National

ઇન્ડિગો એરલાઇન્સના સ્ટાફની નફ્ફટાઇથી 350 દર્દીના જીવ જોખમમાં મુકાયા, ડોક્ટરને બોર્ડિંગ ઇશ્યુ નહીં કરતા આ રીતે સુરત પહોંચ્યા

સુરત: (Surat) ઇન્ડિગો એરલાઇન્સના (Indigo Airlines) સ્ટાફની નફ્ફટાઇથી 350 દર્દીના જીવ જોખમમાં મુકાયા હતા. ફ્લાઇટ ઉપડવા માટે હજી 40 મીનિટનો સમય હોવા છતાં ઈન્ડિગોના સ્ટાફે સુરતના તબીબને બોર્ડિંગના નિયમો બતાવી ફ્લાઇટમાં (Flight) બેસવા દીધા નહીં. જેના પગલે સુરતની રાધા, આઈડીબીસી હોસ્પિટલ તથા વરાછાના આઈસોલેસન સેન્ટરમાં સેવા આપતા ડો. ઢાકેચાની નિગરાની હેઠળ સારવાર લેતા 350 દર્દીઓના (Patient) જીવ મુશ્કેલીમાં મુકાયા હતા.

  • સુરતના ડો.પૂર્વેશ ઢાકેચા 40 મિનીટ પહેલાં એરપોર્ટ પહોંચી ગયા હોવા છતાં નિયમ બતાવી બોર્ડિગ ઇશ્યુ કર્યું નહીં, ફ્લાઇટ ચૂકી જતાં દિલ્હીથી અમદાવાદની ફ્લાઇટ પકડી બાય રોડ સુરત આવ્યા
  • સુરતના ઉદ્યોગકારની પત્નીની સારવાર માટે હરિદ્વારથી 40 કિ.મી. દૂર બહાદરાબાદ પહોંચેલા

શહેરના જાણીતા ફિઝિશિયન ડો.પૂર્વેશ ઢાકેચા શુક્રવારે હરિદ્વારથી 40 કિ.મી. દૂર બહાદરાબાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતાં સુરતના ઉદ્યોગકાર બાલુ ગોધાણીનાં પત્ની કોકિલાબેનની સારવાર માટે ગયાં હતાં. તેઓ શનિવારે સાંજે દહેરાદૂનથી દિલ્હી અને દિલ્હીથી સુરતની ખાનગી એરલાઈન્સ ઈન્ડિગોની કનેક્ટિંગ ફ્લાઈટમાં પરત ફરી રહ્યા હતા. પરંતુ બપોરે 3.50 વાગ્યે દહેરાદૂનથી ઉપડતી ફ્લાઈટ 30 મિનીટ મોડી 4 વાગ્યે ઉપડી હતી, જે 5.30 કલાકે દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી. અહીં દિલ્હી એરપોર્ટ ખાતેથી 6.10ની સુરતની ફ્લાઈટ હતી, જે રન-વે પર ઊભી હતી. ફ્લાઇટ ઉપડવા માટે હજી 40 મીનિટનો સમય હોવા છતાં ઈન્ડિગોના સ્ટાફે સુરતના તબીબને બોર્ડિંગના નિયમો બતાવી ફ્લાઇટમાં બેસવા દીધા નહીં.

જેના પગલે સુરતની રાધા, આઈડીબીસી હોસ્પિટલ તથા વરાછાના આઈસોલેસન સેન્ટરમાં સેવા આપતા ડો. ઢાકેચાની નિગરાની હેઠળ સારવાર લેતા 350 દર્દીઓના જીવ મુશ્કેલીમાં મુકાયા હતા. ડો.પૂર્વેશ ઢાકેચાએ પત્રકારોને જણાવ્યું હતું કે, ઈન્ડિગોના સ્ટાફને ડોક્ટર તરીકેનું ઓળખપત્ર બતાવ્યું હતું. સુરતમાં દયાબેન નામના દર્દી બાયપેપ પર હોય તેઓને તાત્કાલિક સારવારની આવશ્યકતા હોવાની કેફિયત જણાવી છતાં સ્ટાફ પોતાના નિયમોને જડતાપૂર્વક વળગી રહ્યો હતો. નજર સામે ફ્લાઈટ ઊડી ગઈ અને હું કશું કરી શક્યો નહીં. મારે નાછૂટકે દિલ્હી-અમદાવાદની ફ્લાઈટની ટિકિટ મેળવી અમદાવાદ ઊતરી બાયરોડ સુરત આવવું પડ્યું હતું. જેમાં 12 કલાકનો સમય વેડફાયો હતો.

Most Popular

To Top