ભારતમાં જેમને કોવિડ-૧૯ થઇ ચુક્યો હોય તેવા સાડા ચાર ટકા જેટલા લોકોને ફરીથી ચેપ લાગ્યો છે એવું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(આઇસીએમઆર)ના એક અભ્યાસમાં જણાયું છે આથી ભારતમાં રસીકરણ અભિયાન તેના નવા તબક્કામાં પ્રવેશ્યું છે તેવા જ સમયે ચિંતા સર્જાઇ છે.
આઇસીએમઆર દ્વારા ૧૩૦૦ વ્યક્તિઓ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો, જે અભ્યાસ એપિડેમિઓલોજી એન્ડ ઇન્ફેકશન જર્નલમાં પ્રગટ થયો છે અને તેમાં રિઇન્ફેકશનની રોગચાળાની દષ્ટિએ સમજ અને ભારતમાં તેના વ્યાપ અંગેનો ખયાલ મેળવવાનો હેતુ હતો. સાર્સ કોવ-ટુમાં ફરીથી ચેપ લાગવા અંગેની બાબતનો અભ્યાસ સર્વેલન્સ સઘન બનાવવા માટે જરૂરી છે.
હાલની તપાસ આ લક્ષ્યમાં ફાળો આપે છે અને તેમાં જણાયું છે કે ભારતમાં સાર્સ કોવ-ટુનો ચેપ લાગ્યો હોય તેવા ૪.પ ટકા લોકોને ફરીથી તેનો ચેપ લાગ્યો છે એમ આ અભ્યાસમાં જણાવાયું છે. આ અભ્યસાના તારણો ચિંતાજનક છે કારણ કે તેમાં જે ડેટા છે તે ફક્ત આઠ મહિના – ૨૨ જાન્યુઆરીથી ૭ ઓકટોબર ૨૦૨૦ સુધીના છે. અને ફરી ચેપ લાગવાનું પ્રમાણ હાલના માહોલમાં, કે જ્યારે નવા કેસો વધી રહ્યા છે ત્યારે આના કરતા પણ વધુ ઉંચુ હોઇ શકે છે એમ અભ્યાસના લેખકોમાંના એક લેખકે કહ્યું હતું.
આ અભ્યાસના તારણો એવા સમયે આવ્યા છે કે જ્યારે દેશમાં કોવિડ-૧૯ના રોગચાળાનું બીજું મોજું શરૂ થયું છે અને જાહેર આરોગ્ય નિષ્ણાતોને ભય છે કે આ મોજું દેશમાં રસીકરણ શરૂ થઇ ગયું હોવા છતાં પહેલા મોજા કરતા વધુ ખરાબ સાબિત થઇ શકે છે.