SURAT

લાલદરવાજાની આયુષ હોસ્પિટલમાં કોવિડ વોર્ડ ICUમાં શોર્ટ સર્કિટથી આગ, શિફ્ટિંગ બાદ 5 દર્દીઓએ જીવ ગુમાવ્યો

સુરત: (Surat) લાલદરવાજાના આયુષ હોસ્પિટલમાં (Ayush Hospital) કોવિડ આઇસીયુ વિભાગમાં વેન્ટિલેટર મશીનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનાની ફાયર (Fire) વિભાગને જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો જ્યાં દર્દીઓને (Patient) બચાવવાની કામગીરી શરૂ કરી હતી. આઠ દર્દીઓને સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગની ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી પરંતુ દર્દીઓને ખસેડતી વખતે અને ત્યાર બાદ પાંચ લોકોનાં મોત થયાં હતાં.

ફાયર વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે મોડી રાત્રે પોણા બાર વાગ્યાના અરસામાં લાલદરવાજા વિસ્તારના પરમ ડોક્ટર હાઉસમાં પાંચમાં માળે આયુષ હોસ્પિટલમાં કોવિડ આઇસીયુ વિભાગમાં વેન્ટિલેટર મશીનમાં શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને લઇને સારવાર લઇ રહેલા દર્દીઓ તેમજ તેમના સંબંધીઓના જીવ તાળવે ચોંટી ગયા હતાં. જોતજોતામાં આગ વિકરાળ બનતા આઇસીયુ વિભાગમાં ધૂમાડાના ગોટેગોટા બહાર નીકળતા નાસભાગ મચી ગઇ હતી. દર્દીઓ અને તેમના પરિવારજનો, હોસ્પિટલના કર્મચારીઓ જીવ બચાવવા નીચે દોડી આવ્યા હતા. તો કેટલાક દર્દીઓ ઓક્સિજન સાથે અગાસીમાં મોકલી દેવામાં આવ્યા હતા. આ દરમ્યાન ઘટનાની ફાયર વિભાગને જાણ થતા છ સ્ટેશનની 14 થી વધુ ગાડીઓ સાથે ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં લાશ્કરોએ કોરોનાના દર્દીઓને સહીસલામત બહાર કાઢી એમ્બયુલન્સ મારફતે સિવિલ અને સ્મીમેરમાં આઠ દર્દીઓને સારવાર માટે ખસેડ્યા હતા. અડધો કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગે અગ્નિશામક સાધનો વડે આગ પર કાબૂ મેળવી લીધો હતો.

આયુષ હોસ્પિટલમાં લાગેલી આગ કોવિડના પાંચ દર્દીઓને ભરખી ગઇ હતી. એસી અને વેન્ટિલેટરમાં થયેલા સ્પાર્કના કારણે આઇસીયુમાં લગાડેલા પડદાએ તરત જ આગ પકડી લીધી હતી. આગ લાગતા જ હોસ્પિટલના સ્ટાફે દોડધામ મચાવી દીધી હતી અને સૌથી પહેલા દર્દીઓને આગમાં લપેટાતા તો બચાવી લીધા પરંતુ આ દર્દીઓ કોરોનામાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં હતા. મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ ચીકુવાડીના સાંઇઠ વર્ષીય રમેશભાઇ પડસાળાનું પણ મોત થયું હતું. આ દર્દીઓના મોત આગમાં દાઝવાથી નહીં પરંતુ ઓક્સિજન કે વેન્ટિલેટરના અભાવે થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જાણવા મળતી માહિતી અનુસાર આયુષ હોસ્પિટલમાં આશરે 70 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યાં હતાં. આ તમામને સિવિલ, સ્મીમેર, સિમ્સ અને સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

લાલદરવાજા ખાતે લાગેલી હોસ્પિટલમાં આશરે પોણા બાર વાગ્યે એસી અને વેન્ટિલેટરમાં સ્પાર્ક થયા પછી આગ ફાટી નીકળી હતી. શરૂઆતમાં તો હોસ્પિટલના સંચાલકો અને સત્તાધીશોએ કોઇ જાનહાનિ કે ઇજા નહીં થઇ હોવાની વાતની જાહેરાત કરી દીધી હતી. જો કે, ત્યાર બાદ રાત્રે દોઢ વાગ્યાની આસપાસ દર્દીઓ મોતને ભેંટયાની વાત બહાર આવતા તંત્રની ઉંઘ ઉડી ગઇ હતી. આગમાં હોસ્પિટલની સિલિંગની જે હાલત થઇ હતી તે જોતા જ તેની ગંભીરતા કેટલી છે તે સમજી શકાય તેમ છે.

શહેરની હોસ્પિટલો અને ફાયર વિભાગ ફરી વખત શંકાના દાયરામાં
દેશ અને રાજ્યની જુદી જુદી હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે. એક હોસ્પિટલમાં આગ લાગે ત્યારે શહેરનું ફાયર બ્રિગેડ દેખાડો કરવા માટે હોસ્પિટલોમાં સિલિંગની કામગીરી કરે છે અને પછી પરિસ્થિતિ જૈસે થે જેવી જ થઇ જાય છે. નાનપુરાની હોસ્પિટલમાં આગ લાગ્યા પછી શહેરના ફાયર વિભાગે આવો જ દેખાડો કરવા માટે જુદી જુદી હોસ્પિટલોને સીલ કરવાની કાર્યવાહી કરી હતી. કેટલીક હોસ્પિટલોને તો સીલ કરવાના બદલે માત્ર તેના કેટલાંક રૂમ જ સીલ કરીને ચોપડે કામગીરી બતાવી દેવામાં આવી હતી. તેમને નોટિસ ફટકાર્યા બાદ કેટલી હોસ્પિટલોના સીલ ખોલવામાં આવ્યા. કેટલી હોસ્પિટલોમાં ફાયરની સુવિધા લાગી તેની કોઇ જ તપાસ કરવામાં આવતી નથી. ફાયર વિભાગનું હોસ્પિટલો પ્રત્યેનું કુણું વલણ અને હોસ્પિટલ સંચાલકોની ફાયર સેફ્ટી નહીં ઉભી કરવાની આડોડાઇના કારણે શહેર અમદાવાદ, રાજકોટ અને મુંબઇ જેવી ઘટનાની સાક્ષી બનવા તરફ જઇ રહ્યું હોય તેવું હાલની સ્થિતિ પરથી તો લાગી રહ્યું છે.

Most Popular

To Top