Dakshin Gujarat Main

ચીખલીના આલીપોર હોસ્પીટલમાં 70-80 ઓક્સિજન સિલિન્ડરની જરૂરિયાત સામે માત્ર 15 જ મળ્યા

ચીખલીની હોસ્પિટલોમાં લાંબા સમયથી ઓક્સિજનની અછતનો પ્રશ્ન નહી ઉકેલાતા તંત્ર વામણુ પૂરવાર થયું છે. ઓક્સિજનના અભાવે બેડની અછત પણ યથાવત રહી છે અને લોકોએ ભટકવાની સ્થિતિ સર્જાઇ છે.ચીખલીમાં સિવિલ હોસ્પિટલ ઉપરાંત સ્પંદન અને આલીપોર જેવી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવારનો મુખ્ય મદાર છે.

આ ત્રણેય હોસ્પિટલોમાં છેલ્લા કેટલાક દિવસોથી ઓક્સિજન અને રેમેડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ થતો નથી અને ઓક્સિજનવાળા બેડ પણ ખાલી મળતા નથી. ઓક્સિજનનો જથ્થો પૂરતી માત્રામાં નહી મળતા દાખલ દર્દીઓ સિવાય બીજા દર્દીઓને દાખલ કરવા આ હોસ્પિટલો અસમર્થ બની છે અને દર્દીઓ અને સંબંધીઓએ ભટકવાની નોબત આવી છે. આ ઉપરાંત દાખલ દર્દીઓ માટે પણ વધુ જોખમની સ્થિતિ ઉભી થવા પામી છે.

સ્પંદન હોસ્પિટલમાં કોરોનાના 35 દર્દીઓ સારવાર હેઠળ છે. આ હોસ્પિટલને ગતરોજ ઓક્સિજનનો જથ્થો મળ્યો જ ન હતો. ઓક્સિજનના સિલિન્ડર લેવા ગયેલું વાહન 25 કલાક રાહ જોયા બાદ પરત ખાલી જ આવ્યું હતું. ઉપરાંત રેમેડેસિવિર ઇન્જેક્શન પણ માત્ર 5 થી 6 નંગની માત્રામાં મળે છે. આલીપોર હોસ્પિટલમાં 70-80 સિલિન્ડરની જરૂરિયાત સામે ગતરોજ માત્ર 15 જ મળતા હોસ્પિટલો નવા દર્દીઓને દાખલ કરવા અસમર્થ બની છે.

ખરેખર તો સ્વૈચ્છિક લોકડાઉન સાથે તાલુકામાં ઓક્સિજનવાળા બેડની સંખ્યામાં વધારો થાય, કોરોનાના દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલોની પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો અને રેમેડિસિવર ઇન્જેક્શનનો જથ્થો મળે તેને પ્રાધાન્ય આપવાની જરૂરિયાત છે. કારણકે તાલુકામાં વધતા જતા કેસો સામે ઓક્સિજનવાળા બેડની સંખ્યામાં વધારો થતો જ નથી અને જ્યાં હાલ જે બેડ છે તેમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો મળતો નથી. આવી જ સ્થિતિ રહેશે અને કોઇ સુધારો થશે નહી તો પરિસ્થિતિ વધુ ગંભીર થવા સાથે મૃત્યુદરમાં પણ વધારો થતો જ રહેશે તેમ લાગી રહ્યું છે.

ચીખલી, ખેરગામ અને વાંસદાને તંત્ર જિલ્લાનો હિસ્સો માનતું જ નથી
ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યુ હતુ કે કલેક્ટર ફોન ઉંચકતા જ નથી ત્યારે ચીખલી, વાંસદા, ખેરગામની હોસ્પિટલોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને રેમેડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ થાય તે માટે આજે નિવાસી નાયબ કલેક્ટરને રજૂઆત કરી છે. તંત્ર ચીખલી, ખેરગામ અને વાંસદાને જિલ્લાનો હિસ્સો જ માનતું ન હોય તેમ લાગે છે. ઓક્સિજન, રેમેડેસિવિર ઇન્જેક્શન તથા અન્ય જરૂરી દવાઓનો જથ્થો ત્રણેય તાલુકામાં ઉપલબ્ધ નહી કરાવવામાં આવશે તો હું ઉપવાસ પર ઉતરી જલદ આંદોલન ચલાવીશ

Most Popular

To Top