ભારતમાં શનિવારે છેલ્લા 24 કલાકમાં નવા 89,129 કેસ નોંધાયા છે. જે છેલ્લા સાડા છ મહિનામાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સાથે કુલ કેસનો આંક 1.23 કરોડે પહોંચી ગયો છે
શનિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં એક દિવસમાં વધુ 714 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,64,110 પર પહોંચી ગયો છે. દેશમાં એક દિવસમાં નોંધાયેલા 714 મૃત્યુ 21 ઓક્ટોબર પછીના સૌથી વધુ છે.
શનિવારે નોંધાયેલા કેસ 20 સપ્ટેમ્બરે નોંધાયેલા 91,605 કેસ બાદના સૌથી વધુ કેસ છે.
દેશમાં કોરોના કેસમાં સતત 24 દિવસથી વધારો થઈ રહ્યો છે. જેના કારણે એક્ટિવ કેસની સંખ્યા વધીને 6,58,909 પર પહોંચી છે. જે કુલ કેસના 5.32 ટકા છે. જ્યારે, રિકવરી રેટ ઘટીને 93.36 ટકા થયો છે.
આરોગ્ય મંત્રાલયના આંકડામાં જણાવાયું છે કે, કોરોનાને માત આપનાર લોકોની સંખ્યા વધીને 1,15,69,241 થઈ છે. જ્યારે, કોરોના સામે મૃત્યુદર ઘટીને 1.32 ટકા થઈ ગયો છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના જણાવ્યા અનુસાર, દેશમાં એક દિવસમાં 10,46,605 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દેશમાં આ સાથે કુલ 24,69,59,192 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
દેશમાં નોંધાયેલા નવા 714 મૃત્યુમાં મહારાષ્ટ્રના 481, પંજાબના 57, છત્તીસગઢના 43, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના 16-16, કેરળ અને દિલ્હીના 14 -14, તમિળનાડુના 12, ગુજરાતના 11 અને હરિયાણાના 10 લોકોનો સમાવેશ થાય છે.