ રહેશે. સુરતમાં એવી હાલત છે કે 45 વર્ષથી વધુની વયના લોકો માટે કેન્દ્ર સરકાર વેક્સિનનો જથ્થો પુરો પાડે છે. જ્યારે 18 વર્ષથી વધુ વયના લોકો માટે રાજ્ય સરકાર વેક્સિન આપી રહી છે. પરંતુ વેક્સિનનો જથ્થો પણ પુરતો નહીં હોવાથી તેમને વેક્સિનેશનની કામગીરી પણ અટકી અટકીને ચાલી રહી છે.



સાડા ત્રણ માસ થઈ જવાં છતાં સુરતમાં માત્ર 15 ટકાને જ વેક્સિન આપી શકાઈ

શહેરમાં મનપા દ્વારા વેક્સિનેશનો પ્રારંભ થયો ત્યારે મોટા પાયે તૈયારીઓ કરાઇ હતી, એક જ દિવસમાં 50 હજારથી વધુ લોકોને વેક્સિન આપવા સુધીનું માળખું મનપાએ તૈયાર કરી દીધું હતું તેથી શહેરમાં જો સતત વેક્સિનેશન ચાલુ રહે તો એક માસમાં જ બધાને વેક્સિન મુકાઇ જાય તેવી સ્થિતિ હતી પરંતુ 16મી જાન્યુઆરીના રોજ વેક્સિન મુકાવાનું શરૂ થયું ત્યારે પહેલા તો લોકો વેક્સિન મુકતા અચકાતા હતા, બાદમાં ધીમે ધીમે વેક્સિનેશનમાં વેગ આવતા રોજના 20થી 25 હજાર લોકોને વેક્સિન મુકાતી હતી, વચ્ચે તો બે દિવસ સતત 50 હજારથી વધુ લોકોને વેક્સિન મુકાઇ પરંતુ બાદમાં વેક્સિનની અછત સર્જાઇ અને વેક્સિનેશનની ગતિ ધીમી પડી જતા હવે રોજના 10થી 12 હજાર લોકોને વેક્સિન મુકાઇ રહી છે. સાડા ત્રણ માસ બાદ પણ હજુ શહેરની અંદાજીત 60 લાખની વસતી પૈકી માત્ર 15 ટકા લોકોને જ વેક્સિન મુકી શકાઈ છે.



રોજના માત્ર પાંચ હજાર રજિસ્ટ્રેશન માટે જ સરકારી સાઇટ ખુલે છે

સુરત મનપાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. પ્રદિપ ઉમરીગરે જણાવ્યું હતું કે, રાજયના 10 શહેરોમાં 18 વર્ષથી ઉપરના લોકો માટે જે વેક્સિનેશન શરૂ થયું છે તેનો પુરવઠો રાજય સરકાર આપે છે. તેમજ રોજ 5000 લોકોના જ રજીસ્ટ્રેશન થઇ શકે તેવી વ્યવસ્થા છે. તેથી એવું બની શકે કે જે લોકોનુ રજિસ્ટ્રેશન નથી થઇ શકતું તે આ પાંચ હજાર રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ ટ્રાય કરતા હોવા જોઇએ.


હાલમાં 30 હજાર વેક્સિનના ડોઝ મળી જતાં બે-ચાર દિવસ વેક્સિનેશન ચાલશે પછી ફરી સમસ્યા

કોવિશિલ્ડ વેક્સિનની અછતના પગલે છેલ્લા બે દિવસથી ફ્રન્ટલાઇન વર્કર અને હેલ્થવર્કર તેમજ 45 વર્ષથી ઉપરના લોકોને અપાઇ રહેલી વેક્સિન બંધ કરવામાં આવી હતી પરંતુ હવે મનપાને 30 હજાર વેક્સિનનો જથ્થો મળી જતા ગૂરૂવારથી આ વેક્સિનેશન પુર્વવત ચાલુ થઇ જશે. મનપા દ્વારા વેક્સિનેશન માટેના સેન્ટરો પણ વધારવામાં આવ્યાં છે. પરંતુ 30 હજાર વેક્સિનથી વેક્સિનેશનની કામગીરી માત્ર ત્રણેક દિવસ જ ચાલશે.

Most Popular

To Top