Sports

આખરે સનરાઇઝર્સે જીતનું ખાતુ ખોલાવ્યું : પંજાબ કિંગ્સને 9 વિકેટે હરાવ્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનમાં પોતાની પહેલી ત્રણેય મેચ હાર્યા પછી આખરે સનરાઇઝર્સ હૈદરાબાદે આજે અહીં રમાયેલી પંજાબ કિંગ્સ સામેની મેચમાં જીતનું ખાતું ખોલાવ્યું હતુ. પહેલા ખલીલ અહેમદની આગેવાનીમાં સનરાઇઝર્સના બોલરોએ કરેલા જોરદાર પ્રદર્શનને કારણે પંજાબ કિંગ્સની ટીમ 120 રનમાં ઓલઆઉટ થઇ હતી, અને તે પછી જોની બેયરસ્ટોની નોટઆઉટ અર્ધસદીની મદદથી 18.4 ઓવરમાં 1 વિકેટના ભોગે લક્ષ્યાંક કબજે કરીને મેચ 9 વિકેટે જીતી લીધી હતી.

121 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને કેપ્ટન ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોની જોડીએ મજબૂત શરૂઆત અપાવી હતી અને બંનેએ મળીને પહેલી વિકેટની ભાગીદારીમાં 73 રન જોડ્યા હતા. વોર્નર જો કે 37 રન બનાવીને આઉટ થયો હતો. બેયરસ્ટોએ તે પછી આ સિઝનમાં પોતાની પહેલી મેચ રમી રહેલા કેન વિલિયમ્સનની સાથે મળીને ટીમને પહેલી મેચ જીતાડી હતી. બેયરસ્ટો 63 જ્યારે વિલિયમ્સન 16 રન કરીને નોટઆઉટ રહ્યા હતા.

આ પહેલા પંજાબ કિંગ્સે ટોસ જીતીને પહેલા દાવ લેવાનો નિર્ણય કર્યો હતો. જો કે સનરાઇઝર્સના બોલરોએ તેમનો એ નિર્ણય ખોટો ઠેરવ્યો હતો. પંજાબ કિંગ્સે 100 રનના સ્કોરની અંદર પોતાની ટોપ ઓર્ડરની 6 વિકેટ ગુમાવી દીધી હતી. કોઇ પણ ખેલાડી મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. પંજાબ વતી મયંક અગ્રવાલ અને શાહરૂખ ખાને સર્વાધિક 22-22 રન કર્યા હતા.

Most Popular

To Top