તાજેતરમાં એક વીડિયો જોવા મળ્યો, જેમાં એક કહેવાતો તબીબ કોરોનાથી બચવા દિવસમાં પાંચ-સાત વખત મોમાં થોડું થોડું મીઠું (સોલ્ટ) મૂકવાનું કહે છે.જેનાથી કોરોનાની ઘાતક અસરથી બચી જવાય એવો દાવો કરવામાં આવ્યો છે.
છેલ્લા એક વર્ષમાં મંત્ર, તંત્ર, ઝાડુ,ફૂંક જેવા અનેક બોગસ ઉપચારો-ઉપાયોના ટેક્સ મેસેજીસ અને વીડિયો વાઈરલ થતા રહ્યા છે. સમગ્ર માનવજાત જ્યારે મુશ્કેલ સમયગાળામાંથી પસાર થઈ રહી છે ત્યારે લોકોને સાચું, વૈજ્ઞાનિક જ્ઞાન-સમજ આપવાને બદલે અંધશ્રદ્ધા ફેલાવાઈ રહી છે, જે ગેરમાર્ગે દોરનારી જ નહીં પણ ઘાતક નીવડી શકે એમ છે.
કમનસીબે સોશ્યલ મીડિયા પર સરકારનો કોઈ અંકુશ નથી. પરિણામે આવા મેસેજીસ લાખો-કરોડો લોકો સુધી પહોંચે છે અને ઘણા બધા એને સત્ય માની લે છે. એક જાગૃત અને સમજદાર નાગરિક તરીકે આપણે આવા આરોગ્ય સાથે ચેડાં કરતા, અવૈજ્ઞાનિક વાતો કરતાં મેસેજીસ અન્ય કોઈને ફોરવર્ડ ન કરીએ અને મોકલનારને સત્ય સમજાવીએ તો પણ મોટું કામ થશે.
સુરત – સુનીલ શાહ -આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.