એવું ઘણી વખત કહેવામાં આવે છે કે શેરબજારનો ઓક્સિજન બજારની સેન્ટિમેન્ટ્સમાંથી આવે છે. જો કે કોઇ કંપનીના નામમાં ઑક્સિજન હોય તેટલા માત્રથી જ તે કંપનીનો શેર ઉછળે તેવું બને ખરૂં? પરંતુ આ કોરોનાના રોગચાળાના સમયમાં આ પણ શક્ય બની ગયું છે કારણ કે દેશમાં ચારે બાજુ જીવન રક્ષક વાયુ ઑક્સિજનની તંગીનો કાળો કકળાટ મચી ગયો છે.
મુંબઇ શેરબજારમાં હાલ કેટલીક એવી કંપનીના શેરો ભારે ઉછળ્યા હતા જે કંપનીઓના નામમાં ઓક્સિજન કે ગેસ જેવા શબ્દો આવતા હતા, પછી ભલે ને તે કંપનીને ઓક્સિજનના ઉત્પાદન સાથે કંઇ લેવા દેવા નહીં હોય! બીએસઇ પર આજે બોમ્બે ઓક્સિજન ઇન્વેસ્ટમેન્ટ લિ. નામની એક કંપનીનો શેર રૂ. ૨૪૫૭૪.૮પની તેની અપર સર્કિટ લિમિટને હિટ કરી ગયો હતો, જો કે આ શેર સર્વેલન્સ હેઠળ હોવાથી મહત્તમ પ ટકા જ ગેઇન માન્ય હતો. આવુ જ અન્ય કેટલાક બહુ જાણીતા નહીં તેવા શેરોની બાબતમાં બન્યું હતું જેમના નવા કે જૂના નામોમાં ગેસ કે ઓક્સિજન શબ્દ આવતો હતો, આ શેરો પણ ઉછળ્યા હતા અને તેમાં કંઇક ખોટું થયું હોવાની સંભાવના જોતા આ તમામ શેરોને પણ તપાસ હેઠળ મૂકવામાં આવ્યા છે.
બોમ્બે ઓક્સિજન ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ નામની કંપની મૂળ તો ઓકટોબર ૧૯૬૦માં બોમ્બે ઓક્સિજન કોર્પોરેશન લિમિટેડના નામથી રચાઇ હતી. તે સમયે આ કંપની ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે વાયુઓના ઉત્પાદનનો ધંધો કરતી હતી. જો કે સમય જતાં તેણે ધંધો બદલ્યો હતો અને ફાયનાન્સના ધંધામાં ઝંપલાવ્યું હતું અને ઓક્સિજનના ઉત્પાદનનો ધંધો બંધ કરી દીધો હતો.
જો કે તેનો શેર હજી પણ તેના જૂના બોમ્બ ઓક્સિજનના નામે જાણીતો હતો. છેલ્લા કેટલાય દિવસથી આ શેર ખૂબ ઉછળી રહ્યો હતો અને માર્ચના અંતમાં તેનો ભાવ રૂ. ૧૦૦૦૦ પર પહોંચ્યો હતો જે હાલમાં તો તેના બમણા કરતા પણ વધારે થઇ ગયો હતો! બજારના નિષ્ણાતો કહે છે કે આવા ઉછાળાનું એક માત્ર કારણ આ શેરનું નામ છે!