SURAT

હોમ આઈસોલેશનના દર્દીઓને ઇન્જેક્શન આપવાની ના પાડી દેવાય છે, બ્લેકમાં રેમડેસિવિર ખરીદવા મજબૂર

સુરતઃ (Surat) શહેરમાં રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે દર્દીઓની હાલત કફોડી બની છે. હવે શહેરની તમામ હોસ્પિટલો પણ જ્યારે ફૂલ થવા લાગી છે તેમાં પચાસથી બસોના વેઇટિંગ બોલાઇ રહ્યા છે. ત્યારે ફરજિયાત ઘરે ટ્રીટમેન્ટ કે પછી નાની હોસ્પિટલો એટલે કે પાંચથી સાત બેડની હોસ્પિટલમાં ફીઝિશ્યનને ત્યાં સારવાર લઇ રહેલા દર્દીઓએ કેવી રીતે રેમડેસિવિર ઇન્જેકશન (Remdesivir) મેળવવા તે પેચીદી સમસ્યા ઉભી થઇ છે. તેમાં પણ સુરત જિલ્લામાં હાલત અત્યંત કફોડી છે. શહેરમાં પણ પચ્ચીસ જેટલી મોટી હોસ્પિટલ તે સિવાય પાંચસો જેટલી નાની હોસ્પિટલ અને સંખ્યાબંધ નાના મોટા આઇસોલેશન કામ ચલાઉ તબીબો દ્વારા ઉભા કરાયા છે. આ હજારો દર્દીઓએ કેવી રીતે રેમડીસિવીર મેળવવા તે નવી સમસ્યા ઉભી થઇ છે.

હાલમાં વાતાનુકુલિત ઓફીસમાં બેસીને ઓર્ડર આપી રહેલા અધિકારીઓને ગ્રાઉન્ડ પરિસ્થિતિ વિશે કોઇ ગતાગમ નથી. શહેરમાં એંસી ટકા નાની હોસ્પિટલો એવી છે કે જેઓ પાસે સ્ટાફ નથી તો પછી તેઓ નવી સિવિલ હોસ્પિ.માં તેમના માણસ મોકલીને કેવી રીતે ઇન્જેકશન મેળવશે? ઘણા તબીબો દર્દીઓને હોમ આઈસોલેશનની (Home Isolation) સલાહ આપી રહ્યા છે. દર્દીને સારવારને લગતી સુવિધાઓ ઘરે જ પૂરી પાડવામાં આવી રહી છે. પરંતુ ઘરે રહીને સારવાર લઈ રહેલા દર્દીઓ માટે ઇન્જેક્શનની જરૂર પડે તો તે માટેની કોઇ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી. જયારે હોસ્પિટલોમાં જગ્યા નથી હોસ્પિટલો ગંભીર દર્દીઓને સ્વીકારી લઇ રહી નથી તેવા સંજોગોમાં આ કટોકટ પરિસ્થીતીથી તંત્ર સાવ અંધારામાં છે અને હજારો દર્દીઓને ભગવાન ભરોસે મૂકી દીધા છે.

શહેરમાં કોરોનાને લઈને પરિસ્થિતિ વધારે બગડી રહી છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રોજના 10 હજારથી વધારે રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ છે. જેની સામે સરકાર દ્વારા 50 ટકા જ ઇન્જેક્શન ફાળવવામાં આવી રહ્યા છે. સરકાર ગ્રાઉન્ડ ઉપર રહેલી હકીકતોથી અજાણ બની રહી છે. એક તરફ ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને ઇન્જેક્શન નથી મળી રહ્યા ત્યાં હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓની તો વાત જ નહીં પુછવા જેવી છે. અગાઉ તંત્ર દ્વારા હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓને માટે પણ મેઈલ દ્વારા ઇન્જેક્શનની ફાળવણી થતી હતી. પરંતુ હવે તો હોમઆઈસોલેશનના દર્દીની હાલત વધારે ખરાબ છે. આ દર્દીઓને ઇન્જેક્શન મેળવવા હોય તો ફરજીયાત બહારથી બ્લેકમાં લેવા પડે તેવી પરિસ્થિતિ છે. આવા દર્દીઓ માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા તંત્રએ કરી નથી.

