surat : હાઈકોર્ટના જસ્ટીસના નામે બોગસ સહી અને રાઉન્ટ સીલ મારી પારસી પંચાયત ( parsi panchayat) ની ઓફિસમાં ટપાલ મોકલી હતી. આ અંગે પારસી પંચાયત દ્વારા અજાણ્યા સામે સાયબર ક્રાઈમ ( cyber crime) માં ફરિયાદ દાખલ કરતા પોલીસે પિતાની અંતિમવિધિ પારસીરિવાજ મુજબ ન થતા આ કારસ્તાન કરનાર એલોપેથી ડોકટરની ધરપકડ કરી હતી.
સાયબર ક્રાઈમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ગત 21 એપ્રિલ થી 24 એપ્રિલ દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિએ સુરત પારસી પંચાયતને બદનામ કરવા પારસી કોમની ધાર્મિક લાગણી ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. હાઇકોર્ટના નામનો બોગસ લેટર ( bogus letter) બનાવી જસ્ટીસ એ.જે.દેસાઈની બનાવટી સહી તથા હાઈકોર્ટના બનાવટી રાઉન્ડ સીલ માર્યા હતા. લેટરમાં કોઈ પણ આધાર કે પ્રમાણિત પુરાવા વગર કોરોના મહામારી આફતના સમયમાં લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો હતો. અતિશયોક્તિ ભર્યો ઓર્ડર સુરત પારસી પંચાયત ઓફિસમાં આ વ્યક્તિએ મોકલ્યો હતો. આ લેટર વોટ્સએપના ( whatsapp) અલગ અલગ ગ્રુપમાં પણ વાયરલ કર્યો હતો.
આ અંગે સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાયો હતો. પોલીસની ટીમએ તપાસ કરતા સીસીટીવી ( cctv) ફુટેજ ચેક કરતા લેટર પોસ્ટ કરવા મહિધરપુરા પોસ્ટ ઓફિસમાં જનારા માણસની મોટર સાયકલનો નંબર આઈડેન્ટિફાય કરાયો હતો. ઈ-ગુજકોપ ઉપર તે વાહનની ડિટેલ સર્ચ કરવામાં આવી હતી. તેના આધારે તથા ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી હતી. નાનપુરા ટીમલીયાવાડ ખાતે આવેલા નિકુંજ સોસાયટીમાં રહેતા માહિયાર રતનશા પટેલ (ઉ.વ.38) ને ઝડપી પાડ્યો હતો. આરોપી પોતે એલોપેથી ડોક્ટર હોવાનું જાણવા મળ્યું છે.
મારા પિતાની અંતિમવિધી પારસી રિવાજ પ્રમાણે નહીં થતાં મેં બોગસ ઓર્ડર બનાવ્યો હતો: ડો. માહિયાર
પોલીસે ડો.માહિયારને આ પ્રકારનું કારસ્તાન કરવા અંગે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, માહિયારના પિતાનું ગત 17 તારીખે કોરોનાથી મોત થયું હતું. પરંતુ મહામારીમાં પારસી સમાજની પરંપરા મુજબ અંતિવિધિ બંધ કરવામાં આવી હોવાથી અંતિમસંસ્કાર કરાયા હતા. વાતને લઈને લાગી આવતા આ પ્રકારનું કારસ્તાન કર્યું હતું.