બંગાળ વિધાનસભાની ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2થી 3 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર, ક્રૂડ ઑઇલના વધતા ભાવને કારણે ઑઇલ કંપનીઓને નુકસાન વેઠવું પડી રહ્યું છે. જેના કારણે વિધાનસભાની ચૂંટણી બાદ ભાવવધારો જોવા મળી શકે છે. બંગાળ વિધાનસભાની ચૂંટણી 2 મેના રોજ સમાપ્ત થશે. મોટે ભાગે એવું જોવા મળે છે કે, સરકાર ચૂંટણી સમયે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરતી નથી.
બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન 28 ઑક્ટોબરથી 7 નવેમ્બર 2020 સુધી યોજાઇ હતી અને 10 નવેમ્બરના રોજ પરિણામ આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, 2 સપ્ટેમ્બરથી 19 નવેમ્બરની વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા હતા. ત્યારબાદ 20 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી કિંમતોમાં 15 ગણો વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે, કંપનીઓએ માત્ર 18 દિવસમાં 15 ગણા ભાવમાં વધારો કર્યો હતો.
ત્યારબાદ, 2020ની શરૂઆતમાં દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ પેટ્રોલ-ડીઝલના ભાવ 12 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી સ્થિર રહ્યા હતા.આ વર્ષે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાન્યુઆરીમાં 10 વખત અને ફેબ્રુઆરીમાં 16 વખત વધ્યા હતા.
ત્યારબાદ માર્ચ માહિનામાં પેટ્રોલ-ડીઝલની કિંમતો સ્થિર રહી હતી. જોકે, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં માર્ચમાં 3 વખત અને એપ્રિલમાં 1 ઘટાડો થયો હતો. ભારતમાં 27 ફેબ્રુઆરીએ છેલ્લી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નોંધાયો હતો. જ્યારે, 15 એપ્રિલે છેલ્લી વખત પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.