સુરત: (Surat) શહેરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. નવા સ્ટ્રેઇન વાયરસ વધુ ચેપી હોવાથી સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં ખાસ કરીને માર્કેટ વિસ્તારોમાં સંક્રમણ વધ્યું છે. જેથી મનપા કમિશનર બંછાનિધિ પાનીએ માર્કેટ વિસ્તારોમાં (45 ઉંમરથી ઉપરના તમામ) વેક્સિન (Vaccine) મુકાવનારને જ પ્રવેશ આપવા માટે સૂચના આપી છે. જે માટે ટેક્સટાઈલ માર્કેટ (Textile Market) તેમજ હીરા બજાર (Diamond Market) બહાર મનપા તેમજ પોલીસની ટીમ ચેકિંગ માટે રાખવામાં આવશે. અને વેક્સિન મુકાવનારાઓનાં સર્ટિ. ચેક કરી તેમને જ પ્રવેશ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.
શહેરમાં જે રીતે કોરોના ફરીવાર અજગરી ભરડો લઈ રહ્યો છે તે જોતાં જો હાલમાં સંક્રમણ પર કાબૂ નહીં લેવામાં આવે તો આવનારા દિવસોમાં કોરોનાનો રાફડો ફાટી નીકળશે તેમાં કોઈ શંકા નથી. શહેરના જે વિસ્તારો કોરોનાના હોટસ્પોટ બની રહ્યા છે ત્યાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટેક્સટાઈલ માર્કેટ તેમજ હીરાબજારોમાં કોરોના વધુ કેસો નોંધાઈ રહ્યા છે. જેથી મનપા કમિશનર દ્વારા ટેક્સટાઈલ માર્કેટના તેમજ હીરાબજારના 45થી ઉપરના તમામ લોકોને ફરજિયાત વેક્સિન મૂકવા અનુરોધ કરાયો છે. જેઓએ હજી સુધી વેક્સિનનો એકપણ ડોઝ લીધો ન હોય તેમને માર્કેટમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. અને તેના ચેકિંગ માટે ટેક્સટાઈલ તેમજ હીરા માર્કેટના એન્ટ્રી પોઈન્ટ પર મનપા તેમજ પોલીસની સંયુક્ત ટીમો રહેશે.
કતારગામમાં નંદુ ડોશીની વાડીને કોર્ડન કરી રત્નકલાકારોને સમજણ અપાઈ
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી નંદુ ડોશીની વાડીમાં અંદાજે 50 હજાર કરતાં પણ વધુ રત્નકલાકારો કામ કરે છે. આ વિસ્તારને મનપા દ્વારા પતરાં લગાવીને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી કતારગામ, વરાછા, સરથાણા વિસ્તારમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. જેના પગલે નંદુ ડોશી વાડીનો સમગ્ર વિસ્તાર કોર્ડન કરી લઈને મનપાના કર્મચારીઓ ત્યાંથી પસાર થઈ નંદુ ડોશીની વાડી વિસ્તારમાં પ્રવેશવા પહેલાં જ દરેકને પૂછપરછ કરી હતી. જે વ્યક્તિઓએ વેક્સિન ન લીધી હોય તેમને વેક્સિનેશન સેન્ટર ઉપર મોકલવામાં આવ્યા હતા. જે લોકોને પૂછવામાં આવતું હતું તે લોકો પૈકી મોટા ભાગના લોકોએ વેક્સિન લીધી ન હતી. તેથી તમામ રત્નકલાકારોને પણ વેક્સિન લઈ લેવા માટે કોર્પોરેશન દ્વારા આગ્રહ કરવામાં આવ્યો હતો.