ભારતમાં રવિવારે કોરોના સંક્રમણના નવા 93,249 કેસ નોંધાયા છે. જે આ વર્ષે એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં કુલ કોરોના કેસનો આંકડો વધીને 1,24,85,509 થઈ ગયો છે.
રવિવારે નોંધાયેલા કેસ 19 સપ્ટેમ્બર પછી એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. 19 સપ્ટેમ્બરે કોરોનાના નવા 93,337 કેસ નોંધાયા હતા.મંત્રાલયના અહેવાલમાં જણાવાયું છે કે, રવિવારે નવા 513 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,64,623 પર પહોંચી ગયો છે.
ડેટા અનુસાર. દેશમાં કોરોના કેસમાં સતત 25 દિવસથી વધારો નોંધાઈ રહ્યો છે. જેથી એક્ટિવ કેસની સંખ્યા વધીને 6,91,597 થઈ ગઈ છે. જે કુલ કેસના 5.54 ટકા છે. દેશમાં એક્ટિવ કેસની સૌથી નીચી સપાટી 12 ફેબ્રુઆરીએ હતી. ત્યારે માત્ર 1,35,926 એક્ટિવ કેસ હતા. જે કુલ કેસના 1.25 ટકા હતા. દેશમાં વધતાં કેસની સામે રિકવર થયેલા લોકોની સંખ્યા પણ વધીને 1,16,29,289 થઈ ગઈ છે. જ્યારે કોરોના સામે મૃત્યુદર 1.32 ટકા નોંધાયો છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અનુસાર શનિવારે 11,66,716 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે દેશમાં 3 એપ્રિલ સુધી 24,81,25,908 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. દેશમાં નોંધાયેલા 513 મૃત્યુમાં મહારાષ્ટ્રના 277, પંજાબના 49, છત્તીસગઢના 36, કર્ણાટકના 19, મધ્યપ્રદેશના 15, ઉત્તરપ્રદેશ અને તમિલનાડુના 14-14, ગુજરાતના 13, કેરળના 12 અને દિલ્હી અને હરિયાણાના 10-10 લોકોનો સમાવેશ થાય છે.
દેશમાં કોરોના મહામારીમાં મહારાષ્ટ્રના 55,656, તમિળનાડુના 12,764, કર્ણાટકના 12,610, દિલ્હીના 11,060, પશ્ચિમ બંગાળના 10,340, ઉત્તર પ્રદેશના 8,850 અને આંધ્રપ્રદેશના 7,234 અને પંજાબના 7,032 સહિત દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,64,623 મૃત્યુ નોંધાયા છે.