ઇન્જેક્શનની જરૂર પડે તો ફરજીયાત હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે
ડો.વિનોદ શાહએ જણાવ્યું હતું કે, ફેમીલી ફિઝીશીયન હોવાથી હોમ આઈસોલેશનવાળા દર્દીઓને જોઈએ છીએ. ઓક્સિજનના પેરામીટર જોઈએ છીએ. પણ ઇન્જેક્શનની વાત આવે એટલે લાચાર થઈ જઈએ છીએ. હોમ આઈસોલેશનના દર્દીને આપવા ના પાડી હોવાથી દર્દીને ફરજીયાત ઇન્જેક્શન માટે દાખલ કરવા પડે છે. અને હોસ્પિટલોમાં તો જગ્યા નથી મળી રહી. જયારે હોસ્પિટલો હાઉસફૂલ હોય ત્યારે તંત્ર આ મામલાને ગંભીરતાથી લે તે જરૂરી છે. હજારો દર્દીઓ ગંભીર અવસ્થામાં છે અને હોસ્પિટલમાં દાખલ થઇ શકે તેવી પરિસ્થિતીમાં નથી.

ગાઈડલાઈન મુજબ હોમઆઈસોલેશનના દર્દીને ઇન્જેક્શનની જરૂર પડતી નથી
ડો.આર.સી.જૈનએ જણાવ્યું હતું કે, જે દર્દીનું ઓક્સિજન લેવલ 90 થી નીચે જાય, શ્વાસમાં તકલીફ હોય તેને જ રેમડેસિવિર ઇન્જેક્શન અપાય છે. પરંતુ સામાન્ય રીતે હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીનું ઓક્સિજન લેવલ 90 ની ઉપર જ હોય છે એટલે જ ઘરે સારવાર અપાય છે. પરંતુ જો દર્દીની સ્થિતિ બગડતી જણાય તો હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. પરંતુ જો પરિસ્થીતિ વધારે બગડે તેવુ હોય તેવા દર્દીઓને તંત્ર ધ્યાનથી લે તે જરૂરી છે.

ઇન્જેક્શન મેળવવા કરતા યુદ્ધ કરવું સરળ છે
હોમ આઈસોલેશનમાં રહેલા વરિયાવ ખાતે રહેતા દર્દીના સંબંધી યોગેશએ જણાવ્યું હતું કે, તેના પિતાને સામાન્ય લક્ષણોને કારણે ઘરે જ રખાયા હતા. પરંતુ તેમની તબિયત અચાનક બગડતા અમારા ફેમેલી તબીબે રેમડેસિવિર ઇન્જેક્શન આપવા કહ્યું હતું. આ ઇન્જેક્શન લેવા ગયો ત્યારે ખબર જ નહોતી કે જાણે યુદ્ધ કરવા જઈ રહ્યો છું. ત્રણ દિવસ ફર્યા બાદ બ્લેકમાં એક વ્યક્તિ પાસેથી 7000 માં ખરીદી કર્યું હતું. મારા જેવા સેંકડો એવા દરદીઓ છે જેઓને હોસ્પિટલમાં પ્રવેશ મેળવ્યો નથી પરંતુ તેમના પરિવારજનો કટોકટ હાલતમાં છે અને તેઓ રેમડીસિવીર શોધી રહ્યા છે. બોક્સ….

ઇન્જેક્શન માટે દાખલ કરાવ્યા ત્યારે વ્યવસ્થા થઈ
ભટાર ખાતે રહેતા મેહુલ પટેલએ જણાવ્યું હતું કે, તેના દાદાને તેમના ફેમેલી ડોક્ટરે હોમ આઈસોલેશનમાં રાખ્યા હતા. તેમનું ઓક્સિજન લેવલ 89-90 બચાવતું હતું. જેથી એકદમ દાખલ કરવાની જરૂર નહોતી. પણ ડોક્ટરે રેમડેસિવિર ઇન્જેક્શન લખી આપ્યું કે જેથી રાહત થશે. હું ઇન્જેક્શન શોધવા નીકળ્યો તો ક્યાય પણ મળતું નહોતુ. બે દિવસ લાઈનોમાં ઉભો રહ્યો તો પણ નંબર નહીં આવ્યો. અંતે દાખલ કરાવ્યા ત્યારે હોસ્પિટલમાંથી વ્યવસ્થા થઈ શકી હતી.

Most Popular

To Top