ANKLESHAVAR : ભરૂચ જિલ્લામાં સેકન્ડ વેવમાં કોરોના ( CORONA) જાણે કોહરામ મચાવી રહ્યો છે. આરોગ્ય વિભાગે રજૂ કરેલા આંકડા અનુસાર છેલ્લા 19 દિવસમાં કોરોનાના સરેરાશ 18 કેસ સાથે કુલ 349 કેસ નોંધાયા છે. જો કે, સરકારી આંકડા અને ખાનગી લેબોરેટરીના આંકડામાં મોટો તફાવત જોવા મળે છે.
સેકન્ડ વેવમાં કોરોના જાણે વધુ ઘાતક પુરવાર થઈ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ તારીખ 8 એપ્રિલ 2020ના રોજ નોંધાયો હતો. ત્યારે લગભગ એક વર્ષ પૂર્ણ થયું છે. આમ છતાં સ્થિતિ એની એ જ છે. બલ્કે વધુ ભયંકર બની રહી હોવાનું લાગી રહ્યું છે. કોરોનાના પ્રથમ રાઉન્ડમાં સંક્રમિતોની સંખ્યા વધી હતી. ત્યાર બાદ કેસમાં ઘટાડો નોધાયો હતો. પરંતુ કોરોના હવે વધુ તેજ રફ્તારથી આગળ વધી રહ્યો હોવાનું લાગી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં માર્ચ મહિનાની શરૂઆતથી જ કોરોનાએ બેક બાઉન્સ માર્યું છે અને છેલ્લા 19 દિવસમાં તો સ્થિતિ વધુ વણસી છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 19 દિવસમાં કોરોનાના રોજના સરેરાશ 18 કેસ નોંધાઈ રહ્યા છે અને 19 દિવસમાં કુલ 349 કેસ નોંધાયા છે.
આમ જિલ્લામાં કોરોનાની સ્થિતિ વધુ ભયંકર બનતી જઇ રહી છે. જો કે, આ તો સરકારી આંકડા છે. પરંતુ ખાનગી લેબોરેટરીના આંકડા આનાથી વધુ ભયંકર છે. જિલ્લામાં સરકારી આંકડા મુજબ અત્યાર સુધીમાં કુલ 4123 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, એ પૈકી 3864 લોકોએ કોરોનાને માત આપી સાજા થયા છે. કોરોના સંક્રમિત દર્દીઓના સરકારી આંકડા અને ખાનગી આંકડાની જેમ મોતના આંકડામાં પણ મોટો તફાવત જોવા મળે છે. આરોગ્ય વિભાગ અનુસાર કોરોનના કારણે અત્યાર સુધી 33 લોકોના મોત થયાં છે. પરંતુ કોવિદ સ્મશાનમાં કોરોનાના પ્રોટોકોલ અનુસાર અત્યાર સુધી 545 લોકોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. છેલ્લા 3 દિવસની વાત કરીએ તો 3 દિવસમાં 22 લોકોના કોવિડ સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યાં છે. વૈશ્વિક મહામારી કોરોનાની આ બીજી વેવ અત્યંત ઘાતક પુરવાર થઈ રહી છે. ત્યારે જીવલેણ સંક્રમિતથી બચવા માટે માસ્ક આવશ્ય પહેરો. સોશિયલ ડિસ્ટન્સનું ( SOCIAL DISTANCE ) પાલન કરો અને સરકારના નિયમો અનુસાર કોરોનાની રસી અચૂક મુકાવો એ જ એક માત્ર અકસીર ઉપાય છે
ભરૂચ જિલ્લામાં કોરનાનું સંક્રમણ વધતાં ફરીવાર 4 હોસ્પિટલને સ્પેશિયલ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરાઈ
ભરૂચ જિલ્લામાં કોરોનાવાયરસ ( CORONA VIRUS) નું સંક્રમણ બેકાબૂ થઈ રહ્યું છે. ત્યારે તંત્ર દ્વાર ફરી એકવાર 4 હોસ્પિટલોને સ્પેશિયલ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવાની ફરજ પડી છે. કોરોના તેની બીજી લહેરમાં હાહાકાર મચાવી રહ્યો છે. એમાંથી ભરૂચ જિલ્લો પણ બાકાત રહ્યો નથી અને જિલ્લામાં રોજના સરેરાશ 18 કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે તંત્ર એક્શનમાં આવ્યું છે. કોરોનાના પ્રથમ રાઉન્ડમાં જાહેર કરાયેલ 4 હોસ્પિટલને ફરી એકવાર સ્પેશિયલ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે.
એ મુજબ ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલ, પટેલ વેલફેર હોસ્પિટલ, અંકલેશ્વરની ઇ.એસ.આઇ.સી. અને જંબુસરની અલ મહેમુદ હોસ્પિટલને સ્પેશિયલ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે. આ ચારેય હોસ્પિટલ મળી કુલ 300 જેટલા બેડ ઉપલબ્ધ છે. આ ઉપરાંત વિવિધ ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાની સારવાર કરાવી શકાશે.