ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લામાં સરકારી તેમજ મોટાભાગની ખાનગી હોસ્પિટલોમાં (Hospital) હાલ કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે. કોરોનાના ક્રિટીકલ દર્દીઓના કિસ્સામાં ઘણીવાર વધુ સારી સારવાર (Treatment) મળી રહે તે હેતુથી વડોદરા ખાતેની હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે. ભરૂચ જિલ્લા કલેકટર એમ.ડી. મોડિયાએ જિલ્લાની તમામ હોસ્પિટલો, આઈ.એમ.એ. ભરૂચ-અંકલેશ્વરને પરિપત્ર જારી કરી, હાલની સ્થિતિએ ઓક્સિજન બેડ અને હાઈ ડિપેડન્સી બેડની વિગતો ધ્યાને લેતાં દર્દીને હેરાન ન થવું પડે અને બેડ ખાલી હોય તેવા કિસ્સામાં રેફર થાય તે અત્યંત જરૂરી હોવાનું જણાવ્યું છે.
- જિલ્લાની તમામ હોસ્પિટલે ભરૂચથી વડોદરા દર્દીને રીફર કરતા પહેલા રાઉન્ડ ધ ક્લોક શરૂ કરાયેલ કંટ્રોલ રૂમ 14420 પર કોલ કરી કન્ફોર્મેશન મેળવવું પડશે
- ક્રિટિકલ દર્દીને રીફર કરતા બેડ નહિ મળતા દર્દીની સ્થિતિ બગડવા સાથે જીવનું જોખમ વધવાની શક્યતાને લઈ નિર્ણય લેવાયો
- વડોદરામાં ઓક્સિજન અને હાઈ ડિપેડન્સી બેડની અછતને લઈ નિર્ણય
સોમવારે સચિવ, શિક્ષણ અને કોવિડ –19 માટે વડોદરા ખાતે નિયુકત ખાસ ફરજ પરના અધિકારી દ્વારા યોજાયેલી વીડીયો કોન્ફરન્સમાં આપેલ સૂચના મુજબ વડોદરા ખાતે પેશન્ટ રેફરલ માટે રાઉન્ડ ધી કલોક કોવિડ –19 કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જે સંપર્ક માટેનો ટોલ ફ્રી નંબર 14420 છે. હવેથી ભરૂચ જિલ્લાના કોઈપણ દર્દીને વડોદરા ખાતે રીફર કરવા માટે આપેલ નંબર પર સંપર્ક કરી જરૂરી વિગતો આપી કંટ્રોલ રૂમ મારફતે માહીતી મેળવી ત્યાંથી કન્ફર્મેશન મળ્યા બાદ જ દદીને રિફર કરવાના રહેશે. વડોદરા ખાતેના પેશન્ટ રેફરલ કંટ્રોલરૂમના કન્ફર્મેશન વગર જો કોઈ દર્દીને રીફર કરવામાં આવે અને દર્દીને હાલાકી ભોગવવાની થાય તેવા કિસ્સામાં સંપૂર્ણપણે જવાબદારી હોસ્પિટલ મેનેજમેન્ટની રહેશે તેમ કલેકટરે વધુમાં હોસ્પિટલોને સૂચના આપી છે.
ભરૂચ જિલ્લામાં કોરોના બેકાબૂ, ટેસ્ટ માટે લોકોની લાઈન
અંકલેશ્વર: ભરૂચ જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઘાતક સમાન બની છે. જિલ્લામાં રોજના ૧૦૦થી વધુ કોરોનાના પોઝિટિવ કેસો નોંધાઇ રહ્યા છે. જેના કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં બેડ હાઉસફુલની સ્થિતિ તરફ જતા જોવા મળ્યા છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવા ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉનનો સહારો લેવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ સંક્રમણના વધતા જતા કેસોએ લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.