સ્વાતંત્ર્ય સંગ્રામમાં દાંડીયાત્રા એક મહત્વનો પડાવ હતો. ગાંધીજીની દાંડીયાત્રા આમ તો વલસાડ તાલુકાના ધરાસણા સુધી લંબાવાની હતી. પરંતુ ગાંધીજીની ધરપકડ થયા બાદ ધરાસણામાં અહિંસક મીઠા સત્યાગ્રહ લાંબુ ચાલ્યું, પરંતુ દાંડીયાત્રા જેટલું મહત્વ ધરાસણાને મળ્યું નહીં તેવું લાગે છે. મીઠાના અગાર તો ધરાસણામાં છે.
આમ મીઠા સત્યાગ્રહના ઇતિહાસમાં ધરાસણાની ઉપક્ષા કેમ ? આવો પ્રશ્ન થઇ રહ્યો છે. ધરાસણામાં એક સ્મારકને બાદ કરતા ખાસ કશું થયું નથી. જ્યારે ધરાસણાનો અહિંસક મીઠા સત્યાગ્રહ લાંબા સમય સુધી ચાલ્યો હતો. જેમાં ત્રણ સત્યાગ્રહી શહીદ થયા હતા. ૧૩૨૯ સત્યાગ્રહી ઘવાયા હતા. આ સત્યાગ્રહમાં ૨૬૯૯ સત્યાગ્રહીઓએ ભાગ લીધો હતો. ધરાસણાના આ સત્યાગ્રહની થોડી વિગતો જુઓ તો લાગે કે આટલો મોટો સત્યાગ્રહ પરંતુ તેની જોઈએ તેવી નોંધ લેવાઈ નથી.
”કાગડા કુતરાને મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પગ નહીં મૂકું” એવી ભીષ્મ પ્રતિજ્ઞાની સાથે ૬૧ વર્ષના ગાંધીજીના નેતૃત્વમાં ૭૯ સત્યાગ્રહીઓ સાથેની પદયાત્રા ૧૨ માર્ચ ૧૯૩૦ના દિને આરંભી ૫ એપ્રિલ ૧૯૩૦ના દિને પુરી થઇ હતી. ૨૪ દિવસની પદયાત્રા ૨૪૧ માઇલ લાંબી હતી. દાંડીનો આ ઐતિહાસિક મીઠા સત્યાગ્રહ એક પ્રતિકરૂપ હતો. દાંડીમાં કોઈ મીઠાના અગરો ન હતા. દાંડીમાં તો મીઠું પાકતું નહોતું.
ઉગ્ર અહિંસક આંદોલન તો દાંડીથી ૧૭ કિલોમીટર દૂર ધરાસણામાં થયું હતું. ગાંધીજીએ વાઇસરોયને પત્ર લખી નોટિસરૂપ ધરાસણાના મીઠાનાં અગરો પર દરોડો પાડવાનો ઇરાદો જાહેર થતાં જ તા.૫ મે ૧૯૩૦ની રાત્રે એક વાગ્યે ગાંધીજીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તા.૧૨ મે ૧૯૩૦ના રોજ સોમવારે સવારે છ વાગ્યે અબ્બાસ તૈયબજીની આગેવાની હેઠળ કસ્તુરબા, કમળાદેવિ ચટ્ટોપાધ્યાય, સરોજીની નાયડુ તથા મીસીસ અબ્બાસ તૈયબ્બજી સહિત સેંકડો સત્યાગ્રહીઓ દરરોજ જુદા જુદા નેતાઓની નેતાગીરી નીચે ધરાસણા સત્યાગ્રહની શરૂઆત કરી હતી. ૬ જૂન ૧૯૩૦ના રોજ ધરાસણા સત્યાગ્રહની પૂર્ણાહુતિ થઈ હતી.
ધરાસણાના મીઠા સત્યાગ્રહમાં જે પ્રકારે અંગ્રેજ અમલદારોએ સત્યાગ્રહીઓ પર જે પ્રકારે લાઠીઓ વીંઝીને સત્યાગ્રહીઓને ઘાયલ કર્યા. સત્યાગ્રહીઓ એક પછી એક લાઠીનો માર ખાવા આગળ વધતા, પરંતુ કોઈ સત્યાગ્રહીએ પોતાનો હાથ પણ ઉઠાવ્યો નહીં. અહીં સુધી કે લાઠીને રોકવા પણ હાથ ઉઠાવતા નહીં. સત્યાગ્રહીઓ એવું માનતા કે હિંસાથી બચવા હાથની આડશ ધરવી એ પણ હિંસાનો પ્રયાસ છે. એવી સત્યાગ્રહીઓની માન્યતાને તેમની સહનશક્તિને તથા તેમની વીરતાને જેટલા નમન કરો એટલા ઓછા છે.
આ સત્યાગ્રહ ચાલતો રહ્યો. લશ્કરની રેજીમેન્ટે જુલમની હદ કરી નાંખી હતી. જે સત્યાગ્રહીઓ લાઠીથી ઘાયલ થઈ લોહી નીકળતાં શરીરે પડ્યા હોય તેમને સ્થાનિક મહિલાઓ સાડીની ઝોળીમાં ઊંચકીને બે કિલોમીટર રાહત છાવણીમાં લઇ જતી હતી. સ્વયંસેવકો તેમજ સત્યાગ્રહીઓનું ટાળું ભેગું થાય તો તેમના પર ઘોડા દોડાવવામાં આવતા. ઘોડા એટલા ઝડપથી દોડતા કે તેની અડફટમાં આવી જતા સત્યાગ્રહીઓ જમીન પર પટકાતા. તેમના શરીર પરથી ઘોડા પસાર થતા. કેટલાય સત્યાગ્રહીઓના હાથ પગ તૂટતા. સત્યાગ્રહીઓને મારતા મારતા સખ્તાઈથી ઘસડતાં હતાં.
