દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ સ્થિતિમાં દર્દીઓ ઑક્સિજનથી માંડીને હોસ્પિટલોમાં બેડની અછતનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત, દર્દીને હોસ્પિટલમાં લઈ જવા અને મૃતદેહને સ્મશાનમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સની પણ અછત જોવા મળી રહી છે. તેમજ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે પરિવારજનોએ 5-6 કલાક રાહ જોવી પડે છે.
આ પ્રકારનો એક કિસ્સો ઉત્તરપ્રદેશના આગ્રાથી સામે આવ્યો છે. ત્યાં એમ્બ્યુલન્સના અભાવને કારણે મોહિત નામના વ્યક્તિએ તેના પિતાનો મૃતદેહ કારની છત પર બાંધી સ્મશાનગૃહ લાવવામાં આવ્યો હતો. મોહિત તેના પિતાના મૃતદેહને ગાડીમાં બાંધીને લઈ જઈ રહ્યો હતો ત્યારે જોનારાઓની આંખોમાંથી આંસુ આવી ગયા હતા. સ્મશાનગૃહમાં પહોંચ્યા પછી મોહિતે જોયું કે, ત્યાંનો નજારો વધુ આઘાતજનક હતો. કારણ કે, ત્યાં અગાઉથી ઘણા લોકો અંતિમ સંસ્કાર માટે કલાકોથી રાહ જોઈ રહ્યા હતા.