મુંબઇ : મુંબઇ સહિત મહારાષ્ટ્ર(MAHARASHTRA)માં વધી રહેલા કોરોનાના કેસ(CORONA CASES)ને ધ્યાને લઇને મુંબઇમાં આઇપીએલ(IPL)ની મેચોના આયોજન સામે શંકાના વાદળો ઘેરાયા હતા, જો કે મહારાષ્ટ્ર સરકારે આ શંકાના વાદળો વિખેરી નાંખતો નિર્ણય કરીને રોગચાળાને અટકાવવા માટે લાગુ કરાયેલા રાત્રે 8 પછીના નાઇટ કરફ્યુ છતાં આઇપીએલ ફ્રેન્ચાઇઝી ટીમોને રાત્રે 8 પછી પ્રેક્ટિસ કર્યા બાદ હોટલ સુધી જવાની મંજૂરી આપી દીધી છે.
મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કોરોનાના કેસને ધ્યાને લઇને રાજ્યની ઉદ્ધવ ઠાકરે સરકારે રવિવારે મુંબઇ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધીનો નાઇટ કરફ્યુ લાગુ કરવાની જાહેરાત કરી હતી. આ ગાઇડલાઇનનું પાલન અહીં કરવામાં આવી રહ્યું છે અને તેના કારણે આઇપીએલની ટીમોના ખેલાડીઓ માટે સમસ્યા સર્જાઇ હતી. જો કે રાજ્ય સરકારે આજે આઇપીએલ ટીમોનો બાયો સિક્યોર બબલનું આકરું પાલન કરીને રાત્રે 8 વાગ્યા પછી પણ પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવાની સાથે જ ત્યાંથી રાત્રે હોટલ પર જવાની પરવાનગી આપી દીધી હતી.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (bcci)ને પહોંચતા કરાયેલા પોતાના પત્રમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ રાહત અને પુનર્વસન ડિપાર્ટમેન્ટના સચિવ શ્રીરંગ ઘોલાપે લખ્યું છે કે મેચનો સમય ઘ્યાને લઇને ટીમોને ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા (cci) અને મુંબઇ ક્રિકેટ એસોસિએશન વાનખેડે સ્ટેડિયમ (mca)માં બપોરે 4 વાગ્યાથી સાંજે 6.30 વાગ્યા સુધી અને સાંજે 7.30 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી એમ બે સેશનમાં પ્રેક્ટિસ કરવાનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.
IPLની કુલ 10 મેચો રમાવાની છે મુંબઇમાં
ઇન્ડિયન પ્રીમિયર લીગનો પ્રારંભ 9મી એપ્રિલથી થઇ રહ્યો છે, અને કોરોનાના વધતા કેસોને ધ્યાને લેતા તેના આયોજન સામે થોડી શંકા કુશંકા ચાલી રહી છે. મુંબઇમાં આઇપીએલની 10 મેચો રમાવાની છે અને આ તમામ મેચો મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. તેમાંથી 9 મેચો મોડી સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે અને તેને પુર્ણ થતાં 10.30 વાગી જ જશે. ત્યારે મહારાષ્ટ્ર સરકારે આપેલી મંજૂરીથી જ આ મેચોનું આયોજન હવે થઇ શકશે. વાનખેડે પર પહેલી મેચ 10 એપ્રિલે ચેન્નાઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે.