National

સરકાર ધ્યાન રાખે, ચીને કોરોનાની સ્થિતિનો લાભ ઉઠાવીને સરહદે સૈનિક વધાર્યા

એક તરફ આખું વિશ્વ કોરોના ( corona) ની મહામારી સામે લડી રહ્યું છે, ભારતમાં પણ રોજના કોરોનાના કેસનો આંક 4 લાખથી પણ વધારે થઈ ગયો છે ત્યારે કોરોનામાં ભારતની સહાય કરવાને બદલે ચીને ( china) ફરી પોતાનું પોત પ્રકાશવાનું શરૂ કરી દીધું છે. ભારત કોરોનાનો જંગ લડી રહ્યું છે ત્યારે જ ચીને સરહદ ( border) પર સૈનિકો વધારવાની શરૂઆત કરી દીધી છે. હજુ થોડા સમય પહેલા જ ચીને અવળચંડાઈ કરીને પોતાના સૈનિકો સરહદ પર ગોઠવી દીધા હતા અને તેને કારણે બંને દેશના સૈનિકો વચ્ચે જંગ પણ થયો હતો. લદ્દાખના પેંગોંગ લેક વિસ્તારમાં થયેલી આ માથાકૂટમાં સેના પાછી હટાવવા માટે બંને દેશ દ્વારા બાદમાં સંમતિ પણ આપવામાં આવી હતી પરંતુ જેમ ‘કૂતરાની પુછડી વાંકી’ તેમ ચીન પણ સુધરવા માટે તૈયાર નથી.. ચીને સંમતિ સધાઈ હોવા છતાં પેંગોંગ લેક ( pengong lack) સિવાયના જે સ્થળોએ પોતાના સૈનિકો ખડકી દીધા છે તેને હટાવવા માટે તૈયાર નથી અને હવે ફરી ભારતને ભીંસમાં લેવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ચીન એવો દેશ છે કે જેની મહેચ્છાઓ ક્યારેય પુરી થતી નથી. વિસ્તારવાદી સ્વભાવ ધરાવતાં ચીને વિશ્વના અનેક દેશો પર પોતાના શાસનો સ્થાપી દીધા છે. ચીને પોતાના દેશમાં વેપાર વધારી અન્ય દેશને લોન આપવાના નામે નાણાં ધીરી બાદમાં તે દેશને પોતાના તાબામાં લઈ લીધા છે. નાના દેશ પર વર્ચસ્વ જમાવનાર ચીન મોટા દેશનો વિસ્તાર પચાવી પાડવા માટેના સતત પ્રયત્નોમાં રહે છે. ભારતના લદ્દાખ અને અરૂણાચલ પ્રદેશ જેવા વિસ્તારો પર ચીનની નજર છે. ભૂતકાળમાં પણ ચીને અવારનવાર અરૂણાચલ પ્રદેશ પોતાનો હોવાનો દાવો કર્યો છે. અરૂણાચલ પ્રદેશમાં ભારતની ગતિવિધીનો પણ ચીન દ્વારા સતત વિરોધ કરાયો છે. ચીન પોતાના વેપારનો વિસ્તાર કરવા માંગે છે. આ કારણે તેને ભારતની જમીનની જરૂરીયાત રહે છે. અગાઉ પણ ડોકલામને કબ્જે કરવા માટે ચીન ધમપછાડા કરી ચૂક્યું છે. હવે ચીને ફરી પોતાની મેલી મુરાદ છતી કરી છે.

હાલમાં કોરોનાના સમયમાં જ્યાં ભારત રોજના લાખો દર્દીઓને સાજા કરવા માટે દોડી રહ્યું છે ત્યારે જ ચીને આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવીને સરહદ પર સૈન્ય હિલચાલ વધારી દીધી છે. આ પરિસ્થિતિમાં વિશ્વના અનેક દેશ ભારતને મદદ કરવા માટે મથી રહ્યાં છે ત્યારે ચીને લદ્દાખની સરહદે પોતાના સૈનિકો વધારવા માંડ્યા છે. અગાઉ પણ લદ્દાખમાં ચીને અનેક બાંધકામો કર્યાં હતાં. હવે ફરી ચીન આ પ્રદેશમાં પોતાનો સિક્કો જમાવવા માટે દાવપેચ કરી રહ્યું છે. હજુ થોડા સમય પહેલા જાન્યુઆરી માસમાં ચીનના એક સૈનિકે ભારતની હદમાં ઘુસણખોરી પણ કરી દીધી હતી. ભારતે કોરોનાની સાથે સાથે હવે ચીનની ગતિવિધિ પર પણ મોટી નજર રાખવી પડશે. કોરોનાની સ્થિતિનો ગેરલાભ લઈને ચીન કંઈપણ કરી શકે છે. ચીનના ક્યારેય ભરોસો થઈ શકે તેમ નથી. ભૂતકાળમાં પણ બોલીને ચીન ફરી ગયાના અનેક દાખલાઓ છે.

કોરોના વાયરસના ( corona virus) જનક મનાતું ચીન કોરોનાની સમસ્યામાંથી બહાર આવી ગયું છે. આખા વિશ્વમાં કોરોના વાયરસ ફેલાવીને ચીને પોતાના વેપાર અને સ્થિતિને મજબુત કરી છે. આ સ્થિતિનો હવે ચીન લાભ લઈ રહ્યું છે. ભારતની સાથે આગામી દિવસોમાં ચીન દ્વારા અન્ય દેશો સાથે પણ સંઘર્ષ કરવામાં આવે તેવી સંભાવના રહેલી છે. એક સમય હતો કે જ્યારે વિશ્વમાં અમેરિકા અને રશિયા, એમ બે મહાસત્તા હતી. બાદમાં રશિયાનું વિઘટન થઈ જતાં એકમાત્ર અમેરિકા મહાસત્તા બનીને રહ્યું હતું પરંતુ હવે રશિયા પણ ધીરેધીરે પોતાનું જૂનું સ્થાન મેળવવા માટે દોડી રહ્યું છે. સાથે સાથે મહાસત્તા બનવા માટે ચીને પણ દોડ લગાડી છે. આ સંજોગોમાં આગામી દિવસોમાં ચીન દ્વારા વધુ આક્રમક પગલાઓ લેવામાં આવે અને તેમાં ભારતને નુકસાન નહીં થાય તે માટે કેન્દ્ર સરકારે તૈયાર રહેવું પડશે તે નક્કી છે

Most Popular

To Top