બુટની એડીઓ અને લાતો મારતા હતા. પરંતુ સત્યાગ્રહી આવા કમકમાટીભર્યા અત્યાચારની સામે પણ પીછેહઠ કરી નહીં. આડેધડ લાઠીઓ વિંઝતા કંપની સરકારની નિષ્ઠુર પોલીસ થાકી જતી હશે, પરંતુ સત્યાગ્રહીઓની અહિંસક લડતમાં જરા પણ પીછેહઠ નહીં જોવા મળી. એક પછી એક સત્યાગ્રહી ઘાયલ થઇ જમીન પર પડ્યા પરંતુ તેમની અહિંસક લડત સતત ચાલતી રહી હતી. આ અહિંસક લડતનો ઇતિહાસ ”ધરાસણાનો કાળો કેર” પુસ્તકમાં છે. આ પુસ્તકનું પુર્નમુદ્રણ ગાંધીમેળા પ્રબંધક સમિતિએ ધરાસણામાં ૫૪માં ગાંધીમેળાના સમયે કર્યુ હતું. ધરાસણાની લડતનો આ જીવતો દસ્તાવેજ છે. ધરાસણાના સત્યાગ્રહની ઉપેક્ષા થઇ હોવાનું લાગે છે. તો ધરાસણાને પણ દાંડીની જેમ સાથે સાથે વિકસાવવામાં આવે. એક સ્મારક તો છે પરંતુ દાંડીની જેમ ધરાસણા પણ સત્યાગ્રહીઓના બલિદાન માટે કાયમ યાદ કરવામાં આવે તેવું થાનક બને તેવું કશુંક થવું જોઇએ.
ધરાસણા મીઠા સત્યાગ્રહનું મહત્વ દાંડી કરતા વધુ
ચોર્યાસી ગ્રામ સેવા સમાજના પ્રમુખ બી.એમ.પટેલના જણાવ્યા પ્રમાણે ધરાસણા મીઠા સત્યાગ્રહનું મહત્વ દાંડી કરતાં અનેકગણું વધારે છે. દેશના સ્વાતંત્ર્ય ચળવળને યુ ટર્ન આપનાર દેશભરની પ્રજામાં જાગૃતિ લાવનાર કંપની સરકારના હાંજા ગગડાવી નાંખનાર લોહિયાળ ધરાસણા મીઠા સત્યાગ્રહનું મહત્વ દાંડી કરતા વધુ છે. મીઠા સત્યાગ્રહના ઇતિહાસમાં ધરાસણાને ભારોભાર અન્યાય થયો છે.
ધરાસણાના સ્મારકોનો, ધરાસણાની એ પવિત્ર બલિદાનની ભૂમિના ઇતિહાસની અવગણના થઇ છે. ધરાસણાના આ ઇતિહાસને તાત્કાલિક પુનર્જીવિત કરવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને અપીલ છે. દાંડીમાં ૧૫૦ કરોડથી વધુના ખર્ચથી ગાંધી સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ સ્મારકનો પુનરોધ્ધાર કરી ભુસાતા જતાં સ્વાતંત્ર્યના ઇતિહાસને પુનર્જીવિત કરવાનો ભગીરથ પ્રયત્ન પ્રસંશનીય છે. ધરાસણાના મીઠા સત્યાગ્રહને પણ આ રીતે પુનર્જીવિત કરવામાં આવે તે જરૂરી છે.
ધરાસણાના સત્યાગ્રહમાં ત્રણ સત્યાગ્રહીના બલિદાન
ધરાસણાના અહિંસક મીઠા સત્યાગ્રહમાં ત્રણ સત્યાગ્રહીએ દેશ માટે બલિદાન આપ્યું હતું. જેમાં ખેડાના ભાઇલાલભાઇ દાજીભાઇ પટેલ ૧૨ મે ૧૯૩૦ના રોજ શહીદ થયા હતા. જેમની ખાંભી વલસાડના ઔરંગા નદી કિનારે સ્મશાનભૂમિમાં આજે પણ છે. જેના પર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પંક્તિઓ છે. ”ખાખ પડી આંહી કોઈના લાડકવાયાની”. જ્યારે ૧૦ જૂનના રોજ સોલાપુરના ભાણ ખેપુ હુલ્લાએ બલિદાન આપ્યું હતું. ૧૩ જૂનના રોજ સુરતના નરોત્તમ નાથુભાઇ પટેલે ધરાસણા સત્યાગ્રહમાં અહિંસક લડત આપતા બલિદાન આપ્યું હતું. આ લડતમાં ૨૬૯૯ સત્યાગ્રહી પૈકી ૧૩૨૯ સત્યાગ્રહી ઘાયલ થયા હતા. ઠેર ઠેર ઘાયલ સત્યાગ્રહીઓની છાવણી જોવા મળી હતી.
કેમ થયું હતું ધરાસણાનું મીઠા સત્યાગ્રહ ?
મીઠા સત્યાગ્રહ કરવા માટે મુખ્ય કારણ એ હતું કે કંપની સરકારે મીઠા પર ૨૪૦૦ ટકા વેરો નાંખ્યો હતો. મીઠા પર અસહ્ય વેરા સામે ધરાસણામાં મીઠા સત્યાગ્રહ થયો હતો. ૨૦ સત્યાગ્રહીઓને ૧૨ મહિનાથી ૧૬ મહિના સખત કેદ થઇ હતી. સત્યાગ્રહની આગેવાની લેનાર રાષ્ટ્રીય તેમજ રાજ્યના નેતાઓને 6થી ૧૬ માસ સુધીની સખત કેદની સજા થઇ હતી.