કોરોનાવાયરસના કેસોમાં જંગી ઉછાળાને કારણે ભારે મુશ્કેલીમાં મૂકાયેલા ભારત તરફ દુનિયાના અનેક દેશોએ મદદનો હાથ લંબાવ્યો છે અને હવે ત્યાંથી અગત્યની તબીબી સામગ્રીઓના કન્સાઇન્મેન્ટો ભારતમાં આવવા માંડ્યા છે.
પ્રથમ જીવન રક્ષક સહાયનું પેકેજ બ્રિટનથી આજે સવારે નવી દિલ્હી આવી પહોંચ્યું હતું જેમાં ૧૦૦ વેન્ટિલેટરો અને ૯પ ઑક્સિજન કન્સેન્ટ્રેટરો હતા. ઑક્સિજન માટેના ક્રાયોજેનીક ટેન્કરો અને લિક્વિડ ઑક્સિજન જેવી સામગ્રી પણ અન્ય કેટલાક દેશોમાંથી આવી પહોંચી છે.
યુકેથી આ સપ્તાહ દરમ્યાન બીજી સામગ્રી મોકલવામાં આવશે જેમાં ૪૯પ ઑક્સિજન કન્સેન્ટ્રેટરો, ૧૨૦ નોન-ઇવેઝીવ વેન્ટિલેટરો અને ૨૦ મેન્યુઅલ વેન્ટિલેટરોનો સમાવેશ થાય છે એમ યુકે સરકારના સૂત્રોએ જણાવ્યું હતું. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું હતું કે તેમનો દેશ ભારતમાં વિવિધ પ્રકારની સામગ્રી મોકલશે.
ઓસ્ટ્રેલિયા પ૦૦ વેન્ટિલેટરો, ૧૦ લાખ સર્જીકલ માસ્ક અને પાંચ લાન પ્રોટેક્ટિવ અને સર્જીકલ માસ્ક્સ, ગોગલ્સ અને ફેસ શિલ્ડો મોકલશે. ભૂતાન પણ ભારતને જીવન રક્ષક પ્રવાહી ઓક્સિજન મોકલશે.અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાવાયરસના બીજા મોજામાં ભારતમાં મોટા પાયે કેસો પછી સામગ્રીની વ્યાપક તંગી અને અંધાધૂંધી વચ્ચે દુનિયાના અનેક દેશો ભારતની મદદે આવ્યા છે.