હમણાં અમારા નિકટનાં સ્વજન ગીતા નાયકે વિદાય લીધી. આમ તો તેઓ કોઇ એવું જાહેર વ્યકિતત્વ ન હતું કે અનેક લોકો એમને સ્મરીને આંખ ભીની કરે. તેમણે તીવ્ર સાહિત્યપ્રીતિથી અને સુરેશ જોષી પ્રત્યેના ન બુઝાય તેવા આદરભાવથી જે પ્રવૃત્તિઓ આદરી અને એ નિમિત્તે જે સાહિત્યસર્જકો, ચિત્રકાર, નાટ્યસર્જકો, ફિલ્મ અભ્યાસીઓનું વર્તુળ રચ્યું એ જ એમનો નાનો પણ અત્યંત સમૃધ્ધ સમાજ હતો.
એવો સમાજ જેની ગરજ દરેક સમયે રહે છે. બહુ બોલકા, પ્રસિધ્ધિ અને પુરસ્કાર માટે સતત લાલયિતભાવે પ્રવૃત્તિ કરનારા ને પોતે સમયના કયા બિન્દુએ ઊભા છે તેનું પૃથક્કરણ વિના બસ આત્મરત. સાહિત્યકાર, કલાકારો તો ચોમાસામાં ફૂટી નીકળતા ઘાસ જેમ બધેબધ છે. ગીતા-ભરત નાયક અને તેમના મિત્રો-સ્વજનોની પ્રવૃત્તિ એ બધાથી બહુ ભિન્ન હતી અને તેમણે સાહિત્ય ક્ષેત્રે એક આખું આંદોલન ખડું કરી દીધું અને પછી નિ:સ્પૃહભાવે તેમાંથી બહાર પણ નીકળી ગયાં. માન-અકરામથી પોતાને ભ્રષ્ટ ન થવા દીધાં. જે ધોરણની પ્રવૃત્તિ ઇચ્છતાં હતાં તે થઇ એ જ માન-અકરામ.
ગીતા નાયકની મૂળ અટક ચુડગર-મુંબઇમાં જ ઉછેર, મુંબઇમાં જ કોલેજ અભ્યાસ, મુંબઇમાં જ અધ્યાપન, મુંબઇમાં જ આપણા ભરત નાયક સાથે પ્રેમ અને લગ્ન. બંને વચ્ચેની લાગણીના કારણમાં સાહિત્યપ્રીતિ બાકી સવારથી સાંજ સુધીમાં, ‘ભરત તારી આ વાત ખોટી, ના, આ ચાલે નહીં’ એવી દલીલો થાય ને સામે, ‘અરે ગીતા, તું કેમ સમજતી નથી?’ એવા ઉપાલંભ થાય. આજે એ ભરત નાયક અમારા એ ગીતાભાભી વડે મૃત્યુને સમજવામાં સ્તબ્ધ છે. બહુ બોલનારા, દલીલ કરનારા ગીતાભાભીએ મૌન લઇ લીધું છે.
