SURAT

શહેરમાં દરરોજ 60 ટન ઓક્સિજનનો વપરાશ : છેલ્લા 10 દિવસમાં 550 ટન ઓક્સિજન વપરાયો

સુરત: (Surat) શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલ અને અન્ય બિલ્ડિંગમાં દાખલ દર્દીઓ માટે દરોજ 55 થી 60 ટન ઓક્સિજન (Oxygen) વપરાઇ રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં જ 550 ટન ઓક્સિજન વપરાયો હોવાનું જાણવા મળ્યું છે. આ ઓક્સિજન હોસ્પિટલમાં (Hospital) ઇન્સ્ટોલ કરાયેલી 49 હજાર લીટરની ટેન્ક મારફતે સપ્લાય કરવામાં આવી રહ્યો છે.

નવી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે તબક્કાવાર આધુનિક ટેન્ક ઈન્સ્ટોલ કરવામાં આવી છે. જેમાં જૂની બિલ્ડિંગ તથા કિડની હોસ્પિટલમાં ૧૩,૦૦૦-૧૩૦૦૦ લિટરની ટેન્કો જયારે સ્ટેમ સેલ કોવિડ બિલ્ડિંગમાં ૧૭,૦૦૦ની ટેન્ક ઉપરાંત વધારાની ૬૦૦૦ લિટરની ક્ષમતાવાળી ઓક્સિજન ટેન્ક સ્થાપિત કરવામાં આવી છે. આમ કુલ ૪૯,૦૦૦ લીટર ઓક્સિજન ટેન્કોની ક્ષમતા સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. પૂરતી માત્રામાં લિક્વિડ ઓક્સિજન ટેન્ક દ્વારા ફ્લોલેસ ઓક્સિજનની વ્યવસ્થા ઉપલબ્ધ થતાં કોરોનાગ્રસ્ત દર્દીઓની વધુ સારી રીતે સારવાર શક્ય બની છે. લિક્વિડ ઓક્સિજનની સાથોસાથ દર્દીઓને એમ્બ્યુલન્સમાં, એક વોર્ડથી બીજા વોર્ડમાં શિફ્ટ કરવા, ટ્રાન્સપોર્ટ, લિફ્ટમાં અવરજવર દરમિયાન રોજના ૩૦૦ થી ૪૦૦ ઓક્સિજન બોટલોનો વપરાશ થઈ રહ્યો છે.

દરેક કોરોના સંક્રમિત દર્દીઓના બેડ સુધી જરૂરિયાત મુજબ પૂરતી માત્રામાં ઓક્સિજન મળી રહે તે માટે હોસ્પિટલ તંત્ર સજ્જ છે. ઓક્સિજન સુવિધાના કારણે ક્રિટિકલ કન્ડિશનના દર્દીઓની સઘન સારવાર કરી તેમને ઝડપથી સ્વસ્થ કરવામાં મદદ મળી રહી છે. સ્ટોરેજ કેપેસિટી વધવાથી વધુ સમય માટે ઓક્સિજનનો સ્ટોરેજ રાખી શકાય છે. હાલ તમામ ટેન્કોને દિવસમાં સરેરાશ બે વાર રિફીલ કરવામાં આવે છે.

સિવિલમાં 2700 ઇન્જેક્શનની ફાળવણી

સુરતઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દર્દીઓને બચાવવા માટે તેમને સંબંધી રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવા માટે પળાપળી કરી રહ્યા છે. દરમિયાન નવી સિવિલમાં કરવામાં આવેલી વ્યવસ્થા દ્વારા આજે 2700 ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવી હતી.
શહેરમાં કોરોનાના દર્દીઓ માટે હાલમાં રેમડેસીવીર ઇન્જેક્શનની ભારે જરૂર છે. પોલીસે આજે ઇન્જેક્શનના કાળા બજારીયાઓને પણ પકડી પાડ્યા છે. ઇન્જેક્શનની કાળા બજારી ન થાય અને દર્દીના સંબંધીઓને ધક્કે ન ચઢવા પડે તે માટે કલેક્ટર દ્વારા નવી સિવિલમાંથી હોસ્પિટલના અધિકૃત વ્યક્તિને ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવી રહી છે.

આજે નવી સિવિલમાંથી ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે વધુ 2700 ઇન્જેક્શનોની ફાળવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકા દ્વારા પ્રતિદિન તબક્કાવાર ઇન્જેક્શનનો સ્ટોક ફાળવવામાં આવતો હોવાથી હવે ધીમે ધીમે હાલાકી ઘટના દર્દીના પરિવારને પણ રાહત થઈ રહી છે. આજે પણ નવી સિવિલમાંથી 98 ખાનગી હોસ્પિટલના અધિકૃત માણસો આવીને ઇન્જેક્શન લઈ ગયા હતા. જેને પગલે આ 98 હોસ્પિટલમાં દાખલ દર્દીના સંબંધીઓને નવી સિવિલ સુધી આવવું પડયું નહોતું. જેથી કલેક્ટર દ્વારા આ 98 ખાનગી હોસ્પિટલનું અભિવાદન કરાયું હતું.

Most Popular

To Top