સુરત: (Surat) કોરોનાને પગલે કથળતી સ્થિતિને જોતા ગુજરાત સરકાર દ્વારા આંશિક લોકડાઉન (Lock Down) અંગેના નિયમો લાગુ કરી દેવાયા છે. જે આજથી 8 દિવસ સુધી સુરત શહેરમાં પણ લાગુ રહેશે. જેને પગલે સુરત શહેરમાં બપોર બાદ મોટાભાગની દુકાનો બંધ (Shops Close) કરી દેવાઈ હતી. રસ્તાઓ સુમસામ દેખાઈ રહયા હતા. રાજમાર્ગ, રિંગરોડ, અડાજણ, વરાછા, ઉધના વગેરે વિસ્તારોમાં બપોર બાદ દુકાનો બંધ કરી દેવાઈ હતી. આવશ્યક સેવાઓ સિવાયની બધી જ દુકાનો બંધ રાખવાના સરકારના નિર્ણયને પગલે સુરત શહેરમાં સવારથી જ પાલિકા દ્વારા બંધનું પાલન કરાવવાનું શરૂ કરાયું હતું. જેને પગલે કેટલાક વિસ્તારોમાં પાલિકાની ટીમ સાથે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. જોકે શહેરવાસીઓને બંધ અંગે કોઈ પણ ગૂંચવાડો ન રહે એ માટે સુરત પોલીસે નવા નિયંત્રણો અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરી દીધું છે. પોલીસ કમિશનર (Police Commissioner) અજય તોમર દ્વારા મીડિયાને જાણકારી આપતા વીડિયોમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે સુરતમાં કઈ સેવાઓ ચાલુ રહેશે અને કઈ બંધ રહેશે.
સુરત પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતા અનુસાર મેડિકલ સર્વિસ, ખાણીપીણી, ઉત્પાદક પ્લાન્ટ ચાલુ રાખવામાં આવશે. કેટલાક લોકો આવશ્યક સેવામાં શાકભાજી ના વેચાણ ચાલુ રાખી શકશે. ઓફિસો બાબતે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું કે ખાનગી ઓફિસો 50 ટકા કર્મચારી સાથે ચાલુ રાખી શકશે. ટેક્સટાઈલ માર્કેટના લોકો સાથે સંકલન કરાયું છે તેઓને કોઈ તકલીફ ન પડે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. શહેરના ટેક્સટાઇલ અને ડાયમંડ મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલુ રહેશે. તેમજ હીરાના કારખાના 50 ટકા લોકો સાથે ચાલુ રાખી શકશે.
આજથી ગુજરાતના 29 શહેરોમાં દિવસે પણ કરફ્યૂ જેવી સ્થિતિ છે. સુરત શહેરમાં અઘોષિત લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સ્ટેશન વિસ્તાર કે જ્યાં હજારોની સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હતી ત્યાં જ ત્યારે એક પણ દુકાન ખુલ્લી જોવા નથી મળી રહે અને લોકોની અવરજવર પર જાણે સદંતર બંધ થઈ ગઈ છે.
શહેરના રિંગરોડ ખાતેના ફ્લાયઓવર બ્રિજ પણ બપોર બાદ સુનસાન થઈ ગયા હતા. દુકાનો બંધ હોવાથી લોકોની અવર જવર પણ 50 ટકા જેટલી ઘટી ગઈ હતી. બીજી તરફ શહેરના મોટાભાગના વિસ્તારોમાં સવારે શાકભાજીનું વેચાણ થયા બાદ બપોર બાદ બજાર આંશિક રૂપે બંધ રહ્યા હતા. જોકે અનાજ કરિયાણા, બેકરી, દૂધની ડેરી તેમજ મેડિકલની દુકાનો ખુલ્લી રહી હતી.
પોલીસકર્મીઓ માટે કોવિડ સેલ શરૂ કરાયો
પોલીસ કમિશનરે જણાવ્યું કે પોલીસે આવશ્યક સેવા તરીકે કામ કરવું પડે છે. પોલીસ દ્વારા એક કોવિડ સેલ શરૂ કરાયું છે જેમાં કોઈપણ પોઝિટિવ આવે તો એના માટે કામગીરી કરાઈ રહી છે. 232 થી વધુ લોકો સંક્રમિત છે. તેમની રોજ પૂછપરછ થઈ રહી છે. પોલીસના કોઈપણ કર્મચારીને તકલીફ ન પડે તેની તકેદારી રખાઈ રહી છે. પોલીસ ફિલ્ડમાં હોવાથી અનેક તકલીફ પડે છે. પોલીસ ભૂખ્યા પેટે રહે છે તેને લઈ સંક્રમણ ની ભીતિ વધે છે. પોલીસે રિફ્રેશમેન્ટ વાન શરૂ કરી છે. પોલીસ જ્યાં ફરજ ઉપર રહે ત્યાં જઈ તેમની વ્યવસ્થા જોવાય છે.