SURAT

મુંઝવણ: 5 મે સુધી કાપડ માર્કેટ બંધ રહેશે તો વેપારીઓએ જે ઓર્ડર બુક કર્યા છે તેને કઇ રીતે મોકલવામાં આવશે

સુરત: (Surat) સુરતમાં તીવ્ર ગતિએ વઘી રહેલા કોરોનાના કેસો પર અંકુશ મેળવવા માટે રાજ્ય સરકારના નિર્દેશના પગલે સુરત પોલીસ કમિશનરના નિર્દેશ મુજબ બુધવારે રિંગરોડ અને સારોલીની 200 કાપડ માર્કેટની 80 હજાર દુકાનો બંધ રહી હતી. જોકે બંધની જાહેરાત અચાનક કરવામાં આવતાં વેપારીઓમાં (Traders) નારાજગી જોવા મળી હતી. જેને લીધે આજે સવારે વેપારીઓએ સવારે એકાદ કલાક માટે માટે બેન્કિંગ અને ડિસ્પેચિંગ સહિતના કામકાજ આટોપવા માટે વેપારીઓએ દુકાન (Shop) ખોલી હતી, પરંતુ બપોર 2 સુધીમાં બંધ કરી દીધી હતી. હવે તા. 5 મે સુધી કાપડ માર્કેટ (Textile Market) સદંતર બંધ રહેશે. કાપડ માર્કેટ બંધ રહેતા વેપારીઓએ જે ઓર્ડર બુક કર્યા છે તેને કઇ રીતે મોકલવામા આવશે તેને લઇને મુંઝાઇ રહ્યા છે.

બીજી બાજુ મહીધરપુરા અને વરાછાના મિનિબજારમાં હીરાની ઓફિસો અને કાંટા બંધ રાખવા અંગે વેપારીઓ અને દલાલોમાં મૂંઝવણ હતી. જેને પગલે સવારે કેટલીક ઓફિસો ખુલી હતી, પરંતુ બપોરે 11-12 વાગે પોલીસે આજે હીરાબજારમાં જઈ ઓફિસો બંધ કરાવી 10 હજારથી વધુ વેપારી અને દલાલો ઘરે જવા સૂચના આપી હતી. જોકે ડાયમંડ મેન્યુફેક્ચક્ચરિંગ યુનિટો ચાલુ રહ્યા હતા. હીરાબજારની ઓફિસો બંધ કરાવાતા વેપારી અને દલાલોમાં નારાજગી જોવા મળી હતી. મોટા ભાગના દલાલ અને વેપારીઓએ વેક્સિન મુકાવી દીધી છે, તેમજ ટેસ્ટ કરાવવાની માર્ગદર્શિકાનું પણ કડકપણે પાલન થઈ રહ્યું છે ત્યારે સાત દિવસ માટે બંધ કરાવવાની તંત્રની કડકાઈ ગેરવ્યાજબી હોવાનું વેપારી અને દલાલોએ જણાવ્યું હતું.

50 ટકા સ્ટાફ સાથે હીરાબજાર ખુલ્લું રાખવા દેવા માટે પો.કમિ.ને રજૂઆત કરાશે
સુરત ડાયમંડ બ્રોકર્સ એસોસિએશનના પ્રમુખ નંદલાલ નાકરાણીએ કહ્યું કે, હીરાબજારમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન થાય છે પરંતુ સાત દિવસ માટે બંધ જાહેર કરાતા સ્ટોક ક્લિયરન્સની કામગીરી અટવાઈ જશે. 50 ટકા સ્ટાફ સાથે અમુક કલાકો માટે ઓફિસો ખોલવાની છૂટ મળવી જોઈએ તેવી રજૂઆત પોલીસ કમિશનરને કરવામાં આવશે.

મોટાભાગની રિટેઈલ દુકાનો બંધ રહી
શહેરના અઠવાગેટ, રાંદેર, અડાજણ રાજમાર્ગ, અડાજણ, વરાછા, લિંબાયત, ઘોડદોડ રોડ સહિત શહેરના મોટાભાગના વિસ્તારમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની કપડા, હોઝિયરી, ઈલેક્ટ્રિકલ્સ, રિટેઈલની દુકાનો બંધ રહી હતી. જોકે કેટલાક દુકાનદારોને બંધની જાણ નહીં હોવાથી દુકાનો ચાલુ કરી હતી, પરંતુ પોલીસે જઇને બંધ કરાવી હતી. જોકે મોટાભાગના વેપારી અને કર્મચારીઓએ મિની લોકડાઉનને સ્વૈચ્છિક રીતે સ્વીકારી લીધો હતો. કેટલાંક ઠેકાણે પોલીસે અને લોકો વચ્ચે સામાન્ય બોલાચાલી પણ થઇ હતી અને બંધ કરાવવા માટે દુકાનો બંધ કરાવવા પેટ્રોલિંગ કર્યું હતું. રાંદેર, રામનગર, અડાજણ, સગરામપુરા સહિતના વિસ્તારોમાં દુકાનદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણના કિસ્સા બન્યા હતા. જોકે, વેપારીઓએ આખરે બંધને સ્વીકારી લીધો હતો.

