SURAT

ઓક્સિજનનો સ્ટોક ટૂંક સમયમાં ખલાસ થઇ જશે, અન્ય સ્થળે શિફ્ટ થઇ જાવ: સુરતની હોસ્પિટલો હવે હાથ ઉંચા કરી રહી છે

સુરત: (Surat) મેટાસ હોસ્પિટલના સંચાલકોએ પચાસ કરતાં વધારે દર્દીઓના પરિવારોને ઓક્સિજનનો (Oxygen) સ્ટોક 3 કલાકમાં ખલાસ થઇ જશે, તેમ જણાવતા હોબાળો મચી ગયો હતો. દર્દીઓ દ્વારા આ મામલે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી હતી. દરમિયાન 3 કલાકમાં ગંભીર દર્દીઓને કેવી રીતે સીફ્ટ કરવા તે માટે અસરગ્રસ્ત પરિવારજનો દોડતા થઇ ગયા હતા. મેટાસ એડવેન્ટીસ્ટ હોસ્પિટલના (Hospital) સંચાલકોએ પચાસ કરતા વધારે દર્દીઓના સગાને અન્ય સીફ્ટ થઇ જવા માટે કે પછી ઓક્સિજનની વ્યવસ્થા કરવા માટે સુચના આપતા હોબાળો મચી ગયો હતો. આ મામલે એક દર્દીના ભાઇ અંકુર જાનીએ જણાવ્યું કે તેઓના ભાઇ ગંભીર અવસ્થામાં મેટાસમાં દાખલ છે. તેઓના રૂમમાં પંદર કરતા વધારે દર્દીઓને ઓક્સિજન નહી હોવાની સુચના આપવામાં આવી છે. 3 કલાક ચાલે તેટલો જ ઓક્સિજન હોવાને કારણે પેશન્ટને અન્ય સીફ્ટ કરવા હોય તો કરવાનું જણાવી દેવાયું હતુ. દરમિયાન આ મામલે હોસ્પિટલ સંચાલકોએ સિવિલમાં જવા માટે ભલામણ કરી હતી. હવે દર્દીઓ ગંભીર અવસ્થામાં છે તેઓને સીફ્ટ કરવા એટલે મોટુ જોખમ છે. જાનીએ જણાવ્યું કે લગભગ પચાસ કરતા વધારે દર્દીઓ ઓક્સિજન પર છે. આ તમામના જીવ જોખમમાં મૂકાઇ ગયા છે. તેઓએ શું કરવું તેની ગતાગત પડી રહી નથી.

કરફર્યૂમાં કેવી રીતે સીફ્ટ કરીએ
અંકુર જાનીએ જણાવ્યું કે તેઓને રાત્રિના નવ વાગ્યે જણાવવામાં આવ્યું કે હોસ્પિટલ પાસે 3 કલાક ચાલે તેટલો જ ઓક્સિજન છે. તેથી આ મામલે બાહેધરીપત્રક પર એટલે કે દર્દીના જાવની જવાબદારી હોસ્પિટલની નહી હોવાનું જણાવવામાં આવ્યું હતું. દરમિયાન ઓક્સિજન લેવા તેઓ કેવી રીતે બહાર નીકળે તેની ખબર પડતી નથી.

પચાસ દર્દીઓના સગા દ્વારા હોસ્પિટલ છોડવા દોડધામ
મોડી સાંજે પચાસ દર્દીઓને ઓક્સિજન નહી હોવાનું હોસ્પિટલ સંચાલકોએ જણાવતા દર્દીઓ દ્વારા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા તબીબોને જણાવાયું હોવાની વિગત જાણવા મળી છે. દરમિયાન મેટાસ હોસ્પિટલમાં પચાસ દર્દીઓને સીફ્ટ કરવા માટે દોડધામ શરૂ થઇ ગઇ હતી.

મેટાસ હોસ્પિટલના સંચાલકોએ બપોરે બાર સુધી ચાલે તેટલો જથ્થો હોવાની વિગત જણાવી
મોડી સાંજે ઓક્સિજન મળતા બીજા દિવસે બપોરે બાર વાગ્યા સુધી ચાલે તેટલો ઓક્સિજનનો જથ્થો હોવાની વાત હોસ્પિટલ સંચાલકોએ દર્દીના પરિવારજનોને કરી હતી. આ મામલે હોસ્પિટલ સંચાલકોએ હાથ ઉંચા કરી દેતા તમામ પેશન્ટના પરિવારજનો દ્વારા ફરજિયાત સિવિલમાં દર્દીઓને સીફ્ટ કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

ઓક્સિજનની વ્યવસ્થા જાતે કરી લો
હોસ્પિટલ સંચાલકોએ ઓક્સિજનના સિલિન્ડર શોધી લાવવાની વ્યવસ્થા કે પછી દર્દીઓને સીફ્ટ કરવાના ઓપ્શન આપતા તમામ ગંભીર દર્દીઓની હાલત કફોડી થઇ ગઇ છે.

શું કહે છે હોસ્પિટલ સંચાલકો
મેટાસના પીઆરઓ બીનોઇનો તથા જતીન વાઘનો સંપર્ક કરતા તેઓએ હોસ્પિટલમાં નહી હોવાનું જણાવ્યું હતુ અને કાઇ કહેવાનો ઇનકાર કરી દીધો હતો.

ઈન્ડિયન મેડીકલ કાઉન્સીલ દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત

સુરત શહેરમાં ઓક્સિજનની અછત થઈ છે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓના જીવ જોખમમાં મુકાયા છે. ઈન્ડિયન મેડીકલ કાઉન્સીલ દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી કે, ખાનગી હોસ્પિટલ પાસે ઓક્સિજન ન હોવાથી 4000 જેટલા દર્દીઓને સ્થિતિ ગંભીર બની છે. યુદ્ધના ધોરણે ઓક્સિજન ની વ્યવસ્થા ન કરવામાં આવે તો સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા જોખમમાં મુકાઈ શકે છે.

Most Popular

To Top