મહારાષ્ટ્ર સહિત દેશના ઘણાં રાજ્યોમાં હવે ઓક્સિજનની તંગીની બૂમ ઉઠી છે. બીજા વેવમાં ઑક્સિજનની કટોકટીને લીધે હૉસ્પિટલમાં દર્દીઓનું પ્રમાણ વધ્યું છે અને બેડ, દવાઓ, રેમડેસિવિર બાદ હવે ઑક્સિજનની તકલીફ ઊભી થઈ છે. નીતિ આયોગના સભ્ય ડૉ. વી કે પૌલે ઑક્સિજનનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે દેશમાં રોજ 7500 મેટ્રિક ટન ઑક્સિજનનું ઉત્પાદન થાય છે અને એમાંથી 6600 મેટ્રિક ટન તબીબી હેતુ માટે રાજ્યોને ફાળવાય છે.
ઑક્સિજન વિતરણને લઈને આજે દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સામસામે આક્ષેપબાજીમાં પડ્યા હતા અને પોતાનો ક્વોટા વધારવાની માગ કરી હતી. આજે દિલ્હીની સર ગંગા રામ સિટી હોસ્પિટલ સહિતની ઘણી હૉસ્પિટલે કહ્યું કે એમની પાસે બેથી 5 કલાક ચાલે એટલો જ ઑક્સિજન છે. બાદમાં સાંજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીનો ઑક્સિજન ક્વોટા વધારી દેવાયો છે અને એ માટે તેમણે કેન્દ્રનો આભાર માન્યો હતો.
ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ આક્ષેપ કર્યો કે હરિયાણા સરકાર દિલ્હીને ઑક્સિજન સપ્લાય રોકી રહી છે પણ હરિયાણાએ આક્ષેપનો ઇનકાર કર્યો હતો. મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે રાજ્ય 1550 મેટ્રિક ટન ઑક્સિજનથી ચલાવે છે. લાતુરમાં એક ખાનગી હૉસ્પિટલે ઑક્સિજનની અછતનો દાવો કર્યા બાદ કોરોનાના દર્દીઓના સગાઓ રસ્તા પર આવી ગયા હતા. ઘણે ઠેકાણે દર્દીઓના સગાઓ પણ ઑક્સિજન સિલિન્ડર્સ રિફિલ માટે રઝળપાટ કરતા દેખાયા હતા.રેલવેએ કહ્યું કે તે ઉત્તર પ્રદેશ સરકારની વિનંતી પર બીજી ઑક્સિજન એક્સપ્રેસ ટ્રેન દોડાવશે. મધ્ય પ્રદેશથી પણ આવી વિનંતી મળી છે.
કેન્દ્ર સરકાર કઈ પણ કરીને હોસ્પિટલોમાં ઝડપી ઑક્સિજન સપ્લાય કરે : દિલ્હી હાઇકૉર્ટ
દિલ્હી હાઈકૉર્ટે બુધવારે કેન્દ્રને દિલ્હીમાં કોરોનાના ગંભીર દર્દીઓની સારવાર કરી રહેલી હોસ્પિટલોને ગમે તે રીતે ઑક્સિજન આપવાનો આદેશ આપ્યો હતો. વાત માત્ર દિલ્હીની નથી. સમગ્ર દેશ માટે કેન્દ્ર શું કરે છે? હાઈકોર્ટે કહ્યું કે, કેન્દ્ર પરિસ્થિતિની ગંભીરતાને કેમ જાગતું નથી? અમે આઘાત અનુભવીએ છીએ, હોસ્પિટલોમાંથી ઑક્સિજન પૂર્ણ થઈ જાય છે પરંતુ સ્ટીલ પ્લાન્ટ ચાલે છે. હાઇકૉર્ટે કહ્યું કે, ઑક્સિજનની આયાત ન થાય ત્યાં સુધી સ્ટીલ અને પેટ્રોલિયમ સહિતના ઉદ્યોગો ઓછી ક્ષમતા પર ચાલશે તો સ્વર્ગમાં કોઈ ઘટાડો થશે નહીં.
રજાના દિવસે સુનાવણી હાથ ધરી રહેલા ન્યાયાધીશ વિપિન સંઘી અને ન્યાયાધીશ રેખા પલ્લીની બૅન્ચે જણાવ્યું હતું કે, ઑક્સિજન સપ્લાયની ખાતરી કરવાની જવાબદારી કેન્દ્ર સરકારના ખભા પર છે અને જો જરૂરી જણાય તો સ્ટીલ અને પેટ્રોલિયમ સહિતના ઉદ્યોગોને ઑક્સિજનનો પુરવઠો તબીબી ઉપયોગ માટે લેવામાં આવી શકે છે. બૅન્ચે જણાવ્યું હતું કે, સ્ટીલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગોનો ઑક્સિજનનો પુરવઠો હોસ્પિટલને આપવામાં આવે તો જરૂરીયાતો પૂરી થઈ શકે છે. જો ટાટા સ્ટીલ પ્લાન્ટ માટે તૈયાર કરેલો ઑક્સીજન તબીબી ઉપયોગ માટે આપી શકે તો અન્ય કેમ નથી કરી શકતા? શું માનવતાની કોઈ સમજ બાકી છે કે નહીં.