વ્યારા: (Vyara) કોરોના સંક્રમિત દર્દીઓનાં ફાટી નિકળેલ રાફડા વચ્ચે આજે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા તાપી જિલ્લામાં વરસાદની (Rain) આગાહી કરી હતી. આ આગાહી વચ્ચે સવારથી જ સોનગઢ, ઉકાઇ અને ડોલવણના ગ્રામ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ટ્રાટક્યો હતો. જેમાં ડોલવણનાં પાઠકવાડીમાં એક કાચુ ઝોંપડુ તુટી પડ્યુ હતુ. જો કે કોઇ નુકશાની નોંધાઇ નથી. દક્ષિણ સોનગઢમાં સરહદે આવેલા ઓટા, મલંગદેવ, ચિમેર, કાંટી, ધનમોલી જેવા તમામ ગામોમાં રાતે વધુ વાવાઝોડા સાથે ગાજવીજ થઇ હતી. સવારે ગાજવીજ સાથે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ પડ્યો હતો. જ્યારે ઉકાઇ વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો હતો. જેને લઇ ખેડુતોનાં ઉભા પાક અને કેરીને નુકશાન થયુ હતું. વધુ નુકશાનીને લઈ ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. વધુ વાવાઝોડું આવતા કેરી વધુ પ્રમાણમાં નીચે પડી જતા ખેડૂતોને આર્થિક ભારે ફટકો પડ્યો છે. સાથે સાથે મોટાભાગના લોકો પશુપાલન સાથે સંકળાયેલા હોવાથી સૂકો ઘાસચારો ભીનો થઇ જવાની બીકે ઘાસચારો સંતાડવા રાત્રી ઉજાગરા સાથે દોડધામ કરતા જોવા મળ્યા હતા.
ડીઝાસ્ટર મેનેજમેંટની બેદરકારી, તમામ ફોનોની ઘંટડીઓ રણકતી રહી
વ્યારા: હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે તેમજ હવામાન ખાતાએ પણ રવિવારે તાપી જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી ત્યારે લોકોને આવશ્યક સેવા ત્વરીત ઉપલબ્ધ કરી શકાય માટે તાલુકા કક્ષાની મામલતદાર કચેરીએ તમામ ડીઝસ્ટર વિભાગનાં ફોન ચાલુ રાખવાની જરુર હતી. પરંતુ જિલ્લા ડિઝાસ્ટર વિભાગ સિવાય એકેયએ ફોન રીસિવ કરવાની તસદ્દી લીધી ન હતી. જ્યારે વ્યારા મામલતદાર કચેરીનો ડીઝાસ્ટર મેનેજમેન્ટ કચેરીનો નમ્બર કર્મચારીએ ઉંચક્યો તો ખરા પણ વરસાદની માહિતી માટેનો આ નમ્બર નથી, ઓક્સિજન માટેનો કંટ્રોલ નમ્બર હોવાનું જણાવ્યુ. હાલ કોવિડ ૧૯ની મહામારી સમય જિલ્લામાં ઓક્સિજન માટેનો કંટ્રોલ નમ્બર પણ કાર્યરત છે પણ તેની માહિતી સુધ્ધા લોકોને નથી, જો લોકોને તેનો લાભ જ મળતો ન હોય તો શરુ કરવા પાછળનો તાત્પર્ય શું ?
કચ્છના ભુજ, ભચાઉ અને રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકી પડતા માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. ભુજ તાલુકાના ઢોરી, સુમરાસર, ડગાળા,અને કુનારીયા ગામમાં ભારે પવન સાથે અડધા ઇંચ જેટલો વરસાદ પડી જવા પામ્યો હતો.ભચાઉ તાલુકાના ચોબારી, મનફરા, અને કણખોઈ ગામે પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. હવામાનની આગાહી મુજબ કચ્છમાં સતત છઠ્ઠા દિવસે વરસાદી ઝાપટા પડતા માર્ગો પર પાણી ફરી વળ્યાંના દ્રષ્યો સામે આવ્યા હતા.