ઇઝરાઇલમાં રવિવારથી ઘરની બહાર માસ્ક પહેરવાનો નિયમ દૂર કરવામાં આવશે. જેની આરોગ્યમંત્રી યુલી ઍડલસ્ટેઇને ગુરુવારે જાહેરાત કરી હતી. ઍડલસ્ટેઈને ગુરુવારે એક નિવેદનમાં કહ્યું કે, તેમણે મંત્રાલયના ડાયરેક્ટર જનરલ હેજી લેવીને માસ્ક પહેરવાના પ્રતિબંધને રદ કરવાના આદેશ પર હસ્તાક્ષર કરવા સૂચના આપી છે.
આ નિર્ણય આરોગ્ય મંત્રાલયની ભલામણ હેઠળ લેવામાં આવ્યો હતો કે, કોરોનાના દર્દીઓની સંખ્યા ઓછી હોવાને કારણે હવે ઇઝરાઇલમાં ઘરની બહાર માસ્ક પહેરવાની જરૂર નથી. પરંતુ, ઘરની અંદર હજુ પણ માસ્ક પહેરવાની જરૂરત રહેશે.
યુલી ઍડલસ્ટેઈને કહ્યું કે, ઇઝરાઇલમાં સફળ રસીકરણના કારણે કોરોના દર્દીઓની સંખ્યા ઘણી ઘટી ગઈ છે. જેથી નાગરિકો માટેના પ્રતિબંધોમાં ઘટાડો કરી શકીએ છીએ.
ઇઝરાઇલે દેશમાં કોરોના મહામારીની શરૂઆત થયાના એક મહિના પછી એપ્રિલ 2020ની શરૂઆતથી ઘરની બહાર ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું હતું.