સુરત: (Surat) કોરોનાને જો કાબુમાં લેવો હોય તો તેના માટે મોટાપાયે વેક્સિનેશન (Vaccination) કરવું જરૂરી છે, પરંતુ સુરતમાં વેક્સિનેશનના મામલે મોટા ધાંધીયા ચાલી રહ્યાં છે. સુરત મનપા દ્વારા એક જ દિવસમાં 50 હજારથી વધુને વેક્સિન આપી શકાય તેવા આયોજનો કરવામાં આવ્યાં પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી વેક્સિનનો પૂરતો જથ્થો જ આપવામાં આવતો નહી હોવાને કારણે સુરતમાં તમામ કેટેગરીમાં વેક્સિનેશન મળીને માત્ર 10 હજારની આસપાસ જ વેક્સિને આપી શકાય છે. વેક્સિનના આવા ધાંધીયાને કારણે સુરતમાં આગામી બે દિવસ, મંગળ અને બુધ, 45 વર્ષથી વધુ વયના લોકો માટે વેક્સિનેશનની કામગીરી બંધ રાખવાની જાહેરાત કરવી પડી છે, તો બીજી તરફ 18 વર્ષથી વધુની વયના માટે વેબસાઈટ પર રજિસ્ટ્રેશન (Registration) જ થઈ શકતું નથી. બે દિવસ માટે સુરતના તમામ સેન્ટરો પર એપોઈન્ટમેન્ટ ફુલ બતાવવામાં આવી રહી છે. સેન્ટર અને સ્ટાફની તૈયારી હોવા છતાં પણ વેક્સિન નહીં હોવાથી 18 વર્ષથી મોટી વયના માટે મોટાપાયે વેક્સિનેશન કરી જ શકાતું નથી.
સુરતમાં એવી હાલત છે કે 45 વર્ષથી વધુની વયના લોકો માટે કેન્દ્ર સરકાર વેક્સિનનો જથ્થો પુરો પાડે છે. જ્યારે 18 વર્ષથી વધુ વયના લોકો માટે રાજ્ય સરકાર વેક્સિન આપી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ફ્રન્ટલાઇન વર્કર, હેલ્થ વર્કર અને 45 વર્ષથી વધુ વયના લોકો માટે અપાતો વેક્સિનનો જથ્થો પુરતો આવતો નહીં હોવાને કારણે મંગળ અને બુધવારે આ ત્રણેય કેટેગરી માટે વેક્સિનેશન બંધ રાખવાની ફરજ પડી રહી છે. બીજી તરફ 18 વર્ષથી 44 વર્ષની વય જુથ માટે જે વેક્સિનેશન ચાલે છે તેનો રાજ્ય સરકારે પુરતો જથ્થો આપ્યો હોવાથી આ બંને દિવસ આ કેટેગરીના લોકો માટે વેક્સિનેશન યથાવત રહેશે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 7,69,035 લોકોને વેક્સિનનો પહેલો ડોઝ મુકાઇ ગયો છે. જયારે 1,67,887 લોકો એવા છે કે જે બંને વેક્સિનના બંને ડોઝ લઈ ચૂક્યા છે. કુલ 9,63,922 લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે.
સુરતમાં 45 વર્ષથી ઉપરના લોકોને વેક્સિનના બીજા ડોઝ માટે ઘરે બેઠા મેસેજથી જાણ કરો : મેયર
શહેરમાં વેક્સિનેશનના રજીસ્ટ્રેશન તેમજ ફર્સ્ટ ડોઝ અને સેકન્ટ ડોઝ વગેરેના અલગ અલગ સેન્ટરો વગેરેને કારણે લોકો અટવાઇ રહ્યાં છે. તેથી શાસકો અને કમિશનર વચ્ચે થયેલી મીટિંગ દરમિયાન મેયર હેમાલી બોઘાવાલાએ એવી સૂચના આપી છે કે જેમ મનપા દ્વારા બાળકોને રસીકરણ માટે તેના વાલીઓને મોબાઇલ પર મેસેજ મોકલવામાં આવે છે. તેમ 45 વર્ષથી વધુના લોકો તેમજ ફ્રન્ટલાઇન અને હેલ્થવર્કરો કે જેને બીજો ડોઝ આપવાનો હોય તેનો ડેટા હવે મનપા પાસે ઉપલબ્ધ હોવાથી તેને પણ મેસેજથી જાણ થાય તેવી વ્યવસ્થા ઉભી કરો, મેસેજમાં બીજા ડોઝ માટેનું શિડ્યુઅલ તેમજ સ્થાન જાણ કરો કે જેથી લાઈનો લાગે નહીં અને લોકોએ પણ એકથી બીજા સ્થળે દોડવું નહીં પડે.
રજિસ્ટ્રેશન થયા બાદ પણ વેક્સિન નહીં મળતી હોવાની બૂમો ઉઠી
શહેરમાં વેક્સિનની અછત વચ્ચે વેક્સિન લેવા માટે ઉત્સુક લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેમ કે એવી પણ બુમ ઉઠી છે કે વેક્સિનેશન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન થયા બાદ પણ મેસેજ આવતા નથી. જેને કારણે જે તે સેન્ટર પર ગયા બાદ પણ ત્યાં તેની એન્ટ્રી થઈ શકતી નથી. વારંવાર સાઇટ બંધ થઇ જાય છે તેથી રજિસ્ટ્રેશન કરવામાં પણ મુશ્કેલી થઇ રહી છે. યોગ્ય પ્રચારના અભાવે પ્રથમ અને બીજો ડોઝ લેનારા લોકો એક જ જગ્યાએ ભેગા થઇ જાય છે તેથી ભીડ થાય છે અને ઘણા લોકોને ધરમનો ધક્કો પણ થાય છે.