સુરત: સ્મીમેર હોસ્પિટલ (SURAT SMIMMER HOSPITAL) માં દિવસે દિવસે દર્દીઓ (PATIENTS) ની સંખ્યા વધી રહી છે. જેના કારણે તબીબો (DOCTORS) પણ ચિંતા કરી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધે અને દર્દીઓને સુવિધા આપી શકાય એ માટે સ્મીમેર હોસ્પિટલના મલ્ટિલેવલ પાર્કિંગ (MULTI LEVEL PARKING) ના ત્રીજા માળે પણ હોસ્પિટલ ઊભી કરવાની શરૂઆત કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ કોરોનાની મહામારી (PANDEMIC) શહેરમાં ખૂબ જ વધી છે. સુરત મહાનગર પાલિકા (SMC) સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના કેસની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. સ્મીમેર હોસ્પિટલમાં પણ દરરોજ કોરોનાના કેસ માટે મોટી સંખ્યા લોકો આવે છે. કોવિડ (COVID-19) ની ઓપીડી (OPD) માં દરરોજ 80થી 100 લોકો કોવિડનો રિપોર્ટ (REPORT) કઢાવવા આવે છે. આ ઉપરાંત ગંભીર દર્દીઓ પણ સ્મીમેર હોસ્પિટલમાં આવી રહ્યા છે. જેમને અલગ અલગ વોર્ડમાં દાખલ કરાઈ રહ્યા છે. ઉપરાંત કેટલાક દર્દીઓને ખાનગી હોસ્પિટલ સાથેના કરાર મુજબ જે-તે હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. સ્મીમેરના વહીવટકર્તા દ્વારા પણ મલ્ટિલેવલ પાર્કિંગમાં પણ કોવિડ-19ના વોર્ડ શરૂ કરાયા હતા. અત્યાર સુધી મલ્ટિલેવલ પાર્કિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર (GROUND FLOOR) તથા પહેલો અને બીજા માળ સુધી દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. દર્દીઓની સંખ્યા આગામી દિવસોમાં વધે અને તેને પહોંચી વળવા માટેની તૈયારીઓ તબીબો દ્વારા કરાઈ રહી છે. સ્મીમેર હોસ્પિટલના મલ્ટિલેવલ પાર્કિંગના ત્રીજા માળે (THIRD FLOOR) પણ હવે કોવિડ-19ના વોર્ડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વોર્ડ બનવાથી આગામી દિવસોમાં વધુ 125થી 135 જેટલા દર્દીઓને તેની સવલત મળવાપાત્ર થઇ જશે.
ઓક્સિજનવાળા દર્દીઓને પહોંચી વળવા માટે 20 હજાર લીટરની ઓક્સિજન ટેન્ક બનાવાશે
સ્મીમેર હોસ્પિટલના મલ્ટિલેવલ પાર્કિંગમાં હાલ પોઝિટિવ અને નેગેટિવ દર્દીઓ મળી કુલ 250થી 300 જેટલા દર્દી સારવાર લઇ રહ્યા છે. મોટા ભાગના ઓક્સિજન(OXYGEN) ની જરૂરિયાતવાળા દર્દીઓને મલ્ટિલેવલ પાર્કિંગમાં રાખવામાં આવી રહ્યા છે. મલ્ટિલેવલ પાર્કિંગમાં પણ આગામી દિવસોમાં ઓક્સિજનની વધુ ને વધુ જરૂરિયાત ઊભી થાય અને તેને પહોંચી વળવા માટે સ્મીમેર હોસ્પિટલના ઉચ્ચ તબીબો દ્વારા મલ્ટિલેવલ પાર્કિંગના કેમ્પસમાં 20 હજાર લીટરની ઓક્સિજન ટેન્ક બનાવવામાં આવી રહી છે. જે આગામી એક સપ્તાહમાં બની ગયા બાદ દર્દીઓ માટે તેને ખુલ્લી મૂકવામાં આવશે.