હા, અહીં હું અંગત લાગણીઓ પ્રગટ કરી રહયો છું પણ અન્યથા લખી શકું એમ પણ નથી. સાહિત્યની પ્રવૃત્તિ કેવી રીતે થાય તેનું અનુપમ ઉદાહરણ ગીતા-ભરત નાયક છે. જેમણે ‘ગદ્યપર્વ’ના અંકો જોયા છે, જેમણે ‘સાહચર્ય’ વાર્ષિકી જોયું છે ને જેઓ ‘સાહચર્ય’ લેખન શિબિરના સમૃધ્ધ ત્રીસ વર્ષને જાણે, પ્રમાણે છે અને જેમણે સાહચર્ય પ્રકાશનના પુસ્તકો જોયાં છે તેઓને ગીતા-ભરત નાયકની અપૂર્વ દૃષ્ટિ પ્રવૃત્તિનો પરિચય ન આપવો પડે. મારી સામે આજે પણ મુંબઇના ઘાટકોપરની રામજી આશર શાળાનું ચોગાન છે. 1988ના એ વર્ષે ‘ગદ્ય પર્વ’નો પ્રથમ અંક લોક કથાકાર- ગાયક કાનજી ભુરા બારોટના હસ્તે વહેતો મુકાયેલો. કોઇ પાસે કાંઇ ઝાઝા પૈસા નહોતા પણ ગુજરાતી સાહિત્યમાં, વિશેષ કરી ગદ્યમાં નવોન્મેષભરી પ્રવૃત્તિ કરવી હતી. ગીતા નાયક અને ભરત નાયક કોલેજમાં અધ્યાપક. ઘાટકોપરમાં નાનકડો ફલેટ પણ એવો નાનો કદી નહીં જેમાં મિત્રો ન સમાય. ખાણી-પીણીની મૌજ વચ્ચે કૃતિ વાંચન થાય. ચર્ચા થાય ને એમ કરતાં કઇ દિશામાં આપણે જવું તેની ગોઠ બેસતી જાય.
12- ચેતન એ રાજાવાડીમાં કલાકો સુધી જેઓ ગોષ્ઠિ માંડતા હતા તેમાં નીતિન મહેતા, કરમશી પીર, વીરચંદ ધરમશી, જયંત પારેખ, કમલ વોરા, મહેન્દ્ર જોષી, પ્રબોધ પરીખ, પ્રાણજીવન મહેતા અને પછી ઉમેરાતા ગયા તે અરુણ અડાલજા, નૌશીલ મહેતા, મનોજ શાહ, પીયૂષ શાહ. જો મુંબઇ આવી ચડયા હોય તો ચિત્રકાર ગુલામ મોહમ્મદ શેખ, ભૂપેન ખખ્ખરની ય બેઠક જામે. અતુલ ડોડિયા તેમાં જોડાઇ ચૂકેલા અને ‘મંડળી મળવાથી થતા લાભ’ રૂપે ‘ગદ્ય પર્વ’ આરંભાયું તે 2008 લગી પ્રગટ થતું રહયું. અપૂર્વ ગદ્યલીલાસભર તેના અંકોના મુખપૃષ્ઠ તૈયબ મહેતા, શેખ સાહેબ, ભૂપેન ખખ્ખર, અતુલ ડોડિયાથી માંડી અનેકનાં ચિત્રોરૂપે હોય.
આ ‘ગદ્યપર્વ’ ગુજરાત જ નહીં દેશનું એકમાત્ર એવું સામયિક છે જેને વર્કશોપ મેગેઝિન ગણી શકો. જે આવે તે વાર્તા છાપવાની નહીં. તે વંચાય અને તેમાં રહેલી વિશેષતા- મર્યાદાનું પૃથક્કરણ થાય. વાર્તાના લેખક જોડે ચર્ચા થાય ને તેનું આખરી રૂપ પ્રગટ થાય પછી છપાય. આ પ્રવૃત્તિ, પ્રક્રિયાએ જ સાહચર્ય લેખન શિબિરની કલ્પના સંભવી. 