કાપડ માર્કેટ બંધ થતા ગ્રેની ખરીદી ઘટશે, વિવર્સો ચિંતિત
કાપડ માર્કેટ બંધ થતા ગ્રેની ખરીદી પર પણ અસર થશે. સાત દિવસ સુધી કાપડ માર્કેટ બંધ રાખવામાં આવતા ગ્રેની ખરીદીમાં મોટો ઘટાડો થશે. તેથી વિવર્સની ચિંતા વઘી છે. ફોગવા પ્રમુખ અશોક જીરાવાલાએ કહ્યું કે, કાપડ માર્કેટ બંધ થતાં લાંબો સમય સુધી ગ્રેની ખરીદી અટકી પડે તેવી ચિંતા ઉભી થઈ છે. વીવર્સ પાસે ગ્રે કાપડનો સ્ટોક થઇ જશે અને મૂડી જામ થશે. જેને પગલે શહેરના તમામ ઔદ્યોગિક વિસ્તારોમાં વિવર્સથી અભિપ્રાય માંગવામાં આવી રહ્યો છે. ત્યારબાદ નિર્ણય લેવાશે

રિટેઈલ અને હોલસેલર બંધ થતાં મોટા ઉદ્યોગોને નુકશાની ભીતિ
રાજ્ય સરકારના બંધના આદેશને લીધે શહેરમાં હાર્ડવેરના 1200, મશીન ટુલ્સના 400, પેઈન્ટ્સના 450, ઇલેક્ટ્રીકલ્સના 750, ટેક્સટાઈલ મિલજીનના 600 દુકાનો બંધ રહી હતી. તે ઉપરાંત સિમેન્ટના હોલસેલર્સ 250 અને સ્ટીલના 180 હોલસેલર્સ છે. જો આ તમામ બંધ રાખવામાં આવશે તો કાપડની મિલો અને બાંધકામના પ્રોજેક્ટ બંધ પડે તેવી શક્યતા છે. ઉત્પાદન એકમો આપમેળે બંધ થઈ જાય તેવી ચિંતા છે. પોલીસે શહેરની 50 હજાર રિટેઈલ શોપ બંધ કરાવી છે. તેની સાથે સાથે આવશ્યક ચીજવસ્તુઓમાં સમાવિષ્ટ બેકરી અને ડેરી પ્રોડક્ટની દુકાનો પણ બંધ કરાવી હતી. રજૂઆત કરાયા બાદ છૂટછાટ આપી છે. પરંતુ આવતીકાલથી દુકાનો ચાલુ કરનારને રૂપિયા 10 હજારનો દંડ ફટકારવાની ચીમકી પણ આપી છે. રેસ્ટોરન્ટમાં ‘ટેક અવે’ની છૂટ હોવા છતાં રેસ્ટોરન્ટ્સ બંધ કરાવવામાં આવી હતી.

મિનિ લોકડાઉનને કારણે કામદારો પલાયન કરી જાય તેવી શક્યતા
અત્યાર સુધી વિવિંગ સેક્ટરમાંથી કામદારો પલાયન કરી રહ્યા હતા. પરંતુ તંત્ર દ્વારા બુધવારથી કાપડ માર્કેટને બંધ રાખવાની જાહેરાત બંધ માર્કેટમાં કામ કરતા કામદારોમાં ચિંતાનો માહોલ છે. જે રીતે શહેરમાં સિવિલ અને સ્મીમેરમાં દદ્દીઓને લેવાની ના પાડવામા આવી છે તેને લીધે પણ વઘુ ભય ફેલાયો છે. જેથી હવે કાપડ ઉદ્યોગમાં કામ કરનારા કામદારો પલાયન કરી જાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિવિંગ સેક્ટરમાં કામ કરતા પચાસ ટકા કામદારો પહેલાથીજ પલાયન કરી ગયા છે ત્યારે જો વધુ કામદારો પલાયન કરશે તો ઉદ્યોગ માટે મુશ્કેલી સર્જાશે.

Most Popular

To Top