SURAT

હદ થઈ ગઈ સ્વાર્થીપણાંની! દર્દીઓ રેમડેસિવિર વિના મોતને ભેટી રહી છે અને કોર્પોરેટરોને સીધા મળી જશે

સુરત : એક તરફ સુરતમાં કોરોનાના ગંભીર દર્દીઓ માટે રામબાણ મનાતા રેમડેસિવિર ઈન્જેકશન મળતાં નથી. દર્દીઓના સગાઓ કલાકો લાઈનમાં ઉભા રહે છે અને છ ઈન્જેકશનના કોર્ષની સામે માંડ એક ઈન્જેકશન મળે છે. ઈન્જેકશનના અભાવે અનેક દર્દીઓ મોતને ભેટી ચૂક્યાં છે ત્યારે ‘દલા તરવાડી…’ની જેમ સુરત મહાપાલિકાએ પોતાના હાલના તેમજ માજી કોર્પોરેટરોની સાથે તમામ સ્ટાફ માટે રેમડેસિવિર ઈન્જેકશન સરળતાંથી અને એક સાથે છ આપવાનો પરિપત્ર જારી કરતાં મોટો વિવાદ થવા પામ્યો છે.

સુરતની 60 લાખ પ્રજાને બાજુ પર મુકીને ગણતરીના કોર્પોરેટરો અને કર્મચારીઓને ઈન્જેકશન વિનામૂલ્યે આપી દેવા સામે ભારે રોષની લાગણી ઉભી થવા પામી છે. આખા રાજ્યમાં હજુ સુધી એકપણ મહાપાલિકા દ્વારા આવો નિર્ણય લેવાયો હોવાનું ધ્યાનમાં નથી ત્યારે સુરત મહાપાલિકા દ્વારા લેવાયેલા આ નિર્ણય સામે ભારે વિરોધ ઉભો થયો છે.

એક બાજુ કોરોનાના હાહાકાર વચ્ચે કોરોનાના દર્દીઓ માટે સંજીવની સાબિત થઇ રહેલા રેમડેસિવિર ઇન્જેકશન માટે દર્દીના સ્વજનો દર દર ભટકી રહ્યાં છે. કલાકો સુધી ધોમધખતા તડકામાં લાઇનમાં ઉભા રહેવા છતા લોકોને રેમડેસિવિર ઇન્જેકશન મળતા નથી અને કાળા બજારમાં પાંચથી દસ હજાર રૂપિયા સુધીમાં વેચાઈ રહ્યાં છે.

બીજી બાજુ સુરત મહાનગર પાલિકાના કર્મચારીઓ, પૂર્વ કર્મચારીઓ તેમજ નગર સેવકો અને પૂર્વ નગર સેવકોને એટલે કે મનપાના લાલ કેસના લાભાર્થીઓને મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ક્વોટામાંથી રેમડેસિવિર ઇન્જેકશનના 6 ડોઝ વિનામૂલ્યે આપવાનો એક પરિપત્ર જારી કરી દેવામાં આવ્યો છે.

સુરત મહાપાલિકાના કોર્પોરેટરો તેમજ કર્મચારીઓ, પેન્શનરોને લાલકેસના લાભાર્થી તરીકે અન્ય આરોગ્યસેવાનો લાભ મળે તેનો ક્યારેય વાંધો હોઈ શકે નહી પરંતુ હાલમાં જે રીતે કોરોનામાં રેમડેસિવિર ઈન્જેકશન એ જીવન-મરણનો ખેલ થઈ ગયો છે તે જોતા આવી મહામારીના સમયમાં મનપા દ્વારા પોતાના માટે કરાયેલા સ્વાર્થી નિર્ણય ભારે ટીકાનો પાત્ર બન્યો છે. આ નિર્ણયમાં સ્મીમેરમાં સારવાર લેનાર માટે તો ઠીક પરંતુ મનપાના ક્વોટામાં સારવાર લઈ રહેલા કે પછી મનપાના ક્વોટામાં ખાનગી હોસ્પિટલમાં રિફર થતાં બાદ સારવાર લેતા દર્દીઓને પણ આ લાભ મળશે તેવી જોગવાઇને પગલે

‘આપ’ના નગર સેવકો રેમડેસિવિર ઇન્જેકશનની સુવિધાનો ત્યાગ કરશે : વિપક્ષી નેતા

સુરત મનપાના વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ આ મુદ્દે જાહેરાત કરી હતી કે, આમ આદમી પાર્ટી સામાન્ય પ્રજાજનોના હક પર તરાપ મારતા આ પરિપત્રનો વિરોધ કરે છે. અમારા તમામ નગર સેવકો રેમડેસિવિર ઇન્જેકશન બાબતે મનપાના લાલ કેસના લાભાર્થીઓ માટે જે સુવિધા જાહેર કરાઇ છે તેનો બહિષ્કાર કરશે, તેમજ અમારી માંગણી છે કે રેમડેસિવિર ઇન્જેકશન તમામ દર્દીઓને વિનામૂલ્યે અને સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા રાજય સરકારે કરવી જોઇએ.

Most Popular

To Top