નવસારી : વર્કતા તો જુઓ એક તરફ જિલ્લા આરોગ્ય તંત્ર કોરોના અંગે સબસલામતનો પોકાર કરે છે, તો બીજી તરફ નવસારી(NAVSARI)-વિજલપોર પાલિકાના પ્રમુખે શહેરમાં કોરોનાના વધતા જતા કેસથી ચિંતિત થઇને આજે ચેમ્બર ઓફ કોમર્સ (CHAMBER OF COMMERCE) તેમજ બીજા વેપારીઓની એક મંથન બેઠક યોજી હતી, જેમાં 30 એપ્રિલ સુધી રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી સ્વૈચ્છિક બંધ (Voluntary closure) રાખવા તેમજ શનિ- રવિએ સંપૂર્ણ બંધ (COMPLETE CLOSER) પાળવા માટે નક્કી થયું છે. પાલિકાએ શાકભાજી માર્કેટ પણ 30 એપ્રિલ સુધી બંધ રાખવાની તેમજ જાહેર બગીચા, હોટલ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની લારીઓ પણ બંધ કરાવવાની જાહેરાત કરી છે. રાત્રી દરમ્યાન કોઇને ફરવા દેવાશે નહીં.
નવસારી શહેરમાં રોજ સતત 10 થી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. આખા જિલ્લામાં માંડ બે હજારથી થોડા વધુ ટેસ્ટ થાય છે, જ્યાં નવસારીની વસ્તી (POPULATION) જ અઢી ત્રણ લાખની છે, ત્યારે આ ટેસ્ટ સાવ મામૂલી ગણાય એમ છે. વાસ્તવમાં નગર પાલિકાએ સ્વૈચ્છિક રાત્રે 9 થી સવારે 6 વાગ્યા દરમ્યાન સ્વૈચ્છિક બંધ પાળવાની અપીલ કરી છે, તેની સાથે સાથે ટેસ્ટિંગ વધુ હાથ ધરાય તો વેળાસર નિદાન થઇ શકે અને સારવાર પણ થઇ શકે. એક તરફ ઓક્સિજનનો પુરવઠો ઓછો છે. ઉપરાંત હોસ્પિટલો બધી ફૂલ છે, ત્યારે વહેલું નિદાનથી થાય એ જરૂરી છે.
એપ્રિલના સાત દિવસમાં 29ના મોત વિરાવળ સ્મશાનમાં નોંધાયા
નવસારીના વિરાવળ સ્મશાનમાં કોરોનાથી સંક્રમિત મૃતકોના અંતિમ સંસ્કાર 29 થયાનું નોંધાયું છે. જો કે કોરોનાથી મૃતકનો સરકારી આંકડા તો એપ્રિલમાં કોઇનું મૃત્યુ કોરોનાથી થયું ન હોવાનું જણાવ્યું હતું. યાદ રહે કે ફક્ત વિરાવળ સ્મશાનમાં આવેલા કોરોનાથી મૃતકોની સંખ્યા 29 છે, જ્યારે બીજા સ્મશાનમાં કોરોનાથી મૃતકોની સંખ્યાની ગણતરી મૂકીએ તો કોરોનાથી મૃતકોનો આંકડો મોટો હશે એવી આશંકા છે. ગુરૂવારનો કોરોનાથી મૃતકોની સંખ્યા બિનસત્તાવાર રીતે 10નો હોવાનું જાણવા મળે છે.
વેસ્મામાં કોરોનાનો વિસ્ફોટ, સો દોઢસો કેસો હોવાના સંકેત
વેસ્મામાં કોરોનાનો વિસ્ફોટ થયો હોવાનું જાણવા મળે છે. અંદાજે સો- દોઢસો જેટલા કોરોનાના કેસો હોવાનું જાણવા મળે છે. અનેક પરિવારોના તમામ સભ્યો કોરોનાથી સંક્રમિત છે. એ જોતાં કોરોનાની સ્થિતિ ગંભીર હોવાની આશંકા છે. કોરોનાના કેસો વધી રહ્યા છે, તો બીજી તરફ સરકારી આંકડા સાવ ઓછા આંકડા ધરાવે છે. એ સંજોગોમાં લોકો ગંભીરતાથી સ્થિતિને લેતા નથી અને તેને કારણે લોકો બેદરકારી દાખવે છે અને તેનું પરિણામ માઠું આવે એવી સંભાવના વધી ગઇ છે.
પંદર દિવસ સંપૂર્ણ લોકડાઉન રાખો તો સ્થિતિ નિયંત્રણમાં આવે : ફૂડ એન્ડ ડ્રગ અધિકારી
નવસારી ફૂડ એન્ડ ડ્રગ આસીસ્ટન્ટ કમિશ્નર ગઢવીએ આજે નવસારીની કોરોના સ્થિતિ અંગે ‘ગુજરાતમિત્ર’ના પ્રતિનિધિ સાથે રૂબરૂ વાતમાં જણાવ્યું હતું કે કોરોનાની સ્થિતિ ગંભીર છે,ત્યારે લોકોએ ઘણી સાવચેતી રાખવી પડે એમ છે. લોકો બેફામ થઇને ફરે છે. મોટા ભાગની હોસ્પિટલમાં બેડ નથી અને જો સગવડ કરી આપે તો ઓક્સિજન કે વેન્ટીલેટરની સગવડ નહીં મળે તો અમારી જવાબદારી નથી, એવું દર્દીના સબંધીઓ પાસે લખાવી દે છે. સુરતના દર્દીઓને પણ અહીં મોકલે છે, ત્યારે અહીં દવાનો પુરવઠો કઇ રીતે મેનેજ કરી શકાય એ મોટો પ્રશ્ન છે. અત્યારની સ્થિતિમાં જો કોરોનાને કાબુમાં લેવા માટે સંપૂર્ણ લોકડાઉન જરૂરી છે. ઓછામાં ઓછા પંદર દિવસનું સ્વૈચ્છિક સંપૂર્ણ લોકડાઉન રાખવામાં આવે તો જ ચેઇન તુટી શકશે. અંશતઃ લોકડાઉન રહેશે તો લોકો પાછા બેફામ થઇને ફરતા થઇ જશે
નવસારીમાં ઓક્સિજનની ભારે અછત
નવસારીમાં તમામ હોસ્પિટલોમાં બેડ ફૂલ થઇ ગયા છે, તેમાંય કેટલાની હાલત ગંભીર છે. અત્યારે પણ નવસારીમાં દરરોજ 250 બાટલાની જરૂર છે, પણ સપ્લાયરો પાસે 125 જ બાટલા છે. આ સંજોગોમાં સ્થિતિ ગંભીર થઇ રહી છે. ઓક્સિજનના બાટલા બીજા મળે એમ નથી, તે સંજોગોમાં દર્દીઓને ઓક્સિજન મળે એમ નથી, ત્યારે કેવી સ્થિતિ સર્જાશે એ ચિંતાજનક છે. ઓક્સિજનનો પુરવઠો વધુ મળે એ જરૂરી છે.