National

દિલ્હીમાં ઘેરી બનતી ઑક્સિજન કટોકટી

દેશની રાજધાની દિલ્હીમાં ઑક્સિજનની કટોકટી ઘેરી બની છે. ઑક્સિજન કટોકટીના પાંચમા દિવસે હૉસ્પિટલો ઑક્સિજન માટે વલખાં મારી રહી છે. સર ગંગા રામ અને મેક્સ હેલ્થકેર સહિતની મોટી અને નાની હૉસ્પિટલોમાં ઑક્સિજન નથીની બૂમ પડી છે. મદદ માટે કેટલીક હૉસ્પિટલ્સ હાઇ કૉર્ટ ગઈ છે.

ગઈકાલે સર ગંગા રામ હૉસ્પિટલમાં ઑક્સિજનના અભાવે 25 દર્દીઓ મોતને ભેટયા બાદ હૉસ્પિટલે કોરોનાના દર્દીઓ ઓછા કરવાની રજૂઆત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તમામ રાજ્યોને પત્ર લખીને ઑક્સિજનની વિનંતી કરી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર મદદ કરે છે પણ કટોકટી એટલી તીવ્ર છે કે તમામ સંસાધનો અપૂરતા લાગે છે. ગંગારામ હૉસ્પિટલને રોજનો 11000 ક્યુબિક મીટર ઑક્સિજન જોઇએ છે પણ સવારે સાડા અગિયારે ટેંકર આવ્યું ત્યારે 200 ક્યુબિક મીટર ઑક્સિજન હતો. હવે 0.7 ટન છે જે એક કલાક ચાલે એટલો છે એમ હૉસ્પિટલે બપોરે બે વાગે કહ્યું હતું.

સત્તાવાળાઓને સેંકડો ફોન કરવા પડી રહ્યા છે. હૉસ્પિટલોની બહારના દ્રશ્યો પણ જોવાય એવા નથી. એમ્બ્યુલન્સોની કતાર લાગે છે, દર્દીઓનાં સગાં વિલાપ કરે છે, દર્દીઓ શ્વાસ માટે તરફડે છે. દરેક હોસ્પિટલની બહાર આ સ્થિતિ છે. કેટલીક હૉસ્પિટલોએ એમના બેડ્સ ઘટાડી નાખ્યા છે.
       
ઑક્સિજનની ગંભીર કટોકટીની વચ્ચે અત્રેની જયપુર ગોલ્ડન હૉસ્પિટલમાં રાત્રે 20 ગંભીર રીતે બીમાર દર્દીઓનાં મોત થયાં હતાં એમ અધિકારીઓએ જણાવ્યું હતું. હૉસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડૉ. ડી કે બલુજાએ કહ્યું કે અમારો સ્ટોક પૂરો થઈ જતાં ઑક્સિજન પ્રેસર ઘટી ગયું હતું. હૉસ્પિટલમાં 200થી વધારે દર્દીઓ છે, એમાંના 80% ઑક્સિજન પર છે, 35 આઇસીયુમાં છે અને સવારે 10:45 કલાકે અડધો કલાક ચાલે એટલો ઑક્સિજન બચ્યો હતો. કલાકોના વિલંબ બાદ મધરાતે રિફિલ થયું હતું. શું સરકાર તરફથી કોઇ મદદ મળી છે? એવું પૂછાતાં તેમણે કહ્યું કે કોઇ કઈ ખાતરી આપતું નથી. દરેક એમ જ કહે છે કે અમે બેસ્ટ ટ્રાય કરીશું.

અમૃતસરની હૉસ્પિટલમાં ઑક્સિજનના અભાવે છનાં મોત
અમૃતસરની એક ખાનગી હૉસ્પિટલમાં કથિત રીતે છ દર્દીઓનાં ઑક્સિજનના અભાવે મોત થતાં પંજાબ સત્તાવાળાઓએ તપાસનો આદેશ આપ્યો છે. છમાંના 5ને કોવિડ-19 થયો હતો. જ્યાં આ મોત થયાં એ નીલકંઠ હૉસ્પિટલના ચેરમેન સુનિલ દેવગણે કહ્યું કે મદદ માટે જિલ્લા વહીવટીતંત્રને વારંવાર કહેવાયું છતાં કોઇ ફરક્યું નહીં. બે મહિલા સહિત છ દર્દીઓ ઑક્સિજનના અભાવે મોતને ભેટ્યા હતા. જો કે મેડિકલ શિક્ષણ મંત્રી ઓ પી સોનીએ આ આક્ષેપને નકાર્યો હતો અને દાવો કર્યો કે ઑક્સિજનની તંગી વિશે હૉસ્પિટલે કોઇ યોગ્ય માહિતી આપી ન હતી. વૉટ્સએપ ગ્રૂપમાં વહીવટીતંત્રને માત્ર સિમ્પલ મેસેજ ડ્રોપ કર્યો હતો. પંજાબના મુખ્યમંત્રીએ તપાસનો આદેશ આપ્યો હતો.

મહારાષ્ટ્રમાં ઑક્સિજન વાલ્વ બંધ થઈ જતાં બેનાં મોત
મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં કોઇએ ઑક્સિજન સપ્લાય વાલ્વ બંધ કરી દેતા કોરોનાના બે દર્દીઓનાં મોત થયાં હતાં. હૉસ્પિટલ સત્તાવાળાઓએ દાવો કર્યો કે માત્ર એક દર્દી ઑક્સિજન સપોર્ટ પર હતો જ્યારે મૃતકોના સંબંધીઓએ દાવો કર્યો કે બેઉ ઑક્સિજન સપોર્ટ પર હતા.

Most Popular

To Top