National

ચૂંટણી પ્રચારમાં માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવો: દિલ્હી હાઇકોર્ટમાં અરજી

દિલ્હી હાઇકોર્ટમાં અરજી થઇ છે કે વિવિધ રાજ્યો અને સંઘ પ્રદેશોમાં ચાલી રહેલ ચૂંટણીઓમાં ચૂંટણી પ્રચારમાં સંડોવાયેલાઓ તમામ માટે માસ્ક પહેરવાનું ફરજિયાત બને એ સુનિશ્ચિત કરવામાં આવે, આ અરજી બાબતે હાઇકોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચના જવાબો માગ્યા છે.

હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ડી.એન. પટેલ જસ્ટિસ જસમીત સિંઘની બેન્ચે આ અરજી અંગે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ જારી કરી છે અને આ અરજી અંગે તેમના પ્રતિભાવ માગ્યા છે, જે અરજી ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ ડીજીપી વિક્રમ સિંહ દ્વારા કરવામાં આવી છે જેઓ થિંક ટેન્ક સેન્ટર ફોર એકાઉન્ટેબિલિલટી એન્ડ સિસ્ટમેટિક ચેન્જ(સીએએસસી)ના અધ્યક્ષ પણ છે.

અદાલતે આ અરજી સુનાવણી માટે ૩૦ એપ્રિલની યાદી પર મૂકી છે, જે અરજી વિક્રમ સિંહની મુખ્ય અરજીની સાથે સુનાવણીની યાદી પર મૂકવામાં આવી છે જે અરજીમાં તેમણે કોવિડ-૧૯ના રોગચાળા અંગે ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલ માર્ગદર્શિકાઓનો વારંવાર ભંગ કરતા પ્રચારકો અને ઉમેદવારોને પ્રચાર કરવામાંથી બાકાત કરવાની માગણી કરવામાં આવી છે.

અરજદાર તરફે ઉપસ્થિત થયેલ ધારાશાસ્ત્રી વિરાગ ગુપ્તાએ બેન્ચને કહ્યું હતું કે ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારમાં ફરજિયાતપણે માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા બાબતે ડિજિટલ, પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયા મારફતે જાગૃતિ સર્જવી જોઇએ.

અરજદારે દાવો કર્યો હતો કે સામાન્ય પ્રજા સાથે આડકતરો ભેદભાવ કરવામાં આવે છે કારણ કે કોવિડ-૧૯ના નિયમોના ભંગ બદલ તેમની પાસેથી દંડ ઉઘરાવવામાં આવે છે પણ રાજકારણીઓ પર કોઇ પગલા લેવામાં આવતા નથી. કેન્દ્ર સરકારના સ્ટેન્ડિંગ વકીલ અનુરાગ અહલુવાલીયાએ કેન્દ્ર વતી નોટિસ સ્વીકારી હતી.

Most Popular

To Top