Sports

રસેલ-કમિન્સનો તડાફડી છતાં સીએસકે 18 રને જીત્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની આજે અહીં રમાયેલી 15મી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે ઋતુરાજ ગાયકવાડની અર્ધસદી અને ફાફ ડુ પ્લેસિની નોટઆઉટ 95 રનની ઇનિંગની મદદથી મુકેલા 221 રનના લક્ષ્યાંક સામે આન્દ્રે રસેલ તેમજ પેટ કમિન્સની ધમાકેદાર ઇનિંગ છતાં કેકેઆર 202 રને ઓલઆઉટ થતાં સીએસકેનો 18 રને વિજય થયો હતો.

લક્ષ્યાંક આંબવા મેદાને પડેલા કેકેઆરની શરૂઆત ઘણી ખરાબ રહી હતી છઠ્ઠી ઓવરમાં 31 રનના સ્કોરે તેમની પાંચ વિકેટ પડી ગઇ હતી. તે પછી રસેલ અને દિનેશ કાર્તિકે મળીને 6 ઓવરમાં 81 રનની ભાગીદારી કરીને સ્કોર 112 પર પહોંચાડ્યો હતો અને એ સ્કોર પર રસેલ આઉટ થયો હતો. તેણે 22 બોલમાં 3 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા. કાર્તિક 24 બોલમાં 40 રન કરીને આઉટ થયો હતો. કમિન્સે તે પછી 23 બોલમાં અર્ધસદી ફટકારીને કેકેઆરની જીતની આશા જગાવી હતી. જો કે અંતિમ ઓવરમાં 20 રન કરવાના આવ્યા હતા ત્યારે પહેલા બોલે જ પ્રસિદ્ધ કૃષ્ણા રનઆઉટ થઇ જતાં તેમનો દાવ 202 રને સમેટાઇ જતાં સીએસકેનો 18 રને વિજય થયો હતો.

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી સીએસકેને ગાયકવાડ અને ડુ પ્લેસિની જોડીએ 115 રનની ભાગીદારી કરીને જોરદાર શરૂઆત અપાવી હતી. ગાયકવાડ 42 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની સાથે 64 રન બનાવી આઉટ થયો હતો. ડુ પ્લેસિ અને મોઇન અલીએ 25 બોલમાં 50 રનની ભાગીદારી કરીને સ્કોર 165 સુધી લઇ ગયા ત્યારે મોઇન અલી નરેનનો શિકાર બન્યો હતો. તે પછી ધોની બેટિંગમાં ઉતર્યો હતો, અને તે 8 બોલમાં 17 રન કરીને આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 19 ઓવરમાં 201 રન થયો હતો અને તે પછી અંતિમ ઓવરમાં ત્રણ છગ્ગા સાથે 19 રન આવતા સીએસકેનો સ્કોર 3 વિકેટે 220 રન થયો હતો. ડુ પ્લેસિ 95 રને નોટઆઉટ રહ્યો હતો.

Most Popular

To Top