ભરૂચની વેલફેર હોસ્પિટલના ન્યૂ કોવિડ સેન્ટરમાં લાગેલી આગે સમગ્ર રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે અરેરાટી ફેલાવી દીધી છે. 16 દર્દીઓ અને 2 નર્સિંગ સ્ટુડન્ટ આગમાં ભૂંજાઇ ગઈ છે. જિલ્લાની આરોગ્ય ક્ષેત્રે મોટી હોનારતમાં અન્ય દર્દીઓને બચાવવા 2 કલાકમાં જ 22 KM દૂર બસોથી વધુ યુવાનોએ 100 બેડ ઓક્સિજન સાથે કાર્યરત કરી દઇ અન્ય દર્દીઓના જીવ બચાવી લેવામાં અહમ ભૂમિકા ભજવી હતી.
- રાઉન્ડ ધ ક્લોક એમ્બ્યુલન્સની સેવા અને ભરૂચ તાલુકાના ગ્રામ્ય પંથકમાંથી 100 ઓક્સિજન બોટલો આવી પહોંચી
- વેલફેર હોસ્પિટલના અન્ય 33 દર્દીઓને તાબડતોડ 20 KM દૂર વાગરા બચ્ચો કા ઘર ખાતે યુદ્ધના ધોરણે ઉભા કરાયેલા કોવિડ કેરમાં ખસેડાતા કેટલાય દર્દીઓના જીવ બચાવી શકાયા
વેલફેર કોવિડ સેન્ટરના ICU માં લાગેલી વિકરાળ આગે 16 દર્દીઓને જીવતા જીવ જ આગમાં ભસ્મીભૂત કરી દીધા હતા. ICU વોર્ડમાં રહેલી 2 નર્સિંગ સ્ટુડન્ટ પણ આ ગોઝારી ઘટનામાં મૃત્યુ પામી છે. વિકરાળ આગનો કોલ મળતા જ અને ઘટના વાયુ વેગે પ્રસરતા હોસ્પિટલથી 22 કિલોમીટર દૂર વાગરા બચ્ચો કા ઘર કોવિડ કેર સેન્ટર ખાતે બસોથી વધુ યુવાનોએ 2 કલાકમાં જ ઓક્સિજન સાથેના 100 બેડ કાર્યરત કરી દીધા હતા. એક તરફ કોવિડ વેલફેર હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સની કતારો વચ્ચે રેસ્ક્યુ કરી કોરોનાના દર્દીઓને રેસ્કયુ કરી શિફ્ટિંગની કામગીરી હાથ ધરાઈ રહી હતી. ત્યાં બીજી તરફ કતારોમાં એક પાછળ એક એમ્બ્યુલન્સ આવી આ દર્દીઓને અન્યત્ર હોસ્પિટલમાં સ્થળાંન્તરની કમાન સંભાળી રહી હતી.
આ સમયે વેલફેર હોસ્પિટલથી 22 KM દૂર વાગરા બચ્ચો કા ઘરના મેદાનમાં 100 બેડ તૈયાર કરી દેવાયા હતા. જેના માટે ઓક્સિજનના 100 બોટલ ભરૂચ તાલુકાના નબીપુર સહિત આસપાસના ગામો અને વાગરા તાલુકામાંથી પહોંચાડવા યુવાનોએ કામે લાગી 2 કલાકમાં જ 100 બેડની ઓક્સિજન સાથેની કોવિડ હોસ્પિટલ મેદાનમાં કાર્યરત કરી દીધી હતી.
ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ભીષણ આગ લાગી હતી. જેમાં ૧૬ દર્દી સહિત કુલ ૧૮ લોકોનાં મોત નિપજ્યાં છે. સમગ્ર વિસ્તારમાં અફરાતફરી ફેલાઈ હતી. આ ઘટનામાં ૧૬ દર્દી અને ૨ સ્ટાફકર્મી સહિત ૧૮ લોકોનાં મૃત્યુ થયાં હતાં. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં મોડી રાતે ૧૨.૪૫ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગ લાગી ત્યારે હોસ્પિટલમાં ૫૮ જેટલા દર્દી સારવાર લઈ રહ્યા હતા. તો હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં ૨૭ જેટલા દર્દી હતા. આ ઘટનામાં ૧૬ દર્દી અને ૨ સ્ટાફ સભ્ય સહિત ૧૮ લોકોનાં મૃત્યુ થયાં હતાં. જો કે, મૃત્યુ આંક વધવાની શક્યતા છે. આગનો ભોગ બનેલી હોસ્પિટલના દર્દીઓને ભરૂચની સિવિલ હોસ્પિટલ, સેવાશ્રમ હોસ્પિટલ, જંબુસર અલ મહેમૂદ સહિત ભરૂચની ખાનગી હોસ્પિટલોમાં શિફ્ટ કરાયા હતા. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ શોર્ટસર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે.
હોસ્પિટલના કોવિડ વોર્ડમાં અચાનક આગ લાગતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સમાચાર જાણીને લોકોનાં ટોળેટોળાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ દર્દીઓનાં સ્વજનો તેમને બચાવવા માટે ધમપછાડા કરી રહ્યા હતા. પોતાના સ્વજનની સ્થિતિ શું છે તે જાણવા પણ લોકો દોડી આવ્યા હતા. કેટલાંય સ્વજનો દર્દીઓના મરણ પામ્યાની ખબર સાંભળી આઘાતમાં સરી પડ્યા હતા. આગને પગલે ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. સાથે જ ૪૦થી વધુ એમ્બ્યુલન્સનો કાફલો દર્દીઓની સારવાર માટે દોડાવવામાં આવ્યો હતો. તાત્કાલિક દર્દીઓને એમ્બ્યુલન્સ દ્વારા બીજી હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી કરાઈ હતી.
સ્થાનિક રહીશો અને આગેવાનો તથા દર્દીઓના સંબંધીઓ ખડેપગે તંત્ર સાથે બચાવ અને રાહત કામગીરીમાં જોડાયા છે. આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે ઓક્સિજન સિલિન્ડર લીક થયો હોઈ શકે તેમ પણ જણાવ્યું છે. આગને પગલે ભરૂચ કલેક્ટર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં તાત્કાલિક આગનો રિપોર્ટ તૈયાર કરવાની સૂચના આપી દેવાઈ છે. પુરાવાના આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. સાથે જ કલેક્ટરે કહ્યું કે, આ ઘટનામાં જવાબદાર લોકો સામે કડકમાં કડક પગલાં લેવાશે.