1988માં તે પ્રથમ વાર ચીંચણ દરિયાકાંઠે મળી. આ શિબિરથી કાનજી પટેલ, અજિત ઠાકોર, કિરીટ દૂધાત, હર્ષદ ત્રિવેદી, બિન્દુ ભટ્ટ, બિપિન પટેલ, રામચન્દ્ર પટેલ, ઉત્તમ ગડા, અજય સરવૈયા, હિમાંશી શેલત જેવાં ઉમેરાતાં ગયાં. આ બધાનાં સૂત્રધાર-આયોજક અમારા ગીતાભાભી. બધા જોડે આગોતરા ફોન કરી આ વખતે કયા સ્થળે શિબિર યોજી છે, કેટલા દિવસની છે ને અચૂક આવવાનું છે એવી જાણ અને લાગણીપૂર્વક દબાણ કરે. બધાએ ગાંઠના પૈસે આવવાનું, ખાવા-પીવાનું, રહેવાનું. જેણે જયાં બેસી લખવું હોય તે લખે. ગીતાભાભી ભોજનની વ્યવસ્થા કરે. દરેક વાનગી કાળજીપૂર્વક બનાવડાવે. પોતે મુંબઇથી ખાસ વાનગી લાવ્યાં હોય તે પણ પેલી રસોઇ સાથે પીરસાય. બપોરે મૌજમાં ભોજન બેઠક ને વળી લેખન. સાંજ પડતાં સુધીમાં દારૂ રસિકોએ દારૂની વ્યવસ્થા કરી હોય. જેને પીવું હોય તે પીએ પણ સાંજે જે કાંઇ લખાયું હોય તેનું વાંચન થાય, ચર્ચાઓ મંડાય. એ બેઠક પછી પેલો સર્જક પોતાનો ય મત પ્રગટ કરે. વળી તેની ચર્ચાને પછી પરિમાર્જન. આમાં ગીતાભાભીના કાન એકેએક શબ્દ પર હોય ને સમાંતરે વ્યવસ્થાની ય ચિંતા કરે. એમાં એવું કે ગીતાભાભીને ઘણાંને ખખડાવવાનું થાય ને બધાં સાંભળે. ઘણાંને થાય કે ગીતાભાભી જરા વધારે કરે છે, ખોટી આક્રમકતા દાખવે છે. તેઓ બોલવાનું ય બંધ કરે ને બીજી વખત શિબિરમાં નથી આવવું એવું ય પ્રણ લેવાય જે પ્રણ બીજા આયોજન પહેલાં કયારનું તૂટી ગયું હોય. ગીતાભાભી વિના એ શિબિરોની કલ્પના જ અશકય અને ‘ગદ્યપર્વ’ કે પછી ‘સાહચર્ય’ના અંકો ય અકલ્પ્ય.
આ ‘ગદ્ય પર્વ’, ‘સાહચર્ય’ શિબિર અને અંકો ઉપરાંત અનેક કાર્યક્રમોનાં આયોજનો થતાં રહયાં. સુરેશ જોષી, ઉમાશંકર જોશી, લાભશંકર ઠાકર, હરીશ મીનાક્ષુ જેવાં અનેકનાં વ્યાખ્યાન, કાવ્યપાઠ અને પુસ્તક વિમોચન પણ યોજાયાં. આ બધા એવા મિત્રો જે સાથે નાટક જુએ, ફિલ્મ ફેસ્ટિવલ્સની ફિલ્મો જુએ, ચિત્રકળા પ્રદર્શનોમાં નિયમિત જોવા મળે. ગીતા નાયક આ બધે જ હોય. તેમણે નિબંધો લખવા પછીથી શરૂ કર્યા અને ‘ઇલેક્ટ્રિક ટ્રેન’ નામે પ્રગટ થયા. કવિતાઓ લખી જે ‘વહેતું તેજ’ નામે પ્રગટ છે.
મુંબઇની સાહિત્ય-કળાની પ્રવૃત્તિઓમાં એક ઇતિહાસ રચાયો તેમાં કેન્દ્રમાં ગીતા-ભરત નાયક. એમની વાણીમાં વેગ, એમની ચાલમાં વેગ, એમની પ્રવૃત્તિમાં સ્થિરમતિ વેગ. તેમની સામે રહ્યા સુરેશ જોષી. સુ.જો.ની વિદાયનો અભાવ પૂરો કરવા, રસ-રૂચિ સંપન્ન પ્રવૃત્તિ કરવી. સાહિત્યનાં મૂલ્યો બાબતે સમાધાન વિના સક્રિય થવું અને સમરૂચિ સર્જકને તેમાં જોડવાં એ જ એક માત્ર હેતુ. જાત રેડીને આ હેતુ પાર પાડયો ને બસ સરકી ગયાં.