ગાંધીનગર : રાજ્યમાં કોરોનાને ( CORONA) કારણે સ્થિતિ ખૂબ જ વિસ્ફોટક બની છે. બીજી તરફ લગ્નની સિઝન પણ ચાલી રહી હોવાથી લગ્ન પ્રસંગો પણ યોજાઈ રહ્યા છે. આ લગ્ન પ્રસંગમાં કોરોનાની ગાઈડલાઈનનું ચોક્કસ પણે પાલન કરવાનું રહેશે, ગમે ત્યારે પોલીસ ચેકિંગ હાથ ધરશે જો વધુ લોકો જણાશે તો ગુનો દાખલ કરવામાં આવશે.રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ તમામ પોલીસ વડાઓને આદેશ કર્યો છે કે, લગ્નમાં ૫૦થી વધુ સંખ્યામાં લોકો હાજર ન રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. સાથે જ પોલીસ દ્વારા જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે, કોરોનાની મહામારીની ગંભીરતાને ધ્યાને લઇ લોકોએ પણ સ્વયંભૂ સરકારની ૫૦ વ્યક્તિઓની હાજરીની ગાઈડલાઈનનું પાલન કરે. જો કોઈ જગ્યાએ આ ગાઈડલાઈન ( GUIDELINE) નો ભંગ થતો ધ્યાને આવશે, તો પોલીસ દ્વારા ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રાજ્યમાં કોરોનાના નવા કેસની સંખ્યા 12,553 પર પહોંચી ગઈ છે. જ્યારે આજે એક જ દિવસમાં કુલ 125 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે, આજે સુરત શહેરમાં સૌથી 25 મૃત્યું સાથે રાજ્યમાં કુલ 125 મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 5,740 પર પહોંચ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ શહેરમાં 4821, સુરત શહેરમાં 1849 વડોદરા શહેરમાં 475, રાજકોટ શહેરમાં 397, ભાવનગર શહેરમાં 149, ગાંધીનગર શહેરમાં 171, જામનગર શહેરમાં 307 અને જૂનાગઢ શહેરમાં 93 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 491, બનાસકાંઠામાં 227, ભરૂચમાં 206, વડોદરા ગ્રામ્ય 265, જામનગર ગ્રામ્ય 202, કચ્છમાં 200 પાટણમાં 185, તાપીમાં 135, રાજકોટ ગ્રામ્યમાં 119, ખેડા 117, દાહોદમાં 115, ભાવનગર ગ્રામ્યમાં 111, ગાંધીનગર ગ્રામ્યમાં 110, નર્મદામાં110 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 84,126, વેન્ટિલેટર ઉપર 361 અને 83,765 દર્દીઓ સ્ટેબલ છે.
સીએમ વિજય રૂપાણી કહે છે કે રેમડેસિવિર ઈન્જેકશનો ( REMDESIVIR INJECTION) પહેલા હોસ્પિટલોને આપવામાં આવશે. ત્યાર બાદ વધે તો હોમ આઈસોલેશનમાં સારવાર લેતા દર્દીઓને અપાશે.ગાંધીનગરમાં કોરોનાની વેકિસનનો પ્રથમ ડોઝ લીધા બાદ રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે, રેમડેસિવિરનું ઉત્પાદન જ ઓછું છે. આખા દેશમાં તંગી છે, જે આવે છે એમાં પહેલા હોસ્પિટલની જરૂરિયાતને ધ્યાનમાં લેવાશે, કેમ કે દાખલ થયેલા દર્દીઓ વધુ ગંભીર માની શકાય. તેમણે જણાવ્યું હતું કે રેમડેસિવિર માટે સરકાર પહેલા હોસ્પિટલને આ ઈન્જેકશન આપશે . આ ઈન્જેકશનનું ઉત્પાદન વધશે ને વધારે જથ્થો આવશે તો અમે હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ માટે આપીશું, બાકી નહીં આપી શકીએ. બીજી તરફ હોસ્પિટલ અને નર્સિગ એસો.ના સત્તાવાર સૂત્રોએ એવી રજૂઆત કરી હતી કે સરકારે ઘરે કોરોનાની સારવાર લેતા દર્દીઓને પણ રેમડેસિવિર ઈન્જેકશન આપવા જોઈએ.આ ઉપરાંત સરકારે વહેલી તકે હોસ્પિટલોને ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવો જોઈએ.