Sports

ધવનની ધમાલ, દિલ્હીએ પંજાબને 6 વિકેટે હરાવ્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ડબલ હેડરની આજે રમાયેલી બીજી મેચમાં પંજાબ કિંગ્સે કેપ્ટન લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલની અર્ધસદીઓ અને બંને વચ્ચે થયેલી શતકીય ઓપનીંગ ભાગીદારીની મદદથી મુકેલા 196 રનના લક્ષ્યાંકને શિખર ધવનની 92 રનની ઇનિંગની મદદથી 18.2 ઓવરમાં 4 વિકેટે દિલ્હી કેપિટલ્સે કબજે કરીને મેચ 6 વિકેટે જીતી લીધી હતી.

લક્ષ્યાંક આંબવા માટે મેદાને પડેલી દિલ્હી કેપિટલ્સને શિખર ધવન અને પૃથ્વી શોએ 59 રનની ભાગીદારી કરીને મજબૂત શરૂઆત અપાવી હતી. પૃથ્વી 17 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 32 રન કરીને આઉટ થયો હતો. સ્ટીવ સ્મિથ પોતાને મળેલી તકનો ફાયદો ઉઠાવી શક્યો નહોતો અને માત્ર 9 રન કરીને તે આઉટ થયો હતો. ધવન 49 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 92 રન કરીને આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 14.5 ઓવરમાં 152 રન હતો અને તે પછી બાકીનું કામ માર્કસ સ્ટોઇનીસ, ઋષભ પંત તેમજ લલિત યાદવે મળીને પુરૂ કર્યું હતું.

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સને રાહુલ અને મયંકે મળીને જોરદાર શરૂઆત અપાવી 12.4 ઓવરમાં બોર્ડ પર 122 રન મુકી દીધા હતા. અગ્રવાલે 36 બોલમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 69 જ્યારે રાહુલ 51 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 61 રન બનાવ્યા હતા. જો કે તે પછી દિલ્હી કેપિટલ્સના બોલરોએ કસેલી લગામને કારણે 20 ઓવરના અંતે તેમનો સ્કોર 4 વિકેટે 195 રન થયો હતો.

Most Popular

To Top